‘નેશન ફર્સ્ટ’ની ભાવના બંધારણને સદીઓ સુધી જીવંત રાખશેઃ PM
બંધારણની ૭૫મી વર્ષગાંઠે રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદના સંયુક્ત સત્રને સંબોધ્યા
મોદીએ જણાવ્યું હતું કે ભારત પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે બંધારણ માર્ગદર્શક પ્રકાશ તરીકે કામ કરી રહ્યું છે
નવી દિલ્હી,
બંધારણની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘નેશન ફર્સ્ટ’ની ભાવના આવનારી સદીઓ સુધી ભારતીય બંધારણને જીવંત રાખશે. સમગ્ર દેશમાં બંધારણના સ્વીકારની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ હતી અને લોકોની અસરકારક સેવા કરવા માટે રચનાત્મક સંવાદની હાકલ કરવામાં આવી હતી.મોદીએ જણાવ્યું હતું કે ભારત પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે બંધારણ માર્ગદર્શક પ્રકાશ તરીકે કામ કરી રહ્યું છે.દેશનું બંધારણ માત્ર કાયદાનું પુસ્તક નથી, પરંતુ તે પવિત્ર પુસ્તક, જીવંત, સતત વહેતા પ્રવાહ, પ્રગતિશીલ દસ્તાવેજ, માસ્ટરપીસ અને આપણી માતા છે.
૨૬ નવેમ્બર, ૧૯૪૯એ બંધારણ સભાને સમાપન સંબોધનમાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના શબ્દોને યાદ કરતા મોદીએ જણાવ્યું હતું કે ભારતને એવો પ્રામાણિક લોકોના જૂથથી વધુ કંઈપણની જરૂર નથી જેઓ દેશના હિતોને પોતાના હિતોથી ઉપર રાખે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદમાં ‘સંવિધાન દિવસ’ નિમિત્તે સંસદસભ્યોની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું હતું અને બંધારણ અપનાવવાની ૭૫મી વર્ષગાંઠની એક વર્ષ લાંબી ઉજવણીની શુભારંભ કરાવ્યો હતો.રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું હતું કે બંધારણની ભાવના અનુસાર સામાન્ય લોકોના જીવનને વધુ સારું બનાવવા માટે એકજૂથ થઈને કામ કરવાની જવાબદારી કાર્યપાલિકા, વિધાનસભા અને ન્યાયતંત્રની છે.
આ પ્રસંગે કેટલાક મુખ્યમંત્રીઓએ પોતપોતાના રાજ્યની રાજધાનીઓમાં પદયાત્રાઓ પણ કાઢી હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને બંધારણ સભા દ્વારા નિર્ધારિત રચનાત્મક અને ગૌરવપૂર્ણ ચર્ચાઓની પરંપરાને અનુસરવા સાંસદોને અનુરોધ કર્યાે હતો. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસના ‘સંવિધાન રક્ષક અભિયાન’ને સંબોધિત કરતા વિપક્ષના નેતાએ હાથમાં બંધારણની કોપી દર્શાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતાં જણાવ્યું હતું કે તે તેમની ગેરંટી છે કે મોદીએ બંધારણ વાંચ્યું નથી.
જો પીએમ મોદીએ આ પુસ્તક વાંચ્યું હોત તો તેઓ રોજ જે કરે છે તે ન કરતા હોત. દેશની સમગ્ર વ્યવસ્થા દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગના લોકોની વિરુદ્ધમાં છે. દલિતો, આદિવાસીઓ અને ઓબીસીના માર્ગમાં એક દિવાલ ઊભી કરાઈ છે અને તેને મોદી અને આરએસએસ સિમેન્ટ નાંખીને મજબૂત બનાવી રહ્યાં છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપ કર્યાે હતો કે ભાજપ બંધારણીય અખંડિતતા કે સંઘિય માળખામાં વિશ્વાસ ધરાવતો નથી તથા બીઆર આંબેડકર અને બંધારણ સભાના અન્ય સભ્યોએ બંધારણ દ્વારા જે કર્યું તે તમામને દૂર કરી રહ્યાં છે.ss1