દારૂ પીવાના કેસમાં ઝડપાયેલા યુવકનું મેડિકલ ચેકઅપ કરવા સિવિલ લઇ જતા મોત નિપજ્યું
દારૂ પીવાના કેસમાં ઝડપાયેલા ગોમતીપુર પોલીસ મથક વિસ્તારમાં ડ્રાઇવ દરમિયાન પોલીસે પીધેલી હાલતમાં ૮ લોકોને ઝડપી લીધા હતા
અમદાવાદ,ગોમતીપુર પોલીસ મથક વિસ્તારમાં ડ્રાઇવ દરમિયાન પોલીસે પીધેલી હાલતમાં ૮ લોકોને ઝડપી લીધા હતા અને વહેલી પરોઢે ઝડપેલા તમામને મેડિકલ કરાવવા માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એક યુવક સીડીમાં જ ઢળી પડ્યો હતો. તબીબ પાસે લઇ જઇ તપાસ કરાવતા તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.
પીએમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. મૃતકના પરિવારજનોએ કસ્ટોડિયલ ડેથનો આક્ષેપ કર્યાે છે. ગુનાખોરી ડામવા માટે શહેરમાં પોલીસ કોમ્બિંગ નાઇટ અને ડ્રાઇવ યોજી રહી છે. ગઇકાલે ગોમતીપુર પોલીસે ડ્રાઇવ દરમિયાન ૮ યુવકને ઝડપી લીધા હતા. તેમની સામે ફરિયાદ નોંધી રાત્રે લોકઅપમાં મૂકી દીધા હતા. બાદમાં વહેલી સવારે તમામ આરોપીઓને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ગાડીમાંથી ઉતરતા જ દર્શન ચૌહાણ નામનો યુવક ઢળી પડ્યો હતો.
તાત્કાલીક તેને તબીબ પાસે લઇ જવામાં આવ્યો હતા. તબીબે તેને મૃત જાહેર કર્યાે હતો. મૃતકના પરિવારને જાણ થતા તેઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. કોઇ અનિચ્છનીય કાર્યવાહી ન થાય તે માટે પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. એચ ડિવિઝનના એસીપીએ પત્રકારોને જણાવ્યું હતું કે, મૃતક સહિત આઠ લોકોને દારૂ પીધેલાના કેસમાં પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓને લોકઅપમાં મૂક્યા હતા. વહેલી સવારે તમામને એક ગાડીમાં મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લવાયા હતા.
સિવિલ હોસ્પિટલમાં આવ્યા બાદ દર્શન ઢળી પડ્યો હતો. તાત્કાલીક તેને સ્ટ્રેચરમાં તબીબ પાસે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત ઘોષિત કરાયો હતો. મૃતકના માતા જશોદાબહેને આક્ષેપ કર્યાે છે કે, રાત્રે ૧૧ વાગ્યે દીકરાએ ફોન કર્યાે હતો કે, મને પોલીસે પકડ્યો છે. જેથી આસપાસના છોકરાને ભેગા કર્યા હતા. તેમણે ચિંતા ન કરવા કહ્યું હતું. પોલીસે માર્યાે હોય તો શું? મૃતકની બહેને જણાવ્યું હતું કે, બીજા ભાઇઓએ કહ્યું હતું કે, દર્શન પોતાનું વાહન ચલાવી પોલીસ સ્ટેશન ગયો છે. તો ત્યાં એવું શું થયું કે પોલીસે તાત્કાલીક તેને સિવિલ લાવવો પડ્યો. કંઇ તો બનાવ બન્યો હશે ને…પોલીસ અલગ અલગ નિવેદન આપી રહી છે. ss1