મણિનગર, નવરંગપુરા સહિતના વિસ્તારમાં પાણીની સમસ્યા હળવી કરવા આયોજન
ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં લઈ નવા વો.ડી. સ્ટેશન બનાવવામાં આવશે ઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં સતત નવા ડેવલોપમેન્ટ થઈ રહયા છે જેના કારણે પાણીની ડીમાન્ડમાં પણ વધારો થયો છે. હાલમાં ઉપલબ્ધ વો.ડી. સ્ટેશનોના કમાન્ડ એરીયાના નેટવર્ક આ ડીમાન્ડને પહોંચી વળવા માટે અપુરતા સાબિત થઈ રહયા છે
તેથી કેટલાક વિસ્તારોમાં નવી ટાંકી બનાવવા અથવા હયાત વો.ડી. સ્ટેશનની ક્ષમતામાં વધારો કરવા માટે કામ ચાલી રહયા છે જે અંતર્ગત સાબરમતી, ચાંદલોડિયા, મણીનગર અને નવરંગપુરા વિસ્તારમાં નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ નેટવર્ક તથા નવા વો.ડી સ્ટેશન બનાવવાના કામને મંજુરી આપવામાં આવી છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ દક્ષિણ ઝોનનાં મણિનગર વોર્ડમાં મીરા પ્રગતિ હયાત વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન છે. જેમાં હાલમાં ૧૪.૦૭ મીલીયન લીટર ક્ષમતાની ભૂગર્ભટાંકી સાથેનું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન કાર્યરત છે. જેના દ્વારા પાણી સપ્લાય કરવામાં આવે છે. હાલમાં આ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કમાન્ડ વિસ્તારમાં જુદી જુદી રીડેવલપમેન્ટ યોજના અંતર્ગત રહેઠાણની યોજનાઓ બનાવવામાં આવી છે.
તેમજ ખાલી પ્લોટોમાં પણ ખાનગી રહેઠાણની ઘણી યોજનાઓ તૈયાર થયેલ/થઈ રહેલ છે. જેમાં પાણી સપ્લાય કરવા માટે કોઈ વ્યવસ્યા હાલમાં નથી. આમ, મીરા પ્રગતિ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનનો વો.ડી. સ્ટેશનનો કમાન્ડ વિસ્તાર ખુબજ મોટો છે તથા આ કમાન્ડ વિસ્તારમાં થઇ રહેલ વર્ટીકલ ડેવલપમેન્ટને ધ્યાને લઇ
આ વિસ્તારને પુરતો પાણી પૂરવઠો પુરો પાડવા તથા ભવિષ્યમાં હયાત વો.ડી. સ્ટેશનના સંપને રીપેર કરી શકાય તે હેતુથી પાણીની જરૂરીયાતને પહોંચી વળવા મીરા પ્રગતિ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનની બાજુમાં આવેલ ટી.પી-૨૪ એફ.પી નં-૨/૧ના ખુલ્લા પ્લોટ તેમજ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કમ્પાઉન્ડની ખુલ્લી જગ્યામાં એક્ષટેન્શન કરી
ભૂગર્ભટાંકીની ક્ષમતા વધારવા મીરા પ્રગતિ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના વિસ્તૃતિકરણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં સદર વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું પંપીપ સ્ટેશન તથા સંગ્રહક્ષમતા પુરેપૂરી ક્ષમતાથી કાર્યરત હોવાથી સદર વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કમ્પાઉન્ડમાં નવી પમ્પહાઉસ સાથે ૯.૯૦ મીલીયન લીટર ક્ષમતાની ભુગર્ભ ટાંકી બનાવવાનું રૂ.૧૮.૮૮ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવ્યુ છે.. જેનાથી કમાન્ડ વિસ્તારમાં આગામી સમયમાં વધ થનાર આશરે ૫૦ હજાર જેટલી વસ્તીને પુરતાં પ્રમાણમાં પાણી પુરુ પાડી શકાશે.
પશ્ચિમ ઝોનનાં નવરંગપુરા વોર્ડમાં આવેલ મેમનગર વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં અગાઉ ફેઝ- ૧ માં પંપ હાઉસ સાથેની ભુગર્ભ ટાંકી રૂ.૮.૯૫ કરોડના ખર્ચે બનાવી કાર્યરત કરવામાં આવી છે તેમજ તબક્કાવાર ઓગમેન્ટેશનના ભાગરૂપે ફેઝ-૨ માં જુનુ જર્જરીત પંપ હાઉસ તથા ભુગર્ભ ટાંકી તોડી તેની જગ્યાએ રૂ.૫.૩૨ કરોડના ખર્ચે નવી ભુગર્ભ ટાંકી બનાવવામાં આવશે.
સદર કામગીરી પુર્ણ થયેથી સદર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની હયાત સંગ્રહ ક્ષમતા ૧૦૯ લાખ લિટરથી વધારી ૧૨૦ લાખ લિટર કરવામાં આવશે. જેનાથી આ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કમાન્ડ વિસ્તારમાં તથા તેની આસપાસના વિસ્તારમાં વધતા ડેવલોપમેન્ટને લીધે વધતી વસ્તીને પુરતા પ્રેસરથી પીવાનું શુદ્ધ પાણી પુરું પાડી શકાશે.
આ ઉપરાંત શહેરના સાબરમતી અને ચાંદલોડિયા વિસ્તારમાં પણ નાગરિકોની ડીમાન્ડને પહોંચી વળવા નવા વો.ડી. સ્ટેશન તૈયાર કરવામાં આવશે. ચાંદલોડિયામાં અંદાજે ૬પ હજાર જેટલી વસ્તીને પુરતા પ્રમાણ તથા પ્રેશરથી સરફેસ વોટર સપ્લાય થશે.