મણિનગરમાં દિવસે વૃદ્ધાના બંધ મકાનમાંથી રૂ.પ લાખની મત્તાની ચોરી
શહેરમાં હવે દિવસે તસ્કરોનો તરખાટ
(એજન્સી)અમદાવાદ,
શિયાળો શરૂ થાય એટલે શહેરમાં ચોરીની ઘટનાઓ સૌથી વધુ બનતી હોય છે જે પોલીસ માટે પણ માથાના દુઃખાવા સમાન છે. લોકો કાતિલ ઠંડીમાં રજાઈ ઓઢીને સૂઈ ગયા હોય ત્યારે તસ્કરો મેદાનમાં ઉતરે છે અને પોતાના બદઈરાદાઓને અંજામ આપતા હોય છે. પોલીસ ચોરીની ઘટના રોકવા માટે એડીચોટીનું જોર લગાવતી હોય છે તેમ છતાંય તસ્કરોએ પોલીસને દબંગ અવતારમાં જોતાની સાથે જ પોતાની પેટર્ન બદલી નાંખી છે. શહેરને પોલીસ છાવણીમાં ફેરવીને મોડી રાતે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે જેના કારણે તસ્કરોએ હવે ધોળા દિવસે લોકોના ઘરના તાળા તોડવાનું શરૂ કર્યું છે. તસ્કરો મણિનગરની એક સોસાયટીમાં ધોળા દિવસે પાંચ લાખની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે જેને લઈને પોલીસ પણ અચંબામાં મૂકાઈ ગઈ છે.
પોલીસ અને ગુનેગારો વચ્ચે રીતસર રેસ લાગી હોય તેવી સ્થિતિ અમદાવાદમાં સર્જાઈ છે. વધતી ગુનાખોરીને રોકવા માટે પોલીસ મેદાનમાં ઉતરી ત્યારે ગુનેગારોએ ગુનો કરવાની પેટર્ન બદલી નાંખી છે. ક્રિમિનલ્સને હંફાવવા માટે પોલીસ દ્વારા મોડી રાતે કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે જેને લઈને ગુનેગારોએ પણ પોલીસના ગાલ પર તમાચો મારી ગુનાખોરી આચરવા માટેના પ્લાન બનાવી દીધા છે. શહેરને મોડી રાતે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવે છે. જેમાં સંખ્યાબંધ વાહનોનું ચેકિંગ થાય છે. હથિયારો સાથે માથાભારે તત્ત્વોને ઝડપી લેવાય છે. દારૂની બોટલો સાથે ખેપિયા તેમજ દારૂડિયાઓની પણ ધરપકડ થાય છે જ્યારે હિસ્ટ્રીશીટરના ઘરમાં ઘૂસીને પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
શહેરમાં વધી રહેલી ક્રાઈમની ઘટનાને રોકવા માટે પોલીસ એકાએક એકશન મોડ પર આવી છે અને મેદાનમાં .તરી છે. એક તરફ પોલીસ પોતાનું કામ કરી રહી છે ત્યારે ગુનેગારો પણ પોલીસના કામને ચેલેન્જ કરી રહ્યા છે. પોલીસ મોડી રાતે કોÂમ્બંગ કરે છે ત્યારે ગુનેગારોએ ધોળા દિવસે ગુનો આચરવાનું શરૂ કર્યું છે. મણિનગર વિસ્તારમાં તસ્કરો ધોળા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી ગયા છે. મણિનગર વિસ્તારમાં આવેલા સર્જન એપાર્ટમેન્ટમાં રહેતા ૬૯ વર્ષના મંજુલાબહેન આચાર્યએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. મંજુલાબહેન આચાર્ય એકલવાયું જીવન જીવે છે અને ઘરકામ કરે છે. મંજુલાબહેનને એક દિકરો છે જે સુરત ખાતે રહે છે અને એક દીકરી છે જે તેની સાસરિમાં નવરંગપુરા રહે છે.
મંજુલાબહેનના બહેનપણી ઉષાબહેન પટેલ મણિનગર ખાતે આવેલા ભૂલાભાઈ પાર્ક ખાતે રહે છે જેમને ઘરે ગઈકાલે ગોયણીનો પ્રસંગ હતો. ઉષાબહેને પ્રસંગમાં મંજુલાબહેનને આમંત્રણ આપ્યું હતું જેથી તે બપોરે બાર વાગ્યાની આસપાસ ઘરના દરવાજે તાળું મારીને ગયા હતા. પ્રસંગ પતાવીને મંજુલાબહેન સાંજે છ વાગે આવ્યા હતા જ્યાં તેમણે પોતાના ઘરનો દરવાજો ખુલ્લે જોયો હતો. મંજુલાબહેને બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. દરવાજા પર લગાવેલું તાળું તૂટેલૂં જોઈને પાડોશમાં રહેતા રાજુભાઈ વ્યાસે ચોરી થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી. રાજુભાઈ વ્યાસે તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી જ્યારે મંજુલાબહેને તેમની દીકરી વૃંદાને જાણ કરી હતી.
ચોરીનો મેસેજ મળતાંની સાથે જ મણિનગર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યારે વૃંદા પણ તરત જ દોડી આવી હતી. મંજુલાબહેને બેડરૂમમાં જઈને જોયું તો બન્ને તિજોરીમાં બે લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના હતા. તસ્કરો કુલ પાંચ લાખની મતાની ચોરી કરીને નાસી ગયા છે. મણિનગર પોલીસની ટીમ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે આવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તસ્કરોએ ધોળા દિવસે ચોરી કરીને પોલીસને ચેલેન્જ કરી છે કે તાકાત હોય તો અમને પકડીને બતાવો.