અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના બુકફેરનું આયોજન
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદમાં ગુજરાતનો સૌથી મોટો ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આગામી ૩૦ નવેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી યોજાશે.અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરૂદ મળ્યા બાદ હવે અમદાવાદ વિશ્વ બુક કેપિટલના ટેગ માટે પ્રયાસ હાથ ધર્યા છે.
નેશનલ બુક ટ્રસ્ટ દિલ્હી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે બુકફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે.
અમદાવાદમાં ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. ૩૦ ડિસેમ્બર શનિવારે સવારે ૯ વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ બુક ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવશે.
આ બુક ફેસ્ટિવલમાં ભારતના છત્તીસગઢ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, બિહાર, કર્ણાટક, મધ્યપ્રદેશ, હરિયાણા, તમિલનાડુ, ઝારખંડના વિવિધ ભાગોમાંથી ૧૪૭ પ્રદર્શકો (પ્રકાશકો, વિતરકો, પુસ્તક વિક્રેતાઓ)ના પુસ્તકો હશે. રસોઈ માટે પણ એક અલગ મંચ બનાવવામાં આવ્યો છે જેમાં રસોઈને લગતાં વિવિધ પુસ્તકો પણ જોવા મળશે. સવારે ૧૧ઃ૦૦ થી રાત્રે ૯ઃ૦૦ વાગ્યા સુધી આ બુક ફેર યોજાશે જેમાં મફત એન્ટ્રી મળશે.
સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર ૩,૨૫,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં થનારા આ બુક ફેસ્ટિવલમાં ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૨૪ દેશોની બાળકોને પ્રોત્સાહિત કરે એવી ૪૦ મિનિટથી લઈને એકથી બે કલાક સુધીની ફિલ્મો પણ બતાવવામાં આવશે.
૫ તબક્કામાં ૧૦૦થી વધુ સાહિત્યિક સત્રો સાથે પ્રજ્ઞા શિવર (ચિલ્ડ્રન્સ પેવેલિયન), શબ્દ સંસાર (લેખકોનો કોર્નર), જ્ઞાન ગંગા (સર્જનાત્મક કાર્યશાળાઓ માટે સાહિત્યિક મંચ), આંતરરાષ્ટ્રીય સાહિત્ય. સ્ટેજ, રસોઈ સાહિત્ય સ્ટેજ (રસોઇ ઔર કિતાબ), રંગમંચ (સાંસ્કૃતિક સ્ટેજ) અને અભિક્લાપ (ડિઝાઇન+) હશે.
સ્પેન, શ્રીલંકા, પોલેન્ડ, ડેનમાર્ક, સ્કોટલેન્ડ, સિંગાપોર, યુએઇના જાણીતા લેખકો પણ આ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવશે. ગુજરાતી લેખકોમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી, પદ્મશ્રી કુમાર પાલ દેસાઈ, પદ્મશ્રી જગદીશ ત્રિવેદી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, મોનિકા હાલન, રામ મોરી વગેરે હાજર રહેશે. ઇવી રામકિશન, સૌરભ બજાજ, વિલિયમ ડેલરીમ્પલ, ગિલર્મો રોડ્રિગ્વેઝ માર્ટીનિકા, ગ્યુલેર્મો કોડ્રિગ્વેઝ, મોનિકા કોર્પોરકોનો અને મેટ જોહાન્સન વગેરે જેવા લેખકો પણ આ ફેસ્ટિવલમાં ભાગ લેવાના છે.