ભાણી સાથે ભાગી જનારા યુવકની હત્યા કરનારા મામાને આજીવન કેદ
વર્ષ ૨૦૨૦માં રામોલના યુવકની નિર્દય રીતે હત્યા કરાઈ હતી
વર્ષ ૨૦૨૦માં ભાણી સાથે ભાગી જનારા યુવકને મામાએ શોધી કાઢીને પાવડાના સંખ્યાબંધ ઘા ઝીંકી તેની નિર્દય રીતે હત્યા કરી હતી
અમદાવાદ,વર્ષ ૨૦૨૦માં ભાણી સાથે ભાગી જનારા યુવકને મામાએ શોધી કાઢીને પાવડાના સંખ્યાબંધ ઘા ઝીંકી તેની નિર્દય રીતે હત્યા કરી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીએ ૨૦ જેટલા ઘા મારી યુવકની હત્યા કરી છે, આરોપી સામે હત્યાનો ગુનો નિઃશંકપણે પુરવાર થાય છે, આખોય કેસ ગંભીર પ્રકારનો છે, ત્યારે આવા કેસમાં આરોપીને સજા કરવી ન્યાયોચિત જણાય છે. શહેરના રામોલ વિસ્તારમાં ફૈયાઝ અબ્દુલલતીફ અંસારી પોતાનું કારખાનું ધરાવે છે. તેમના કારખાનામાં ૨૦ વર્ષિય સલમાન શકીલઅહેમદ પાઠાણ(રહે.અમેઠી, ઉત્તર પ્રદેશ) નોકરી કરતો હતો.
આ દરમિયાન સલમાનને તેના જ વિસ્તારમાં સગીરા સાથે પ્રેમ થઇ ગયો હતો. બીજી તરફ ૧૬ માર્ચ ૨૦૨૦ના રોજ સગીરા પોતાના ઘરેથી નીકળી ગઇ હતી. જેથી સગીરાના મામા અબ્દુલરઝાક અબ્દુલખાલીદ શેખ તેને શોધવા માટે સલમાનના કારખાને ગયા હતા, પરંતુ તે મળી આવ્યો નહોતો. ત્યારબાદ સલમાનને ફોન કરતા તેનો ફોન પણ બંધ આવતો હતો. જો કે, ૧૭મી માર્ચ ૨૦૨૦ના રોજ સગીરા સલમાન સાથે આરટીઓ પાસેથી મળી આવી હતી. ત્યારે મામાએ સગીરાને ઘરે મોકલી દીધી હતી.
ત્યારબાદ સલમાનને પાવડાથી મારવાનું શરૂ કર્યું હતું. જેથી ગંભીર હાલતમાં સલમાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ મામલે રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી અબ્દુલરઝાક અબ્દુલખાલીદ શેખને ઝડપી લઇ ચાર્જશીટ કરી હતી.આ કેસ પહેલાં સરકારી વકીલ મિનલ ભટ્ટ અને પછી એચ. આર. શાહે ચલાવ્યો હતો. સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપી સામેનો ગુનો પુરવાર થાય છે, ગંભીર પ્રકારનો કેસ છે, આરોપીને સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે, ત્યારે આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.ss1