સૌથી વધુ સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ ભારતીય યુઝર્સ કરે છે
સોશિયલ મિડિયા ક્યાંક સોશિયલ લાઈફને જ ખતમ ન કરી દે
રિસર્ચ ફર્મ રેડસિયરના જણાવ્યા અનુસાર ભારતીયો દિવસમાં સરેરાશ ૭.૩ કલાક સ્માર્ટફોનમાં રચ્યા-પચ્યા રહે છે, જે પૈકી સૌથી વધુ સમય તો સોશિયલ મીડિયામાં વિતાવે છે. જયારે અમેરિકન યુઝર્સનો એવરેજ સ્ક્રીન ટાઈમ ૭.૧ કલાક અને ચીની યુઝર્સનો એવરેજ સ્ક્રીન ટાઈમ પ.૩ કલાકનો છે.
આજે દુનિયાની વસતિ ૮ અરબને પાર કરી ચૂકી છે અને એમાં પ.૩ અરબ તો ઈન્ટરનેટ યુઝર્સ છે. દુનિયામાં સૌથી વધુ વસતિ ચીનમાં છે તો સોશિયલ મીડિયાના સૌથી વધુ યુઝર્સ પણ ચીનમાં જ છે. તો દુનિયામાં સૌથી વધુ સોશિયલ મીડિયામાં સમય વિતાવતા લોકોમાં ભારતીયો મોખરે છે. ભારતીયો ભૂખ, તરસ, ઉંઘ અને સંબંધોને બાજુએ મુકીને સોશિયલ મીડિયામાં સમય વિતાવવામાં અમેરિકા અને ચીનને પાછળ છોડી દીધા છે જે એક ખતરનાક બાબત તરીકે તારવવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા વિશ્વમાં સંદેશાવ્યવહારના નવા પરિણામનો ઉદભવ સાબિત થયો. વિશ્વભરના લોકો સાથે જોડાવા માટે તે એક મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે. સોશિયલ મીડિયા એવા લોકોનો અવાજ બની શકે છે જેઓ સમાજના મુખ્ય પ્રવાહથી અલગ છે અને જેમનો અવાજ દબાવવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયાએ આપણા જીવનમાં લાવેલા તમામ ફેરફારોને ઉજાગર કરવા માટે, ૩૦ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ‘સોશિયલ મીડિયા ડે’ ઉજવવામાં આવે છે. સોશિયલ મીડિયા કંપનીએ વર્ષ ર૦૧૦માં૩૦ જૂનને સોશિયલ મીડિયા ડે તરીકે સ્થાપિત કર્યો, ત્યારથી આ દિવસ ઉજવવામાં આવે છે.
સોશિયલ મીડિયા પરિવારો, મિત્રો, સહકાર્યકરો અને અજાણ્યા લોકોને પણ જોડવા માટે એક મુખ્ય સંવાદક તરીકે ઉભરી આવ્યું છે.
વોટસઅપ, ફેસબુક, ટ્વીટર- હાલ જે એકસ તરીકે ઓળખાય છે તે, લિંક્રડાઈન ને ઈન્સ્ટાગ્રામ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સોશિયલ મીડિયા એપ્સ છે. વર્ષ ર૦ર૩માં લોકોને એક સાથે લાવવા અને વૈશ્વિક સમુદાયની ભાવના બનાવવા માટે સોશિયલ મીડિયાની સકારાત્મક અસરોને પ્રકાશિત કરવા માટે ‘યુનાઈટીગ ધ ડિજિટલ વર્લ્ડ’ થીમ પર સોશિયલ મીડિયા ડે ની ઉજવણી કરવામાં આવી.સોશિયલ મીડિયા લોકોને પરિવાર અને મિત્રો સાથે જોડે છે અને ઘણા લોકો તેનાથી પોતાનું જીવન નિર્વાહ કરે છે. દેશમાં સોશિયલ મીડિયાની સામાજિક- આર્થિક અને સાંસ્કૃતિક અસર ક્રાંતિકારી રહી છે અને સોશિયલ મીડિયા ડે આ શક્તિનો સ્વીકાર કરે છે. સોશિયલ મીડિયા સંબંધિત તમામ ચિંતાઓ હોવા છતા તેણે સામાન્ય લોકોને અવાજ આપ્યો છે અને તેમને ઘણી તકો પણ આપી છે.
