Western Times News

Gujarati News

બસના પતરા કાપીને ૪૦ મુસાફરોને બહાર કાઢવા પડ્યાઃ 1નું મોત

સુરતના કોસંબા નજીક લકઝરી બસ ખાડીમાં ખાબકીઃ એકનું મોત, ર૦થી વધુ લોકોને ઈજા

સુરત, સુરતના કોસંબા નજીક નેશનલ હાઈ-વે ૪૮ પર બુધવારે વહેલી સવારે પઃ૦૦ વાગ્યે મુસાફરો ભરેલી એક ખાનગી લકઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ એકાએક રોડથી નીચે ધસી જતાં તમામ મુસાફરો ઉંઘમાં જ દબાઈ ગયા હતા.

લોકોની બૂમાબૂમ સાંભળીને રસ્તે જતા અન્ય વાહનચાલકને રસ્તે જતા અન્ય વાહનચાલકોએ પોતાનું વાહન રોકી ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી થઈ હતી.

આ અકસ્માતમાં બસની કેબિનના ભાગનું તો રીતસર પડીકું જ વળી ગયું હતું અને તેમાં ફસાયેલા બેથી ત્રણ લોકો પીડાથી કસણી રહ્યા હતા. બસમાં પણ કેટલાક લોકો ફસાયેલા હોવાથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બસના પતરા કાપીને અને તેને પહોળા કરીને ૪૦ મુસાફરોનું રેસ્કયુ કરી તમામને બહાર કાઢયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ભયાનક અકસ્માતમાં એક યુવક અને એક મહિનાની હાલત ગંભીર હતી. જેમાંથી યુવક સંદીપ રામદાસ બાવિસ્કર (ઉ.વ.૪પ)નું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હાલમાં ર૦થી વધુ મુસાફરો સ્મીમેર હોસ્પિટલમાં જ્યારે સાત જેટલા લોકો સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. બસના ડ્રાઈવરને ઝોકું આવી જતાં બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા સેવાઈ રહી છે.

અકસ્માતની ઘટના સૌપ્રથમ નજરે જોનારા પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, અમે વહેલી સવારે સુરત જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થયો હોવાનું નજરે ચઢતાં અકસ્માત થયો હોવાનું નજરે ચઢતા જ મેં મારી ગાડી ઊભી રાખી દીધી હતી.

બસ નજીક આવીને જોયું તો લોકો અંદર ફસાયેલા હતા. તેમને કાચ તોડી બહાર કાઢવાની કોશિશ કરી હતી. પરંતુ ફસાયેલા લોકોની હાલત ખૂબ જ ગંભીર હતી. કોઈ મુસાફરના હાથ-પગ તૂટી ગયા હતા તો કોઈનું માથું ફૂટી ગયું હતું. આ બધુ જોતા જ ૧૦૮ અને ૧૦૩૩ નંબર પર કોલ કરી જાણ કરી હતી. થોડીવારમાં જ ૧રથી ૧પ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ આવી ગઈ હતી.

ફાયરબ્રિગેડના જણાવ્યા પ્રમાણે આજે વહેલી સવારે આ દુર્ઘટના બની હતી. સવારે પઃ૧૦ કલાકે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે ૪૦ માણસોથી ભરેલી એક ખાનગી લકઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં પડી ગઈ છે જેથી સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મુસાફરોનું રેસ્કયુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.