સ્કૂલો વાર્ષિક અહેવાલ જ રજૂ કરતી ન હોવાની ફરિયાદઃ શિક્ષણ બોર્ડની નોટીસ
સ્કૂલોને વાર્ષિક મૂલ્યાંકનના અહેવાલને ઓનલાઈન ભરવાની શિક્ષણ બોર્ડે સૂચના
વાર્ષિક મૂલ્યાંકન અહેવાલ ૧પ ડિસેમ્બર સુધીમાં ભરવા શાળાઓને તાકીદ કરાઈ -આ સમગ્ર કાર્યવાહી ઓનલાઈન કરવા માટે શાળાઓને સૂચના
અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના વાર્ષિક મૂલ્યાંકનના અહેવાલને ઓનલાઈન ભરવાની શિક્ષણ બોર્ડે સૂચના આપી છે. પહેલાં સ્કૂલો ફિઝિકલી એટલે કે લેખિતમાં અહેવાલ બોર્ડને મોકલતી હતી.
હવે આ અહેવાલ સ્કૂલોએ અંગ્રેજી ભાષામાં ૧પ ડિસેમ્બર સુધીમાં બોર્ડને મોકલવાનો રહેશે. અનેક સ્કૂલો વાર્ષિક નિરીક્ષણ અહેવાલ જ રજૂ કરતી ન હોવાની વિગતો બહાર આવતા બોર્ડ દ્વારા સમયસર અહેવાલ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
ગત વર્ષથી બોર્ડ સ્કૂલો પાસે વાર્ષિક અહેવાલ ઓનલાઈન મંગાવી રહ્યું છે. પરંતુ આ વખતે બોર્ડે વાર્ષિક અહેવાલ ઓનલાઈન મંગાવ્યો છે. આ અહેવાલમાં સ્કૂલોમાં માળખાકીય સુવિધાઓ, શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓ-શિક્ષકોની સંખ્યા, વાર્ષિક કાર્યક્રમો સહિતની તમામ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાર્ષિક નિરીક્ષણ અહેવાલ તમામ સ્કૂલોએ તૈયાર કરવાનો હોય છે.
આ અહેવાલ તૈયાર થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ મોકલી આપવામાં આવે છે. આ અહેવાલ કચેરીને મળ્યા બાદ ઈન્સ્પેકશન કરવામાં આવે છે. શાળાના ઈન્સ્પેકશન દરમિયાન અનેક સ્કૂલોએ અહેવાલમાં દર્શાવેલી વિગતો વાસ્તવિકતામાં હોતી નથી.
અનેક સ્કૂલો વાર્ષિક અહેવાલ જ રજૂ કરતી ન હોવાની ફરિયાદના લીધે બોર્ડે પરિપત્ર જાહેર કરીને દરેક સ્કૂલોને અહેવાલ ઓનલાઈન જાહેર કરવા માટે તાકીદ કરી છે. વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ગુજરાત રાજ્યની નોંધાયેલી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ફરજિયાત ઓનલાઈન ભરવાનો રહેશે.
વાર્ષિક નિરીક્ષણ અહેવાલની સોફટ-હાર્ડ કોપી શાળા કક્ષાએ સાચવી રાખવાની રહેશે. ઉચ્ચતર બુનિયાદી શાળાઓએ ઉપજ સહિતના આવક અને ખર્ચના હિસાબના પુરાવા રજૂ કરવાના રહેશે. આ અહેવાલમાં શાળાના માન્ય વર્ગો અને વિદ્યાર્થીઓની વિગત શાળાના નકશાના આધારે દરેક ખંડ તથા મેદાનનું માપ, શૈક્ષણિક સાધનો, શાળાના ફર્નિચર, શાળાનો સમય, પ્રાર્થનાસભા, રિસેસનો સમય, આરોગ્ય વિષયક સગવડો, ગ્રંથલય, પ્રયોગશાળા, કલાશિક્ષણ, કમ્પ્યુટર અધ્યયનને લગતી માહિતી,
ગત વર્ષ દરમિયાન શિક્ષકોની તાલીમ અને સિદ્ધિ, વોકેશનલ વિષયો, વર્ગ શિક્ષણકાર્યની વિગત, શાળાએ રમત-ગમત ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ, બોર્ડ દ્વારા લેવામાં આવતી જાહેર પરીક્ષાઓ-કાર્યક્રમોમાં શાળાએ આપેલા સહકારની વિગતો નિદાન અને ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ, ગત વર્ષનું પરિણામ, વિદ્યાર્થી પ્રતિનિધિ સભા, વાલીમંડળ, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની વિગતો હોવી જરૂરી છે.