Western Times News

Gujarati News

ટ્રમ્પ કેનેડા, મેક્સિકો અને ચીનની પ્રોડક્ટ્‌સ પર ઊંચી ટેરિફ લાદશે

ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સ અને ડ્રગ્સ સપ્લાય ન રોકતા ભારે કિંમત ચુકવવી પડશે

૨૦ જાન્યુઆરીએ કાર્યભાર સંભાળ્યા પછી તેમના પ્રથમ પગલાં તરીકે ત્રણ દેશો પર ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે

વોશિંગ્ટન,અમેરિકામાં નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સ અને ડ્રગ્સના સપ્લાયને અંકુશમાં લેવા માટે કેનેડા અને મેક્સિકોની તમામ પ્રોડક્ટ્‌સ પર ૨૫ ટકા તથા ચીનની પ્રોડક્ટ્‌સ પર ૧૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે આ અંગેના વહીવટી આદેશો પર તેમના પ્રમુખપદના પ્રથમ દિવસે જારી કરાશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ૨૦ જાન્યુઆરીએ કાર્યભાર સંભાળ્યા પછી તેમના પ્રથમ પગલાં તરીકે ત્રણ દેશો પર ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે.

દરેક જણ જાણે છે કે હજારો લોકો મેક્સિકો અને કેનેડામાં મારફત આવી રહ્યાં છે. આની સાથે ગુના અને ડ્રગ્સ એવા સ્તરે લાવી રહ્યા છે, જે પહેલાં ક્યારેય જોવા મળ્યાં ન હતાં. હાલમાં મેક્સિકોમાં હજારો લોકોના ધાડેધાડા તૈયાર છે અને તેઓ હાલમાં ખુલ્લી સરહદ મારફત કોઇપણ ભોગે પ્રવેશ કરવા માટે તૈયાર છે.ટ્રમ્પે જણાવ્યું હતું કે મારા ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાંનો પ્રથમ આદેશ મેક્સિકો અને કેનેડાની અમેરિકામાં આવતી તમામ પ્રોડક્ટ્‌સ ૨૫% ટેરિફ લાદવાનો હશે.

આ ટેરિફ ત્યાં સુધી અમલમાં રહેશે જ્યાં સુધી ડ્રગ્સ, ખાસ કરીને ફેન્ટાનીલ અને તમામ ગેરકાયદેસર વિદેશીઓ આપણા દેશ પરના આ આક્રમણને રોકે નહીં. મેક્સિકો અને કેનેડા બંને પાસે આ લાંબી અને ઉકળતી સમસ્યાનો સરળતાથી હલ કરવાની તાકાત છે. અમે આ દ્વારા માંગણી કરીએ છીએ કે તેઓ આ તાકાતનો ઉપયોગ કરે, અને જ્યાં સુધી તેઓ આવું નહીં કરે ત્યાં સુધી તેમને ભારે કિંમત ચુકવવી પડશે.અમેરિકામાં ડ્રગ્સના સપ્લાયને રોકવામાં નિષ્ફળ રહેવાનો ચીન પર આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં મોટાપાયે મોકલવામાં આવતા ડ્રગ્સ અને ખાસ કરીને ફેન્ટાનાઇલ અંગે મે ચીન સાથે ઘણી વાટાઘાટો કરી છે, પરંતુ કોઈ ફાયદો થયો નથી.

ચીનના પ્રતિનિધિઓએ મને કહ્યું હતું કે તેઓ ડ્રગ સપ્લાય કરતાં ડ્રગ ડીલરોને મૃત્યુદંડની સજાની જોગવાઈ કરશે, પરંતુ કમનસીબે તેઓએ ક્યારેય તેનું પાલન કર્યું નથી અને મોટાભાગે મેક્સિકો દ્વારા આપણા દેશમાં અગાઉ ક્યારે જોવા ન મળ્યું તેટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઘુસેડવામાં આવે છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ બંધ નહીં થાય ત્યાં સુધી અમે ચીની પ્રોડક્ટ્‌સ પર વધારાની ૧૦ ટકા ટેરિફ વસૂલ કરીશું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.