Western Times News

Gujarati News

અમદાવાદની એજન્સીએ ભરૂચમાં ઘન કચરાને દૂર કરવાને બદલે જમીનમાં દફનાવવાનું કારસ્તાન કર્યુ

બાયો માઈનીંગ પધ્ધતિથી ઘન કચરો દૂર કરવાને બદલે એજન્સીએ જમીનમા દફનાવતા ચકચાર

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગર પાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી ઘન કચરાનો બાયો માઇનિંગ પધ્ધતિથી નિકાલ કરવા માટે અમદાવાદની એક એજન્સીને કામ આપાવામાં આવ્યું હતું.પરંતુ એજન્સીએ માત્ર ૧૦ ટકા જેટલું જ કામ કરીને ઘન કચરાને

કાંકરિયા પુરસા રોડ ઉપર સરકારી પડતર જમીનમા ખાડો ખોદીને દફનાવી દેતાં પર્યાવરણ પ્રેમીઓમાં એજન્સીની કાર્ય પધ્ધતિ સામે રોષ જોવા મળ્યો હતો.આ બાબતે આમોદ પાલિકાનાં અપક્ષ નગરસેવકોએ પ્રાદેશિક નિયામકને પણ લેખીત ફરિયાદ કરતા પાલીકા તંત્ર કામે લાગ્યું હતું અને જમીનમા દફનાવેલા ઘન કચરાને બહાર કાઢી તપાસ હાથધરી હતી.

અમદાવાદની એજન્સીએ બાયો માઈનીંગ પધ્ધતિથી ઘન કચરાનો નિકાલ કરવા માટે અંદાજીત ૩૦ લાખનુ ટેન્ડર ભર્યુ હતું. જે કામ તેણે એક વર્ષમાં પૂર્ણ કરવાનું હતું.પરંતુ એજન્સીઓ માત્ર ૧૦ ટકા જ કામગીરી કરી રોડની બાજુમાં આવેલી સરકારી પડતર જમીનમા ઘન કચરાનો રાતના અંધકારમાં નિકાલ કર્યા વગર દાટી દેવામાં આવ્યો હતો.

જે બાબતે આમોદ નગરપાલિકાનાં અપક્ષ સદસ્યોએ પ્રાદેશિક નિયામક સુરતને લેખિત ફરિયાદ કરતા આમોદ પાલિકાનાં મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલીકા પ્રમુખ તથા ઇજનેરની હાજરીમાં જેસીબીની મદદથી જમીનમાં દાટેલો ઘન કચરો બહાર કાઢ્યો હતો.

ઘન કચરાના નિકાલ અંગે આમોદ નગરપાલિકાનાં કેટલાંક પદાધિકારીઓએ એજન્સી પાસેથી છ થી સાત લાખની કટકી કરી ઘન કચરાને વૈજ્ઞાનિક પધ્ધતિથી નિકાલ કરવાને બદલે જમીનમા દફનાવી બારોબાર બિલ ચૂકવી આપવાનો કારસો ઘડવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.ત્યારે આમોદ નગરપાલિકા અમદાવાદની એજન્સી સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવુ રહ્યું.

પાલિકાનાં અપક્ષ સદસ્યોએ ઘન કચરાને જમીનમા દાટી દેવામાં એજન્સીના સમગ્ર કારસ્તાન સામે જીપીસીબી તેમજ સીપીસીબી અને એનજીટીમાં ફરિયાદ કરવાની ચીમકી આપી એજન્સીનું બિલ અટકાવવા પ્રાદેશિક નિયામકને ફરિયાદ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.