એન્જલ વન AMCએ મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસની શરૂઆત માટે સેબી લાઇસન્સ મેળવ્યું
⮚ પારદર્શક અને કાર્યક્ષમ પેસિવ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સથી રોકાણકારોને સશક્ત કરવાનો ઉદ્દેશ્ય
મુંબઇ, 26 નવેમ્બર, 2024: અગ્રણી ફિનટેક કંપની એન્જલ વન લિમિટેડની સંપૂર્ણ માલીકીની પેટા કંપની એન્જલ વન એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસેથી એન્જલ વન મ્યુચ્યુઅલ ફંડ માટે એસેટ મેનેજમેન્ટ કંપની તરીકે કામ કરવાની મંજૂરી મેળવી છે. આ સીમાચિહ્ન સાથે એન્જલ વને વિશેષ કરીને પેસિવ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે.
એન્જલ વન મ્યુચ્યુઅલ ફંડની પેસિવ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ (જેમકે ઇન્ડેક્સ ફંડ્સ અને ઇટીએફ) ક્લાયન્ટ્સને સંપત્તિ સર્જન માટે નીચો-ખર્ચ, પારદર્શક અને સુવિધાજનક રીત ઓફર કરવા માટે ડિઝાઇન કરાઇ છે. પેસિવ ઇન્વેસ્ટમેન્ટનું આકર્ષણ સતત વધી રહ્યું છે ત્યારે એન્જલ વન મ્યુચ્યુઅલ ફંડની આ અભિગમ પ્રત્યેની કટીબદ્ધતા પોર્ટફોલિયોમાં સરળતા અને ખર્ચ-કાર્યક્ષમતા ઇચ્છતા ક્લાયન્ટ્સની વધતી માગને પૂર્ણ કરશે.
એન્જલ વન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ઠક્કરે કહ્યું હતું કે, “અમે અમારો મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માટે સેબીની મંજૂરી મેળવતા ઉત્સાહિત છીએ, જે અમારી સફરમાં ખૂબજ મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ લાઇસન્સથી અમે અમારી ઓફરિંગ વધારવા અને અમારા ગ્રાહકોને ઉત્તમ સેવાઓ પ્રદાન કરવા માટે સક્ષમ બન્યાં છીએ.
એક મજબૂત ટેક્નીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાયન્ટની જરૂરિયાતોની ઊંડાણપૂર્વકની સમજણ દ્વારા અમે ભારતમાં પેસિવ ઇન્વેસ્ટિંગમાં પરિવર્તન લાવવા માટે સજ્જ છીએ. ઇટીએફ અને ઇન્ડેક્સ ફંડ પ્રોડક્ટ્સ દ્વારા પેસિવ ઇન્વેસ્ટમેન્ટ ઉપર અમારું ધ્યાન ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ દરેક માટે વધુ સુવિધાજનક, વાજબી અને પારદર્શક બનાવવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે. અમારું માનવું છે કે તેનાથી રોકાણકારોની નવી પેઢી સશક્ત બનશે તથા તેઓ ભારતની વિકાસગાથામાં સહભાગી બનવા સક્ષમ બનશે. અમે ભાવિ તકો વિશે ઉત્સાહિત છીએ અને અમારા ગ્રાહકોને તેમના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરવા ઉત્સુક છીએ.”
એન્જલ વન એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઇઓ હેમેન ભાટિયાએ કહ્યું હતું કે, “મ્યુચ્યુઅલ ફંડ લાઇસન્સ ગ્રૂપ માટે નવા રસપ્રદ પ્રકરણનું પ્રતીક છે. ભારતમાં એસેટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી ઝડપી વૃદ્ધિ સાધી રહી છે ત્યારે પેસિવ ઇન્વેસ્ટિંગ, ઇટીએફ અને ઇન્ડેક્સ ફંડ્સને રિટેઇલ અને સંસ્થાકીય રોકાણકારો બંન્ને દ્વારા ઝડપથી અપનાવવામાં આવી રહ્યાં છે.
પેસિવ પ્રોડક્ટ્સમાં ઊંડા ડોમન અનુભવ સાથે એન્જલ વન એએમસી દરેક ભારતીય માટે લાંબાગાળાનું રોકાણ વધુ સુવિધાજનક બનાવવા માટે સજ્જ છે. અમારા ઇટીએફ અને ઇન્ડેક્સ ફંડ્સ દ્વારા અમે દેશભરમાં રિટેઇલ રોકાણકારોને યુઝર-ફ્રેન્ડલી, સમજવામાં સરળ સંપત્તિ સર્જન પ્રોડક્ટ્સ ઓફર કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. મને વિશ્વાસ છે કે એન્જલ વન એએમસી ગ્રૂપના નોર્થ સ્ટાર – એમ્પાવરિંગ અ બિલિયન લાઇવ્સને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.”
એન્જલ વન એએમસીનું ધ્યાન ઇટીએફ અને ઇન્ડેક્સ ફંડ પ્રોડક્ટ્સના વિશાળ સ્યુટ વિકસાવવા પર રહેશે, જે ગ્રાહકોને તેમની રોકાણ પસંદગીઓ અને જોખમ પ્રોફાઇલ સાથે અનુરૂપ વૈવિધ્યસભર રોકાણ વિકલ્પો પ્રદાન કરવા માટે રચાયેલ છે.
એન્જલ વન એએમસી વર્તમાન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેના પેરેન્ટ અને બીજા પાર્ટનર્સના વિશાળ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનો લાભ લેવાની યોજના ધરાવે છે, જેથી આ રોકાણ પ્રોડક્ટ્સની સરળ એક્સેસ સુનિશ્ચિત કરી શકાય.