ખ્યાતિકાંડઃ મેડિકલ કાઉન્સિલની ઢીલી કામગીરીથી નારાજગી
જીએમસીની માત્ર નોટીસો, નકકર કાર્યવાહી નહીં
(એજન્સી)અમદાવાદ, ખ્યાતિ મલ્ટિસ્પેશીયાલીટી હોસ્પિટલમાં થયેલા કાંડને બે સપ્તાહ વીતી ચુકયા છે. આ સમગ્ર મામલે ગુજરાત મેડીકલ કાઉન્સીલની ભુમીકા ‘દાંત અને નહોર વિનાના વાઘ’ જેવી પુરવાર થઈ છે. દર્દીઓની ખોટી રીતે સર્જરી-મૃત્યુ જેવી ધૃણાસ્પદ ઘટના બની હોવા છતાં બે સપ્તાહથી ગુજરાત મેડીકલ કાઉન્સીલે ખ્યાતિ હોસ્પિટલને માત્ર નોટીસ ઉપર નોટીસ આપીને જ સંતોષ માન્યો છે.
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના ખોટા ઓપરેશનમાં સામેલ મેડીકલ-નોન મેડીકલ સ્ટાફમમાંથી પાંચની ગુજરાત મેડીકલ કાઉન્સીલ દ્વારા સૈપ્રથમ નોટીસ ૧૩ નવેમ્બરે ઘટના બની ત્યારે આપવામાં આવી હતી. બે સપ્તાહમાં ગુજરાત મેડીકલ કાઉન્સીલ દ્વારા જેટલી પણ નોટીસ આપવામાં આવી છે. તેનામાંથી એકના પણ જવાબ હજુ આપવામાં આવ્યો નથી.
આ કાંડમાં સામેલ કેટલાકને હાલ ઝડપી લેવામાં આવ્યા છે તો કેટલાક મોટા માથાં હજુ ભુગર્ભમાં છે. જેના કારણે તેઓ ગુજરાત મેડીકલ કાઉન્સીલ લેખીત-મૌખીક કોઈ પણ રીતે જવાબ આપવા ઉપસ્થિત રહે તેની સંભાવના ઓછી છે. સુત્રોના જણાવ્યા અનુસાર હજુ સુધી નોટીસનો જવાબ નહી મળતો ગુજરાત મેડીકલ કાઉન્સીલની આગામી સપ્તાહે બોર્ડ પેનલની મીટીગ યોજાશે.
અને તેમાં આ કાંડમાં સામેલ સામે શું-શું પગલા લઈ શકાય તેની વિચારણા થશે. પરંતે આ સમગ્ર મામલે ગુજરાત મેડીકલ કાઉન્સીલની ભુમીકા નિરાશાજનક રહી છે. તેમના અધિકારીઓના આ મુદે સંપર્ક કરવામાં આવે છે. તો તેઓ જાણે આ મુદે કોઈ વાત કરવા તૈયાર જ હોય નહી તેવું વલણ જણાય છે.
આ પ્રકારની મોટી ઘટનાઓમાં માત્ર નોટીસ આપીને ઢીલું વલણ જ દાખવનારા ગુજરાત મેડીકલ કાઉન્સીલ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા બે વર્ષમાં કેટલા ડોકટર કેટલી હોસ્પિટલ સામે પગલાં લેવામાં આવ્યા તેનો પણ કોઈ ડેટા કાઉન્સીલ દ્વારા તૈયાર નહી કરાતો હોવાની વિગતો સામે આવી છે.