Western Times News

Gujarati News

‘સ્વાગત’ માં રજૂ થતા પ્રશ્નો-સમસ્યાઓનું નિશ્ચિત સમય મર્યાદામાં નિરાકરણ કરવા અધિકારીઓને મુખ્યમંત્રીના દિશા નિર્દેશો

રાજ્ય સ્વાગતમાં મળેલી ૧૨૦ જેટલી રજૂઆતોનું સંબંધિત કક્ષાએ નિવારણ થયું  

૭ કિસ્સાઓમાં મુખ્યમંત્રીશ્રીએ સ્વયં રજૂઆત કરનારાઓને સાંભળી જિલ્લા-વિભાગોના અધિકારીઓને સમસ્યાના નિવારણ માટે માર્ગદર્શન-સુચનાઓ આપ્યાં

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્નોલોજીના સુચારું ઉપયોગથી પ્રજાજનોની સમસ્યા-રજૂઆતોના સ્વાગત’ ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત નવેમ્બર-૨૪ના રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને વિવિધ રજૂઆતો સાંભળી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સ્વાગતમાં સામાન્ય માનવીઓ-નાગરિકો દ્વારા કરવામાં આવતી રજૂઆતોનું નિરાકરણ નિશ્ચિત સમય મર્યાદામાં લાવી દેવાના સ્પષ્ટ દિશા નિર્દેશો સંબંધિત અધિકારીઓને આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકો-અરજદારો પોતાની રજૂઆતો ગુરૂવારે સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ દરમિયાન રજૂ કરે છે. આવી મળેલી રજૂઆતોની સ્ક્રુટીની કરીને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે પરામર્શમાં રહીને તેનું નિવારણ કરવામાં આવે છે.  નાગરિકોની લાંબા ગાળાની પડતર રહેલી રજૂઆતો મુખ્યમંત્રીશ્રી આ રાજ્ય સ્વાગતમાં પોતે સાંભળે છે અને જિલ્લા-વિભાગોના અધિકારીઓને સમસ્યાના નિવારણ માટે માર્ગદર્શન-સુચનાઓ પણ આપે છે.

નવેમ્બર-૨૪ના ચોથા ગુરૂવારે યોજાયેલા આ રાજ્ય સ્વાગતમાં ૧૨૦ જેટલી રજૂઆતો મળી હતી તેનું સંબંધિત અધિકારીઓ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું. ૭ જેટલા અરજદારોની લાંબા સમયની પડતર રજૂઆતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વયં ધ્યાનપૂર્વક સાંભળીને તે સંદર્ભમાં સંબંધિત જિલ્લા તંત્ર કે વિભાગે કરેલી કાર્યવાહીની પણ જાણકારી મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કક્ષની વિડીયો વોલ મારફતે મેળવી હતી.

તેમણે અરજદારોને વારંવાર કચેરીમાં આવવું ન પડે તેવી સ્થિતિ નિર્માણ થાય તે હેતુસર જિલ્લા અધિકારીઓને નિશ્ચિત સમય મર્યાદામાં રજૂઆતોનું નિવારણ લાવી દેવા અને તે અંગે રજૂઆતકર્તાને પણ જાણ કરવા માટેના સૂચનો કર્યા હતા.

આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના  અધિક મુખ્ય સચિવશ્રીઓ સર્વશ્રી પંકજ જોષી અને મનોજકુમાર દાસસચિવ શ્રીમતી અવંતિકા સિંઘખાસ ફરજ પરના અધિકારી શ્રી ધીરજ પારેખ તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.