Western Times News

Gujarati News

IGI એરપોર્ટ પાસે ડ્રોન-લેસર લાઇટના ઉપયોગ પર પ્રતિબંધ

આ પગલું પાયલટોના ધ્યાન ભંગ અને આતંકવાદી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે

નવી દિલ્હી,દિલ્હી પોલીસે ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ સુધી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ લેસર લાઈટ્‌સ અને ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ ૨૮ નવેમ્બરથી લાગુ થઈ ગયો છે. પોલીસનું કહેવું છે કે લગ્નો અને પાર્ટીઓમાં વપરાતી લેસર લાઇટથી પાઇલોટ્‌સનું ધ્યાન ભટકી શકે છે. ડ્રોનથી આતંકવાદી હુમલાની ધમકીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૨૩(a) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે IGI એરપોર્ટની આસપાસ ઘણા ફાર્મહાઉસ, બેન્ક્વેટ હોલ, હોટલ અને રેસ્ટોરન્ટ છે.

આ સ્થળોએ યોજાતી લગ્નો અને પાર્ટીઓમાં લેસર લાઇટનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. પોલીસનું કહેવું છે કે આ લાઈટો પાઈલટોનું ધ્યાન ભંગ કરી શકે છે, જેનાથી હવાઈ મુસાફરી અસુરક્ષિત બની જાય છે. તેથી પોલીસે ૨૮ નવેમ્બરથી ૨૬ જાન્યુઆરી સુધી લેસર લાઇટના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.પોલીસ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં રાત્રીના સમયે ખુલ્લામાં લેસર બીમના ઉપયોગને નિયંત્રિત કરવા માટે કોઈ નિયમ-કાયદા નથી. IGI એરપોર્ટની આજુબાજુમાં લેસર બીમના ઉપયોગના કિસ્સામાં માનવ જીવન અને વિમાનની સુરક્ષા માટે ઉપદ્રવ અને જોખમને રોકવા માટે આ અંગે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.

સ્પષ્ટ છે કે, લેસર લાઇટના અનિયંત્રિત ઉપયોગથી ઉદ્ભવતા જોખમોને ધ્યાનમાં રાખીને પોલીસે આ પગલું ભર્યું છે.ડ્રોનના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસને ડર છે કે આતંકવાદીઓ ડ્રોન, પેરાગ્લાઈડર, હેંગ ગ્લાઈડર અને એરોપ્લેન જેવા સાધનોનો ઉપયોગ કરીને હુમલો કરી શકે છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘વિશ્વસનીય માહિતીના આધારે, એવા સતત અહેવાલો છે કે આતંકવાદીઓ પાસે માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ્સ (UIAS) છે, જેમાં ડ્રોન, પેરાગ્લાઈડર અને હેંગ ગ્લાઈડર,UAV, એરોપ્લેન વગેરેનો સમાવેશ થાય છે. તેથી ડ્રોન જેવા ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જરૂરી બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.