Western Times News

Gujarati News

અમદાવાદમાંથી ડોલર છાપવાની મશીનરી સાથે 4 ઝડપાયા

અમદાવાદમાં બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરીનો પર્દાફાશ, ચાર ઝડપાયા

અમદાવાદ, ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટ બનાવવાના અનેક રેકેટ અમદાવાદમાં સામે આવ્યા છે ત્યારે પહેલી વખત ડુપ્લીકેટ વિદેશી ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ કર્યો છે. વટવાના પેલ્ટીનીયમ એસ્ટેટના શેડ નંબર ૬૫માં ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ ધરાવતા યુવકે તેના મિત્રો સાથે મળીને ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની કામગીરી શરૂ કરી હતી. બનાવટી નોટ માર્કેટમાં ફરતી થાય તે પહેલા એસઓજીએ તમામને ઝડપી લીધા છે.

અમદાવાદ એસઓજીએ બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર કુલ ૧૫૧ નોટ, બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર છાપેલ ૧૮ નંગ સીટ, અને ડોલર છાપવાની મશીનરી સાથે કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા છે. એસઓજીને બાતમી મળી હતી કે, રોનક રાઠોડ નામનો યુવક બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર લઈને માર્કેટમાં વટાવવાની ફિરાકમાં છે.

બાતમીના આધારે એસઓજીએ વોચ ગોઠવીને તેને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ ડોલર તેને ખુશ પટેલ નામના વ્યક્તિએ આપ્યા હતા. જેથી પોલીસે તેને પણ ઝડપી લીધો હતો અને બંનેની પૂછપરછ શરૂ કરી હતી.

ખુશ પટેલને મૌલિક પટેલના નામના વ્યક્તિએ આ બનાવટી ડોલર વટાવવા માટે આપ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે મૌલિકની શોધખોળ શરૂ કરી હતી.

એસઓજીએ વટવામાં આવેલ પેલ્ટીનીયમ એસ્ટેટ નંબર ૬૫માં દરોડા પાડ્‌યા હતા. જ્યાંથી પોલીસે આ આખા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ગોડાઉન પરથી બનાવટી ડોલરની સીટો, કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, પેન ડ્રાઈવ અને ડોલર છાપવા માટેનું મટીરીયલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ ઉપરાંત પોલીસે ડોલર છાપનાર ધ્રુવ દેસાઈ નામના આરોપીને પણ ઝડપી લીધો છે. આમ હાલમાં પોલીસે આ ચારેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.