રૂપિયા પ૦ કરોડના GST કૌભાંડમાં ઓઢવના મેટલ સ્ક્રેપના વેપારીની ધરપકડ
(અજન્સી)અમદાવાદ,
ડિરેકટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ ઈન્ટેલિજન્સ (ડીજીજીઆઈ)ના અધિકારીઓએ અમદાવદમાં મેટલ સ્ક્રેપનો બિઝનેસ કરતાં વેપારીએ રૂ.પ૦ કરોડની જીએસટી ચોરી કરીને મોટું કૌભાંડ આચર્યું હોવાનું પર્દાફાશ કર્યુું છે. સેન્ટ્રલ જીએસટી ઈન્ટેલિજન્સના અધિકારીઓએ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા ચેતન મેટલ વર્કસના ઓફિસ અને ગોડાઉનમાં દરોડા પાડીને મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઈસ જપ્ત કર્યા છે. દરોડા દરમિયાન એવી ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે, ચેતન મેટલ વર્કસના માલિક પ્રદ્યુમનસિંહ હમીરસિંહ ચાવડા એક ટકા કમિશન મેળવી બોગસ બિલ બનાવીને આગળ આ બિલ પાસઓન કરતા હતા.
હકીકતમાં માલની કોઈ ડિલિવરી જ કરવામાં આવતી ન હતી અને ખોટી રીતે આઈટીસી મેળવવા માટે આખું કાવતરું રચ્યું હતું અને ૧પ કરોડની જીએસટી ચોરી કરી હોવાનું ખૂલતાં પ્રદ્યુમનસિંહ ચાવડાની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સૂત્રોનો દાવો છે કે, પ્રદ્યુમનસિંહ ચાવડાએ માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં કેટલાય વેપારીઓને બોગસ બિલ આપીને એક ટકા કમિશન મેળવા આ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. ચોપડે બતાવ્યા મુજબ જે વેપારીઓના નામ બહાર આવ્યા છે તેવા વેપારીઓને ત્યાં પણ એજન્સી દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને મેટલ સ્ક્રેપનો બિઝનેસ કરતા કેટલાક વેપારીઓ ખોટા બિલને બતાવીને કરોડો રૂપિયાના જીએસટીની ચોરી કરતા હોવાનું પણ બહાર આવ્યું છે.
આ ચકચારી કેસની તપાસ ગત મોડી રાત સુધી ચાલુ રહી હતી અને આ સંદર્ભે હજુ વધુ લોકોની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા પણ અધિકારીઓએ વ્યક્ત કરી છે.ઉલ્લેખનય છે કે, આ અગાઉ ડીજીઆઈના અધિકારીઓએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની માલિકીના આશાપુરા એન્ટરપ્રાઈઝમાં દરોડાની કામગીરી હાથ ધરીને કરોડો રૂપિયાના જીએસટીની ચોરી પકડી પાડી હતી. આ કેસમાં માસ્ટર માઈન્ડ કમલેશની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ હાલ ચાલી રહી છે ત્યારે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ અમદાવાદમાં મેટલ સ્ક્રેપનો બિઝનેસ કરીને પ૦ કરોડના જીએસટીની ચોરી કરી હોવાના મોટા કૌભાંડનો ઘટસ્ફોટ કરતાં મેટલ સ્ક્રેપના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.