Western Times News

Gujarati News

60 વર્ષની મહિલા દર્દીના પેટમાંથી 11 કિલોની ભારેખમ ગાંઠનું ઓપરેશન કરાયું

ગોધરાના નંદાપૂરા પાસે આવેલી આરોગ્યમ કેન્સર હોસ્પિટલ ખાતે આ પ્રકારનું જટિલ ઓપરેશન પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં સૌપ્રથમવાર કરવામાં આવ્યુ

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરાના નંદાપૂરા પાસે આવેલી આરોગ્યમ કેન્સર હોસ્પિટલ ખાતે ૬૦ વર્ષીય વૃદ્ધ મહિલાના પેટ માંથી અગિયાર કિલો વજન ધરાવતી અંડાશયની ગાંઠ નું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. એક તબક્કે જોખમી માનવામાં આવતાં આ ઓપરેશન માટે ડૉ. રક્ષિત શાહ દ્વારા મહિલાની તકલીફ નિહાળ્યા બાદ ઓપરેશન કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી

અને પેટના ભાગે આવેલા કોઈપણ અવયવોને સહેજપણ નુકશાન પહોંચાડ્‌યા વિના પેટ માંથી ગાંઠ આખી જ બહાર કાઢવામાં સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છેકે મહિલાને છેલ્લા કેટલાક સમયથી હરવા ફરવા અને જમવાની ખૂબ જ તકલીફ પડી રહી હતી જેમાંથી હવે મુક્તિ મળવા સાથે મહિલા આપમેળે જ હરતાં ફરતાં અને ખોરાક આરોગતાં થયા છે.

તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે મધ્ય ગુજરાતની સૌથી મોટી અને અત્યાધુનિક સગવડો ધરાવતી આરોગ્યમ કેન્સર હોસ્પિટલનો શુભારંભ કરાયો હતો.

દરમિયાન મુખ્યમંત્રીએ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની એક માત્ર અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી આ હોસ્પિટલ જરૂરીયાતમંદ સ્થાનિક દર્દીઓ માટે આશાનું કિરણ બનશે અને નજીકમાં જ યોગ્ય સારવાર મળી રહેશે  એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. દરમિયાન હોસ્પિટલના ચેરમેન રક્ષિત શાહે પણ મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોને ખાતરી આપી હતી અને જે હાલ પુરવાર થતી હોય એવું જોવા મળી રહ્યું છે.

પંચમહાલ જિલ્લાના શહેરા પંથકની એક સાઈઠ વર્ષીય મહિલાને પેટમાં અંડાશયની ગાંઠ થઈ હતી જેનું વજન એટલી હદે વધી ગયું હતું કે મહિલાને જમવા અને હરવા ફરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો.દિનપ્રતિદિન આ ગાંઠ મોટું સ્વરૂપ ધારણ કરવાની સંભાવનાઓ વચ્ચે દર્દીના સ્વજનોએ આરોગ્યમ હોસ્પિટલના ડૉ. રક્ષિત શાહને નિદાન માટે મળ્યા હતા

ત્યારે ડો.રક્ષિત શાહે મહિલાને પડતી તકલીફને જોઈ ઓપરેશન જોખમી હોવા છતાં કરવા માટેની તૈયારી દર્શાવી હતી અને અંદાજીત બે કલાક સુધીના સમયમાં ડો.રક્ષિત શાહ અને ટીમે મહિલાના પેટ માંથી એકપણ અવયવને નુકશાન થવા દીધા વિના ગાંઠને આખી જ બહાર કાઢવામાં સફળતા મેળવી છે.

આ અંગે ડો.રક્ષિત શાહે વાતચીતમાં જણાવ્યું હતું કે અંડાશયની આટલી મોટી ગાંઠ ને ઓપરેશન કરી આખી બહાર કાઢવા ખૂબ જ જોખમ રહેલું હોય છે

કેમ કે આંતરડા સહિતના અવયવો ગાંઠની નીચે દબાયેલા હોય છે જેથી ગાંઠને ઓપરેશન કરી રિમુવ કરતી વેળાએ ખૂબ જ કાળજી લેવી પડે છે કેટલાક સંજોગોમાં દર્દીનું મૃત્યુ થવા ની શક્યતાઓ પણ રહેલી હોય છે પરંતુ દર્દીના સગાની અપેક્ષાઓ અને દર્દીની સ્થિતિ નિહાળી અમે આ ઓપરેશન સફળ રીતે પાર પાડ્‌યું છે અને દર્દી સ્વસ્થ થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.