૧૪ આદિવાસી જિલ્લા અને ૫૪ તાલુકાઓમાં ભમ્રણ કરી રહેલા ‘ધરતી આબા રથ’ને અભૂતપૂર્વ પ્રતિસાદ
આ રથ આગામી તા. ૧૨ ડિસેમ્બર-૨૦૨૪ સુધી આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરશે
આદિવાસીઓના ભગવાન ‘બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી’ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિવાસીઓના ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ વારસાને દેશ અને દુનિયા સમક્ષ મુકવાનું એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ગત તા. ૧૫ મી નવેમ્બરના રોજ ડાંગના આહવા ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’નો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ અભિયાન અંતર્ગત ‘ધરતી આબા રથ‘ને રાજ્યના આદિજાતિ જિલ્લાઓમાં ભમ્રણ કરી રહ્યો છે જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યના જનજાતિય વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસીઓનો જીવન સુધારવા, સરકારી યોજના વિષેની લોકજાગૃતિ કેળવવા તેમજ યોજનાનો લાભ અત્યંત અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવાના શુભાશયથી ધરતી આબા રથ આગામી તા.૧૨ ડિસેમ્બર ૨૦૨૪ સુધી રાજ્યના ૧૪ આદિવાસી જિલ્લા અંતર્ગત આવતા ૫૪ તાલુકાઓમાં ભ્રમણ કરશે.
જેમાં તા.૧૫ નવેમ્બરથી ૨૧ નવેમ્બર, ૨૦૨૪ સુધી ડાંગ જિલ્લાના આહવા, સુબીર, વઘઈ, નવસારી જિલ્લાના વાંસદા, ખેરગામ, ચીખલી, વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, ઉમરગામ, સુરત જિલ્લાના મહુવા, બારડોલી, તાપી જિલ્લાના વાલોડ, ડોલવણ, વ્યારા તાલુકાઓમાં આ રથે ભ્રમણ પૂર્ણ કર્યું છે. આ રથનું સ્થાનિક ભાઈ-બહેનો અને આગેવાનો દ્વારા ઉત્સાહથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
ગામ-શહેરના મુખ્ય ચોક, તાલુકા પંચાયત કચેરી, APMC, શાળા- કૉલેજ, મંદિર અને ધાર્મિક સ્થળો ઉપર આ રથના માધ્યમથી આદિજાતિ વિકાસ કાર્યક્રમો વિશે લોકોને જાણકારી આપવામાં આવી રહી છે તેમજ ચાલુ વર્ષે આદિજાતિઓના ઉત્કર્ષ માટેના કાર્યરત આદિજાતિ માટેના અભિયાનો જેવા કે પીએમ જનમન, સિકલ સેલ અભિયાન, ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન વિગેરે અંતર્ગત આદિવાસી પરિવારોને મળેલ યોજનાકીય લાભો અને તે લાભોથી આદિજાતિ સમુદાયને મળેલ સુખાકારી અંગેની વાતો લોકો સમક્ષ આ રથના માધ્યમથી મૂકવામાં આવી રહી છે.
ધરતી આબા રથનો મુખ્ય હેતુ
‘ધરતી આબા‘ તરીકે ઓળખાતા મહાન આદિવાસી નેતા બિરસા મુંડાની આદિવાસી સમાજને શોષણમુક્ત સર્વાંગી વિકાસ અર્થે આરોગ્ય, શિક્ષણ અને વિકાસની વિચારધારાને આ અભિયાનમાં સામાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા આ રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રથ ઉપર ભગવાન બિરસા મુંડાની મૂર્તિ, યોજનાકીય માહિતી આપતા પોસ્ટર્સ, ટેબલો જેવા મુખ્ય આકર્ષણના કેન્દ્ર છે.
સાથોસાથ પાયાની જરૂરિયાતો જેવી કે રેશનકાર્ડ, આધારકાર્ડ, વીજળી, રોડ-રસ્તા, આવાસ, પીવાના પાણીની સુવિધા વગેરેની વધુ મહત્વપૂર્ણ સુવિધાઓ અત્યંત અંતરિયાળ વિસ્તાર સુધી રાજ્ય સરકાર દ્વારા પહોચાડવામાં આવી રહ્યું છે. આ તમામ પાયાની જરૂરિયાતોને એક અભિયાનની રીતે જોડીને રથયાત્રા દ્વારા જનજાતિય – આદિવાસી વિસ્તારોમાં અમલી બનાવેલી યોજનાઓની માહિતી પણ નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ થકી રાજ્યના દરેક જનજાતિય ભાઈ- બહેનોને સરકારી યોજનાઓનો વ્યાપક લાભ આપી વધુ સશક્ત તેમજ આત્મનિર્ભર બનાવવા આ અભિયાન વધુ એક મજબૂત પગલું સાબિત થશે. આ અભિયાન દેશના વિકાસમાં યોગદાન આપતા આદિવાસી સમાજને અગ્રણી સ્થાન પર લાવવાનો મક્કમ પ્રયાસ છે.
ધરતી આબા રથનો
ગુજરાતના પૂર્વ પટ્ટામાં આવેલા આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લા પૈકી પાંચ જિલ્લા એટલે કે ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લામાં ધરતી આબા રથનું પરિભ્રમણ પૂર્ણ થયું છે. જ્યારે આગામી સમયમાં નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા થઈને બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આ રથની પૂર્ણાહુતી થશે.