અકસ્માતમાં ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને ખભે ઉંચકી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના કેબલ બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકને ખભે ઊંચકી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી માનવતા મહેકાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચનો નેશનલ હાઈવે નંબર ૪૮ હંમેશા વાહનોની અવર જવરથી ધમધમતો રહે છે.
જેના કારણે અનેક અકસ્માત અને ટ્રાફીકજામની સમસ્યા રહેતી હોય છે.જેના કારણે ટ્રાફીક પોલીસ પણ હંમેશા આ માર્ગ પર કામગીરીમાં વ્યસ્ત જોવા મળે છે.ત્યારે ટ્રાફીક પોલીસની આવી જ એક સરાહનીય કામગીરીનો વીડિયો વાયરલ થયો છે.જેમાં ગતરોજ ભરૂચ કેબલ બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રકમાં રહેલા ચાલકને ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતના લીધે થયેલા ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ સ્થળ પર નહીં પહોંચી શકતા ટ્રાફીક પોલીસ જવાને ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને પોતાના ખભે ઉઠાવી એમ્બ્યુલન્સ સુધી પહોચાડી સારવાર અર્થે ખસેડી માનવતા ભરી કામગીરી કરી હતી.જેનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોની પ્રશંસા મેળવી રહ્યો છે.