ટ્રક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત: 4 મહિલાના મોત
સોમનાથ પિતૃ તર્પણ કરવા જતા પરિવારને અકસ્માત: ચાર મહિલાના મોત, ૧૬ને ઈજા -અમદાવાદ-રાજકોટ હાઈવે પર ટ્રક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત
(એજન્સી)અમદાવાદ, ગુજરાતના હાઈવે ગમખ્વાર અકસ્માતના કારણે અનેક વખત રકતરંજિત થતા હોય છે. અકસ્માત થવા પાછળ ઓવરસ્પીડ, ડ્રાઈવરને ઝોકું આવી જવું, બ્રેક ફેઈલ થવી કે પછી અચાનક કોઈ રસ્તા પર જાનવર આવી જવાના કારણ હોય છે.
દર એકાદ બે દિવસ છોડીને રાજ્યમાં નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે. ઘણી વખત અકસ્માતના કારણે જાનહાનિ થાય છે જ્યારે કેટલીક વખત લોકોના કરૂણ મોત થાય છે. થોડા સમય પહેલાં અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર પૂરઝડપે જઈ રહેલી કાર ધડાકાભેર વૃક્ષને અથડાતા ત્રણ મિત્રોના મોત થવાની ઘટનાની સાહી હજુ સુકાઈ નથી ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે . Ahmedabad Rajkot Highway
જેમાં એક જ પરિવારની ચાર મહિલાઓના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે ૧૬ લોકો ઈજાગ્રસ્ત થયા છે. લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો પિતૃ કાર્ય માટે સોમનાથ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદ રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને પિકઅપ વાન અથડાતા એક જ પરિવારની ચાર મહિલાના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે ૧પથી વધુ લોકોને ઈજા પહોંચી છે. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો પિતૃ કાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા-રાજકોટ હાઈવે પર મોલડી પાસે પહોંચતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં પીકઅપ વાનમાં સવાર ચાર મહિલાના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે ૧૬ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે. મળતી માહિતી મુજબ મૃતક ચારેય મહિલા સગા દેરાણી જેઠાણી છે.
મધરાતે થયેલા આ ગંભીર અકસ્માતની જાણ થતાં પોલીસ તરત અકસ્માત સ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડયા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. પિતૃ કાર્ય માટે જતા એક જ પરિવારની ચાર મહિલાના મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અકસ્માતની આ ઘટનાને લઈને હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે આવીને ટ્રાફિક ક્લિયર કર્યો હતો અને ચારેય મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ સાથે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રાઈવરને ઝોકું આવી જતાં તેણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો
અને પીકઅપ વાન સીધી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. પોલીસ, ૧૦૮ એમ્બ્યુલન્સ તમજ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતની આ ઘટના ગીગાના ઓટલા પાસે થઈ છે જેથી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અકસ્માતની આ ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.