પાક.ના પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટીએ ઈસ્લામાબાદમાં વિરોધ સ્થગિત કર્યાે
૪ લોકોનાં મોત નિપજ્યાં
સરકારની નિર્દયતા અને રાજધાનીને કતલખાનામાં ફેરવવાની સરકારની યોજનાને ધ્યાનમાં રાખી વિરોધ સ્થગિત કરવાનો PTIનો નિર્ણય
ઈસ્લામાબાદ,જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ PTI એ બુધવારે ઔપચારિક રીતે પોતાનો વિરોધ હાલ પૂરતો સ્થગિત કર્યાે છે. પાર્ટીએ આ માટે સત્તાવાળાઓ દ્વારા મધ્યરાત્રિ કરેલી કાર્યવાહીને જવાબદાર ગણાવી છે, જેના કારણે ઓછામાં ઓછા ચાર લોકો મૃત્યુ પામ્યા અને ૫૦થી વધુ ઘાયલ થયા.PTIએ અગાઉ દાવો કર્યાે હતો કે, સુરક્ષા કર્મચારીઓ સાથેની હિંસક અથડામણમાં ‘સેંકડો’ લોકો માર્યા ગયા છે.
ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી અને ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુર (જેઓ ઈસ્લામાબાદ તરફ કૂચનું નેતૃત્વ કરી રહ્યા હતા)ના ઠેકાણા અંગે પાર્ટીએ કહ્યું કે, તેઓ ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં એબોટાબાદ નજીક માનસેરા શહેરમાં છે. બીજી તરફ ત્રણ દિવસના વિરોધ પ્રદર્શન દરમિયાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ PTI પાર્ટી દ્વારા તોડફોડ કરવામાં આવી હોય તેવા તમામ મુખ્ય માર્ગાેને સત્તાવાળાઓએ ફરીથી સાફ કરીને ખોલવાનું શરૂ કર્યું છે.
મધ્યરાત્રિએ સેનાની કાર્યવાહીને કારણે ખાનના સમર્થકોએ રાજધાનીના ડી-ચોક અને તેની આસપાસના વિસ્તારને ખાલી કરવો પડ્યો હતો. જેના કારણે તેમના વિરોધનો અંત આવ્યો. પાર્ટીએ આને “ફાસીવાદી લશ્કરી શાસન હેઠળ” “નરસંહાર” તરીકે ગણાવ્યું છે. જ્યારે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, કાર્યવાહીમાં લગભગ ૪૫૦ વિરોધીઓની ધરપકડ કરવામાં આવી છે.ઈમરાન ખાનની પાર્ટી PTIએ તેના ઓફિશિયલ ટિ્વટર એકાઉન્ટ પર શેર કરેલી
પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘સરકારની નિર્દયતા અને રાજધાનીને કતલખાનામાં ફેરવવાની સરકારની યોજનાને ધ્યાનમાં રાખીને અમે હાલ શાંતિપૂર્ણ વિરોધને સ્થગિત કરવાની જાહેરાત કરીએ છીએ.’ પાર્ટીના નિવેદનમાં ઓપરેશનના નામે શાંતિપૂર્ણ દેખાવકારો વિરુદ્ધ કથિત હત્યા, આતંક અને નિર્દયતાની પણ નિંદા કરવામાં આવી છે. પાર્ટીની રાજકીય અને કોર કમિટીઓ ‘નિર્દયતાનું વિશ્લેષણ’ કર્યા પછી ઈમરાન ખાનની સૂચનાઓના આધારે ભાવિ યોજનાઓની જાહેરાત કરશે.ss1