સોશિયલ મીડિયાએ વિશ્વભરમાં વાતચીતની સરળ પદ્ધતિઓ બનાવી છે તેની મદદથી અમે અમારા વિચારો માત્ર અમારા મિત્રો જ નહિ પણ બહારની દુનિયા સમક્ષ પણ રજૂ કરી શકીએ છીએ. પછી ભલે તે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અથવા યુટયુબ દ્વારા હોય. સોશિયલ મીડિયાના આગમનથી લોકો હવે મોટી સંખ્યામાં લોકો સુધી સરળતાથી પહોંચી શકે છે. સોશિયલ મીડિયા લોકોને જૂના મિત્રો અને પરિચિતો સાથે ફરીથી જોડાવવાની, નવા મિત્રો બનાવવા અને વિચારો અને સામગ્રી શેર કરવાની તક પૂરી પાડે છે. પ્રથમ સોશિયલ નેટવર્ક ૧૯૯૭માં બનાવવામાં આવ્યું હતું અને તેને સિકસ ડિગ્રી કહેવામાં આવતું હતું, જયાં વપરાશકર્તાઓ પ્રથમ વખત પ્રોફાઈલ્સ બનાવી શકે છે, ફોટા અપલોડ કરી શકે છે અને અન્ય લોકો સાથે કનેકટ થઈ શકે છે. આ પ્લેટફોર્મ ર૦૦૧માં બંધ થઈ ગયું હતું.
રિસર્ચ ફર્મ રેડસિયરના જણાવ્યા અનુસાર, ભારતીયો દિવસમાં સરેરાશ ૭.૩ કલાક સ્માર્ટફોનમાં રચ્યા-પચ્યા રહે છે, જે પૈકી સૌથી વધુ સમય તો સોશિયલ મીડિયામાં વિતાવે છે. જયારે અમેરિકન યુઝર્સનો એવરેજ સ્ક્રીન ટાઈમ ૭.૧ કલાક અને ચીની યુઝર્સનો એવરેજ સ્ક્રીન ટાઈમ પ.૩ કલાકનો છે. સૌથી વધુ સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ ભારતીય યુઝર્સ કરે છે. અમેરિકા અને બ્રિટનમાં એક વ્યક્તિ સરેરાશ સાત સોશિયલ મીડિયા એકાઉન્ટસ હોય છે તો બીજી તરફ ભારતીય ઓછામાં ઓછા ૧૧ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હોય છે ૭૧ ટકા લોકો સૂતાં-સૂતાં પણ મોબાઈલનો ઉપયોગ કરે છે તો રિસર્ચ પરથી એક વાતની ખબર પડી છે કે સ્ક્રીન ટાઈમ જેટલો વધારે હોય છે, તેટલા જ લોકો સોશિયલ મીડિયાનો વધોર ઉપયોગ કરે છે, જેની સીધી અસર આપણી મેન્ટલ હેલ્થ પર પડે છે.
આ સિવાય ડિપ્રેશન, ચિંતા સહિતઅનેક ગંભીર બીમારી થઈ શકે છે. વધુ પડતો સ્ક્રીન ટાઈમ સોશિયલ મીડિયાની આદત તરફ દોરી જાય છે. રિસર્ચ જર્નલ પબમેડના જણાવ્યા અનુસાર, ૭૦ ટકા લોકો સૂવા ગયા પછી પણ મોબાઈલ છોડતા નથી અને સોશિયલ મીડિયામાં જ વ્યસ્ત રહે છે. દરરોજ કરોડો ભારતીયો કલાકો સુધી સોશિયલ મીડિયામાં રચ્યા-પચ્યા રહે છે. સોશિયલ મીડિયાની છોકરીઓના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો લેસેન્ટ ચાઈલ્ડ એન્ડ એડોલસેટ હેલ્થના એક અભ્યાસ અનુસાર સોશિયલ મીડિયાથી છોકરાઓની સરખામણીએ છોકરીઓના માનસિક સ્વાસ્થ્ય પર વધુ ખરાબ અસર પડે છે. બીજી તરફ છોકરીઓ ટ્રોલર્સ, સાયબર ગુંડાગીરી ઉપરાંત તેઓ જાતીય શોષણની ઝપેટે વધુ આવી જાય છે. એનાથી રાતની ઉંઘ ઉડી જાય છે. આ રીતે છોકરીઓ માનસિક બીમારીઓની જાળમાં ફસાતી જાય છે.
