મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અને ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અંતર્ગત સેમિનાર યોજાયો
ભારત સંચાર નિગમ લિમિટેડની મુખ્ય બ્રાંચના અધિકારીઓ અને કર્મચારીઓ સહભાગી થયા
સેમિનારમાં મહિલાલક્ષી અન્ય યોજનાઓની પણ જાણકારી આપવામાં આવી
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અને ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અંતર્ગત ભારત સંચાર નિગમ લિમિટેડની સી.જી. રોડ, અમદાવાદ ખાતેની મુખ્ય બ્રાંચના અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી વૃતિકા ડી. વેગડા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ-2005, મહિલાઓને રક્ષણ આપતા કાયદા વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને સેમિનારમાં સહભાગી થયેલ કર્મચારીઓ તેમજ અધિકારીઓને આ કાયદાથી અવગત કરવામાં આવ્યા હતા.
181 અભયમ મહિલા હેલ્પલાઈન યોજનાના રિજનલ કોઓર્ડિનેટર શ્રી ફાલ્ગુનીબહેન પટેલ દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઈન વિશે સંપૂર્ણ માહિતી અને સમજ આપવામાં આવી હતી.
આ સેમિનારમાં ચીફ જનરલ મેનેજર શ્રી સંદીપ સાવરકર, સિનિયર જનરલ મેનેજર શ્રી પી.કે. શ્રીવાસ્તવ, શ્રી અર્ચના સાવરકર તેમજ સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન યોજનાના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી જીતેશ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.