Western Times News

Gujarati News

બેકાબૂ હવાઇ યાત્રીઓ માટે ગાઇડલાઇન ઘડોઃ સુપ્રીમની તાકીદ

Files Photo

સરકાર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ અને કોઇ નવા પગલાં સાથે નિયમો ઘડે

નવેમ્બર, ૨૦૨૨માં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશાની હાલતમાં એક યાત્રીએ કથિત રીતે એક મહિલા પર પેશાબ કર્યાે હતો

નવી દિલ્હી,
ઉપદ્વવી હવાઈ મુસાફરોને નિયંત્રિત કરવા માટે વધુ વ્યાપક માર્ગદર્શિકા ઘડવાનો કેન્દ્ર સરકાર અને ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા DGCAને આદેશ આપતા સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે કંઈક સર્જનાત્મક કરવું પડશે. એર ઇન્ડિયાની ફ્લાઇટ્‌સમાં ૨૦૨૨માં મહિલા સહયાત્રી પર પેશાબ કરવાના મામલાની સુનાવણી કરતા સર્વાેચ્ચ અદાલતે આ આદેશ આપ્યો હતો. નવેમ્બર, ૨૦૨૨માં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશાની હાલતમાં એક યાત્રીએ કથિત રીતે એક મહિલા પર પેશાબ કર્યાે હતો.

આ પછી ૭૩ વર્ષીય વૃદ્ધાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માગણી કરી હતી કે આવી ઘટનાનો સામનો કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર(SOP) ઘડવા માટે કેન્દ્ર સરકાર, ડીજીસીએ અને તમામ એરલાઇન્સને આદેશ આપવામા આવે. આ મહિલાની અરજીની સુનાવણી કરતાં જસ્ટિસ બી આર ગવઈ અને કે વી વિશ્વનાથનની બનેલી ખંડપીઠે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ હાલની ગાઇડલાઇનની ચકાસણી કરવા અને તેમાં યોગ્ય સુધારો કરવાની કેન્દ્રને તાકીદ કરી હતી. ન્યાયાધીશે ટિપ્પણી કરી કે કંઇક સર્જનાત્મક કરવાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટે મે, ૨૦૨૩માં મહિલાની અરજી પર કેન્દ્ર, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને એર ઈન્ડિયા સહિત તમામ એરલાઈન્સને નોટિસ જારી કરી હતી.કેન્દ્ર વતી સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ માહિતી હતી કે એક એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી અને બેકાબૂ મુસાફરોને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકા અને પરિપત્રો જારી કરાયા છે. માર્ચ, ૨૦૨૩માં દાખલ કરેલી પીઆઈએલમાં મહિલાએ જણાવ્યું હતું કે તેને સર્વાેચ્ચ અદાલતમાં અરજી કરવાની ફરજ પડી છે, કારણ કે એર ઈન્ડિયા અને ડીજીસીએ અપ્રિય અનુભવ પછી તેની સાથે સંભાળ અને જવાબદારી સાથે વ્યવહાર કરવામાં નિષ્ફળ ગયા હતાં.

આ કેસની સુનાવણી કરતાં જસ્ટિસ વિશ્વનાથને જસ્ટિસ સૂર્યકાન્ત સાથે મુસાફરી કરતી વખતે પોતાના આવા કડવા અનુભવનું વર્ણન કર્યું હતું. જસ્ટિસ વિશ્વનાથને જણાવ્યું હતું કે અમને તાજેતરમાં આવો અનુભવ થયો હતો. બે મુસાફરો સંપૂર્ણપણે નશામાં હતાં. એક વોશરૂમમાં ગયો અને ત્યાં જ સૂઈ ગયો. અન્ય જે બહાર હતો તેની પાસે ઉલ્ટી કરવા માટે બેગ હતી. ક્રૂ માં તમામ મહિલાઓ હતી અને લગભગ ૩૦થી ૩૫ મિનિટ સુધી કોઈ દરવાજો ખોલી શક્યું ન હતું. આ પછી ક્રૂ એ મારા સહ-મુસાફરને દરવાજો ખોલવા અને તેને બહાર કાઢીને તેની સીટ પર લઈ જવાની વિનંતી કરી હતી. તે ૨.૪૦ કલાક લાંબી ફ્લાઇટ હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.