Western Times News

Gujarati News

ઇઝરાયેલ અમારા લડવૈયાઓને મુક્ત કરે, અમે બંધકોને મુક્ત કરીશું: હમાસ

હમાસની ૧૦૦ ઈઝરાયલી બંધકોની મુક્તિના બદલામાં ૧,૦૦૦ પેલેસ્ટિનિયનોની મુક્તિની માંગ

ઈઝરાયેલ પર હુમલાના લગભગ ૧૪ મહિના (૪૧૮ દિવસ) બાદ હમાસ પણ હિઝબુલ્લાહની જેમ યુદ્ધવિરામ માટે તૈયાર છે

તેલ અવીવ,ઈઝરાયેલ પર હુમલાના લગભગ ૧૪ મહિના (૪૧૮ દિવસ) બાદ હમાસ પણ હિઝબુલ્લાહની જેમ યુદ્ધવિરામ માટે તૈયાર છે. હમાસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે અમે ઇજિપ્ત, કતાર અને તુર્કીના મધ્યસ્થીઓને જાણ કરી છે કે હમાસ યુદ્ધવિરામ તથા કેદીઓની અદલાબદલી માટે ગંભીર સમજૂતી માટે તૈયાર છે.આ પહેલા લેબનોન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ બાદ લેબનીઝ નાગરિકોએ ઉત્તરી લેબનોનથી દક્ષિણ લેબેનોન પરત ફરવાનું શરૂ કર્યું હતું. આ યુદ્ધવિરામ અમેરિકા અને  ફ્રાન્સની મધ્યસ્થીથી થયો હતો.

સપ્ટેમ્બરમાં લગભગ ૭૦ દિવસ પહેલા પેજર અને વોકી-ટોકીમાં થયેલા વિસ્ફોટોથી, ઇઝરાયેલી સેના લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર સતત હુમલો કરી રહી છે. આ હુમલાઓમાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ અને ૩,૮૨૩ લેબનીઝ નાગરિકો માર્યા ગયા હતા અને ૧૫,૮૫૯ લોકો ઘાયલ થયા હતા.હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની શરતો પર સૂત્રોનું કહેવું છે કે હમાસ લગભગ ૧૦૦ ઈઝરાયલી બંધકોની મુક્તિના બદલામાં ૧,૦૦૦ પેલેસ્ટિનિયન અને હમાસ લડવૈયાઓની મુક્તિ માટે દબાણ કરી રહ્યું છે.

૭ ઓક્ટોબર, ૨૦૨૩ના હુમલા બાદ હમાસે ૨૫૪ ઈઝરાયેલને બંધક બનાવ્યા હતા. પ્રથમ તબક્કાની વાતચીત બાદ ૧૫૪ ઈઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ, ૧૦૦ લોકો હજુ પણ હમાસની કેદમાં છે.હમાસની ઘોષણા પછી બંધકોના પરિવારોમાં આનંદ છવાયો હતો, પરંતુ જમણેરી રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામર બેન ગ્વિરે જણાવ્યું હતું કે તેઓ બંધકોના બદલામાં ૧,૦૦૦ પેલેસ્ટિનિયન-હમાસના લડવૈયાઓની મુક્તિનો સમાવેશ કરે તેવા કોઈપણ કરારને મંજૂરી આપશે નહીં. ગાવિરે કહ્યું હતું કે ઇઝરાયેલના બંધકોને છોડાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે, પરંતુ ઇઝરાયેલની હત્યા કરનારાઓની મુક્તિ સ્વીકાર્ય નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.