હિન્દુ ધર્મગુરુની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ વધુ ખરાબ થઈ
બાંગ્લાદેશમાં હિંદુઓ પર ખુલ્લેઆમ થઈ રહેલા હુમલાથી વ્યાપક રોષ
(એજન્સી)નવી દિલ્હી, બાંગ્લાદેશ અત્યારે સાંપ્રદાયિક આગમાં સળગી રહ્યું છે. હિન્દુ ધર્મગુરુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએણ પવન કલ્યાણે ત્યાંના હિન્દુઓ અને લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓ પર પ્રતિક્રિયા આપી છે.
બાંગ્લાદેશમાં હિન્દુ ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસની ૨૫ નવેમ્બરે દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે મંગળવારે તેમને જામીન ન આપતા તેમને જેલમાં મોકલ્યા હતા. આ પછી ચિન્મય દાસના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસક દેખાવો શરૂ કર્યા હતા.
આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએણ પવન કલ્યાણે બાંગ્લાદેશ પોલીસ દ્વારા હિન્દુ ધાર્મિક નેતા અને ઈસ્કોનના મુખ્ય પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, ચાલો આપણે સાથે મળીને ચિન્મય પ્રભુની ધરપકડની નિંદા કરીએ. અમે મોહમ્મદ યુનુસની બાંગ્લાદેશ સરકારને હિન્દુઓ પર અત્યાચાર બંધ કરવા વિનંતી કરીએ છીએ.
તેમણે કહ્યું કે, બાંગ્લાદેશના નિર્માણ માટે આપણા સૈનિકોએ પોતાનું લોહી વહાવ્યું છે, આપણા સંસાધનો ખર્ચ્યા છે, આપણા સૈનિકો શહીદ થયા છે. અમારા હિન્દુ ભાઈ-બહેનોને જે રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેનાથી અમે વ્યથિત છીએ. અમે સંયુક્ત રાષ્ટ્રને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરીએ છીએ.
ભારતના વિદેશ મંત્રાલયએ મંગળવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, અમે બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને તેમને જામીન ન આપવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ. બાંગ્લાદેશમાં ઉગ્રવાદી તત્વો દ્વારા હિન્દુઓ અને અન્ય લઘુમતીઓને સતત નિશાન બનાવવાની વચ્ચે આ મામલો બહાર આવ્યો છે. લઘુમતી ઘરો અને વ્યાપારી સંસ્થાઓને આગચંપી અને લૂંટફાટ તેમજ હિન્દુ મંદિરોની ચોરી-તોડફોડ અને અપવિત્ર કરવાના અનેક કિસ્સાઓ નોંધાયા છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે હિન્દુ અલ્પસંખ્યકોને નિશાન બનાવનારા ગુનેગારોને બદલે શાંતિપૂર્ણ બેઠકો દ્વારા કાયદેસરની માગણી કરનારા હિન્દુ પૂજારી વિરુદ્ધ રાજદ્રોહના આરોપો દાખલ કરવામાં આવી રહ્યા છે. ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના વિરોધમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા હિન્દુ લઘુમતીઓ પરના હુમલાઓ અંગે પણ અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ.
અમે બાંગ્લાદેશના સત્તાવાળાઓને વિનંતી કરીએ છીએ કે, તેઓ હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે, જેમાં શાંતિપૂર્ણ સભા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો સમાવેશ થાય છે. મહત્ત્વપૂર્ણ છે કે, બાંગ્લાદેશની લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ ૨૫ નવેમ્બરના રોજ રાજદ્રોહના આરોપમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરી હતી. બાંગ્લાદેશની કોર્ટે મંગળવારે તેમને જામીન આપ્યા ન હતા અને તેને જેલમાં મોકલી દીધો હતો.
આ પછી ચિન્મય દાસના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસક દેખાવો શરૂ કર્યા. સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણ દરમિયાન પત્રકારો સહિત ઓછામાં ઓછા ૧૦ લોકો ઘાયલ થયા હતા.