Western Times News

Gujarati News

પુડુચેરી નજીક વાવાઝોડુ ફેંગલ લેન્ડફોલ થતાં ચેન્નાઈમાં ભારે વરસાદ

ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, ૩ લોકોનાં મૃત્યુ

(એજન્સી)પુડુચેરી, ચક્રવાત ફેંગલે શનિવારે સાંજે પુડુચેરી નજીક લેન્ડફોલ કર્યું હતું. તેની સાથે ભારે વરસાદ અને જોરદાર પવન આવ્યો. મુશળધાર વરસાદને કારણે ચેન્નાઈના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. ત્રણ લોકોના મોત થયા છે.

ચક્રવાતને કારણે ચેન્નાઈ એરપોર્ટ ૧૬ કલાક સુધી બંધ રહ્યું હતું. તે રવિવારે સવારે ૪ વાગ્યે ખુલ્યું હતું. ચેન્નાઈ, તેની આસપાસના જિલ્લાઓ અને પુડુચેરીમાં શનિવારથી સતત વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે બસ, ટ્રેન અને ફ્લાઇટ સેવાઓ સહિત જાહેર પરિવહનને અસર થઈ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત ઉત્તરી તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકિનારા પર સ્થિર રહ્યું હતું. તે નબળું પડીને ડીપ ડિપ્રેસનમાં ફેરવાની ધારણા છે.

આઈએમડીએ જણાવ્યું કે, ચક્રવાત ફેંગલ છેલ્લા એક કલાક દરમિયાન લગભગ સ્થિર છે. આગામી ત્રણ કલાક દરમિયાન તે ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે.
ફેંગલ ધીમે ધીમે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધશે. ચેન્નાઈ અને કરાઈકલમાં ડોપ્લર વેધર રડાર દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. ચેન્નાઈમાં ૧૧.૪ સેમી, પુડુચેરીમાં ૩૯ સેમી અને કુડ્ડલોરમાં ૮.૩ સેમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ચેન્નાઈ એરપોર્ટના બે રનવે અને એક ટેક્સી વે ડૂબી ગયો હતો.

શનિવારે ચેન્નાઈ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. એરપોર્ટ પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ૫૫ ફ્લાઈટ્‌સ રદ કરવામાં આવી છે અને ૧૯ને ડાયવર્ટ કરવામાં આવી છે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટને અસર થઈ છે. ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં હોસ્પિટલો અને ઘરો પાણીમાં ડૂબી ગયા હતા. શહેરમાં વરસાદ સંબંધિત અલગ-અલગ ઘટનાઓમાં વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશને લગભગ ૨.૩૨ લાખ લોકોને ભોજનનું વિતરણ કર્યું હતું.

નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ ૨૦૦ લોકોને ૮ રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. તમિલનાડુના પ્રધાન કેકેએસએસઆર રામચંદ્રને જણાવ્યું હતું કે, ચક્રવાત પછી કોઈ મોટા નુકસાનના તાત્કાલિક અહેવાલો નથી. વધુ માહિતી રવિવાર સુધીમાં મળી જશે.

મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન અને નાયબ મુખ્ય પ્રધાન ઉધયનિધિ સ્ટાલિને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. એમકે સ્ટાલિને જમીનની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે જિલ્લા કલેક્ટર અને ઉત્તરી જિલ્લાના ઉચ્ચ નાગરિક અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેણે ચેંગલપેટ જિલ્લામાં રાહત શિબિરમાં રહેતા લોકો સાથે વાત કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.