Western Times News

Gujarati News

પાક.માં ઇમરાનના સમર્થકો રસ્તા પરઃ તખ્તાપલટનો અંદેશો

File

રાજધાની ઇસ્લામાબાદ યુદ્ધ મેદાન બન્યું

વડાપ્રધાન શહેબાઝ શરીફે પ્રદર્શનકારીઓ દ્વારા રેન્જર્સ અને પોલીસ કર્મચારીઓ પર હુમલાની આકરી નિંદા કરી છે

ઈસ્લામાબાદ,પાકિસ્તાનમાં ફરી એક વખત તખ્તાપલટનો અંદેશો દેખાઈ રહ્યો છે. રાજધાની ઈસ્લામાબાદ યુદ્ધનું મેદાન બન્યું છે. એક તરફ ઈમરાન ખાનના સમર્થકો છે તો બીજી તરફ જનરલ આસિમ મુનીરની સેના. લડાઈ પૂરજોશમાં ચાલી રહી છે. મંગળવારે ઈમરાનના સમર્થકો રસ્તાઓ પર ઉભા કરાયેલા કન્ટેનરની દિવાલો હટાવીને ઈસ્લામાબાદમાં દાખલ થયા હતા. આ જોતાં ઈસ્લામાબાદને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ (PTI)ના કાર્યકર્તાઓ અને તેમના સમર્થકો ઈમરાન ખાનની મુક્તિની માંગ સાથે ઈસ્લામાબાદ સુધી વિરોધ માર્ચ કાઢી રહ્યા હતા. આ દરમિયાન સરકારે તેમને રસ્તામાં રોકવાનો પ્રયાસ કર્યાે, જે બાદ ઈમરાનના સમર્થકો ગુસ્સે થઈ ગયા અને સેના સાથે ઘર્ષણ થતાં હિંસા ફાટી નીકળી.

જેમાં સુરક્ષાકર્મીઓ સહિત ૬ લોકોના મોત અને સેંકડો ઘાયલ થયાના અહેવાલ છે. સ્થિતિ બેકાબૂ થતાં સત્તાવાળાઓએ પ્રદર્શનકારીઓને જ્યાં જુઓ ત્યાં ઠારનો આદેશ કર્યાે છે. આમ, એકંદરે પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જા છે અને બાંગ્લાદેશની જેમ તખ્તો પલટાઈ જાય તો નવાઈ નથી PTI સમર્થકોની આ રેલી ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી અને ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરના નેતૃત્વમાં કાઢવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઈમરાન ખાનના સમર્થકોનો ઉગ્ર વિરોધ કરતો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ રસ્તા પર મુકેલા શિપિંગ કન્ટેનર પર ચઢતા અને તેને દોરડા વડે હટાવતા જોવા મળી રહ્યા છે.

મહત્વનું છે કે, પ્રદર્શનકારીઓ ડી-ચોક ખાતે ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા જે મહત્વની સરકારી ઇમારતો, રાષ્ટ્રપતિ ભવન, વડાપ્રધાન કાર્યાલય, સંસદ અને સુપ્રીમ કોર્ટની નજીક સ્થિત છે. બુશરા બીબીએ PTIના કાર્યકર્તાઓ અને સમર્થકોને તેમના વિરોધને શાંતિપૂર્ણ રાખવા વિનંતી કરી અને આશા વ્યક્ત કરી કે, પાર્ટીના સ્થાપક ઈમરાન ખાનને જલ્દીથી મુક્ત કરવામાં આવશે. આ તરફ પાકિસ્તાનના માહિતી મંત્રીએ કહ્યું, ‘પૂર્વ પીએમ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી તેમની મુક્તિની માંગને લઈને વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા તમામ નુકસાન માટે જવાબદાર છે.

વડાપ્રધાન શહેબાઝ શરીફે પ્રદર્શનકારીઓ દ્વારા રેન્જર્સ અને પોલીસ કર્મચારીઓ પર હુમલાની આકરી નિંદા કરી છે. તેમણે અધિકારીઓને આ ઘટનામાં સંડોવાયેલા લોકોની તાત્કાલિક ઓળખ કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, શાંતિપૂર્ણ વિરોધની આડમાં પોલીસ અને રેન્જર્સ પરના હુમલા નિંદનીય છે. અરાજકતાવાદી જૂથ રક્તપાત ઇચ્છે છે, આ શાંતિપૂર્ણ વિરોધ નથી, પરંતુ ઉગ્રવાદ છે. શાહબાઝ સરકારનો દાવો છે કે, ઈમરાન સમર્થકોના હુમલામાં પાકિસ્તાન રેન્જર્સના સૈનિકોના મોત થયા છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.