તો યુઝર્સ ભુલકણું ને ડિપ્રેશનનો શિકાર બને છે પબમેડ નામના જર્નલના એક રિપોર્ટ અનુસાર, સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેવાને કારણે ઉંઘ પુરી નથી થતી, જેના કારણે માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આવા લોકો ડિપ્રેશનનો શિકાર બને છે અને ભુલકણું થઈ જાય છે. તો સાયબર ગુંડાગીરી પરિસ્થીતિને વધુ ખરાબ બનાવે છે. અફવાઓ, નકારાત્મક કમેન્ટ અને ગાળો યુઝર્સના મનને ઠેસ પહોંચાડે છે, જેની ઉંડી અસર જોવા મળે છે. પ્યુ રિસર્ચના એક સર્વે મુજબ લગભગ ૬૦ ટકા યુઝર્સ ઓનલાઈન દુરુપયોગનો ભોગ બને છે.
સંબંધ પર પૂર્ણ વિરામ મુકાઈ જાય છે, તો ઈમોશનલ કનેકશન પણ નથી રહેતુ મનોચિકિત્સકો કહે છે કે, સોશિયલ સાઈટસ પર જે લોકો આખો દિવસ એક્ટિવ રહે છે તેમનું સામાજિક જીવન પુરું થઈ જાય છે. આ લોકો કુટુંબ સાથે વાત કરતા નથી, તો મિત્રો સાથેના પરસ્પર સંબંધો પણ ખરાબ થાય છે. આ સાથે જ ઈમોશનલ કનેકશન રહેતું નથી, જે હાનિકારક છે. સંબંધોમાં કોઈ શેરિંગ કે કેરિંગ રહેતું નથી. વ્યકિતનો અવકાશ મર્યાદિત થઈ જવાને કારણે નિરાશાઓ વધે છે. નવા કપલ્સ પણ સોશિયલ સાઈટસમાં એ હદે ખોવાઈ જાય છે કે તેમનું અંગત જીવન ડિસ્ટર્બ થઈ જાય છે, જેને કારણે એકસ્ટ્રા મેરિટલ અફેર થાય છે.
નિષ્ણાતોના મતે, એન્ટી-સોશિયલ બનાવી દે છે સોશિયલા મીડિયા જેમ-જેમ સોશિયલ મીડિયાની આદત વધે છે તેમ તેમ લોકો હતાશા અને ચિંતાનો ભોગ બને છે. ડોકટરો આ પાછળનુ ંકારણ સમજાવે છે, જયારે તમે કોઈને રૂબરૂ મળો છો, ત્યારે સામેના વ્યક્તિના ચહેરાના હાવભાવ બોડી લેગ્વેજથી સમજી જાઓ છો કે વ્યક્તિ કોઈ ચિંતામાં છે કે ખુશ છે. જયારે કોઈ વર્ચ્યુઅલ દુનિયા સુધી જ મર્યાદિત હોય છે, ત્યારે લોકો સમજવાનું અને દુનિયાદારી શીખવાનું શીખી શકતા નથી.લેસેન્ટ ચાઈલ્ડ એન્ડ એડોલસેટ હેલ્થના એક અભ્યાસ અનુસાર સોશિયલ મીડિયાથી છોકરાઓની સરખામણીએ છોકરીઓના માનસિક સ્વાસ્થ્ય પર વધુ ખરાબ અસર પડે છે