Western Times News

Gujarati News

બાંગ્લાદેશ સરકાર ચિન્મય પ્રભુને તાત્કાલિક મુક્ત કરેઃ શેખ હસીના

પદભ્રષ્ટ કરાયેલાં વડાંપ્રધાને ઈસ્કોનના મહંતની ધરપકડના પગલાની ટીકા કરી

જસ્ટિસ મેહબુબે જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં હાઇકોર્ટની દરમિયાનગીરીની જરૂર નથી,સરકાર યોગ્ય પગલા લઇ રહી છે

નવી દિલ્હી,બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઇસ્કોનના મહંત ચિન્મય પ્રભુની ધરપકડની નિંદા કરતા શેખ હસીનાએ કહ્યું છે કે આ ખૂબ જ અન્યાયી કૃત્ય છે. વચગાળાની સરકારે તેમને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. આ સાથે શેખ હસીનાએ બાંગ્લાદેશમાં ચાલી રહેલા માનવાધિકાર ઉલ્લંઘનને લઈને પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે કહ્યું છે કે ચટ્ટોગ્રામમાં વકીલની હત્યામાં સંડોવાયેલા તમામ લોકોને પકડીને સખત સજા આપવી જોઈએ.

બાંગ્લાદેશની વર્તમાન વચગાળાની સરકારની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવતા શેખ હસીનાએ કહ્યું હતું કે ગેરબંધારણીય રીતે સત્તા કબજે કરનાર વચગાળાની સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી રહી છે. તે ન તો રોજિંદા ઉપયોગની વસ્તુઓની કિંમતોને નિયંત્રિત કરવામાં સક્ષમ છે કે ન તો તે બાંગ્લાદેશી નાગરિકોના જીવનની સલામતી સુનિશ્ચિત કરવામાં સક્ષમ છે.બાંગ્લાદેશમાં હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ વિવાદ વધુ ઘેરો બન્યો છે. જોકે ઈસ્કોન બાંગ્લાદેશે ચિન્મય કૃષ્ણ દાસથી છેડો ફાડ્યો છે. બાંગ્લાદેશમાં ઈસ્કોનના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્ર દાસે કહ્યું છે કે ઈસ્કોન ચિન્મય કૃષ્ણ દાસની કોઈપણ પ્રવૃત્તિ કે નિવેદનોની જવાબદારી લેતું નથી.

તેમણે ઢાકામાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાહેરાત કરતા કહ્યું છે કે, ચિન્મય પ્રભુને હાલમાં જ હાંકી કાઢવામાં આવ્યા છે. સોમવારે ચટગાંવમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપવા બદલ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેમની ધરપકડ બાંગ્લાદેશમાં તેમની સામે વ્યાપક વિરોધ વ્યાપી ગયો હતો અને ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માંગ પણ તેજ થઈ ગઈ હતી.

ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવા માટે બાંગ્લાદેશ હાઇકોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી હતી.બીજી બાજુ બાંગ્લાદેશ હાઇકોર્ટે દેશમાં ઇસ્કોનની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજીને ગુરુવારે નકારી કાઢી હતી. સુરક્ષા કર્મચારીઓ અને હિન્દુ નેતાના સમર્થકો વચ્ચેની અથડામણમાં એક વકીલ માર્યા ગયાના બે દિવસો પછી કોર્ટે આ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ મેહબુબે જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં હાઇકોર્ટની દરમિયાનગીરીની જરૂર નથી. સરકાર યોગ્ય પગલા લઇ રહી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.