USAમાં ગુજરાતી મૂળના કાશ પટેલ FBIના ડિરેક્ટર બન્યા
ક્રાઈમ રેટ ઓછા કરવાની સાથે ક્રિમિનલ એક્ટિવિટી સાથે સંકળાયેલા ગ્રુપોને પકડી પાડવાની મોટી જવાબદારી
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનનાં ડિરેક્ટર તરીકે પોતાના ખાસ વિશ્વાસુ કાશ પટેલની નિમણૂક કરી દીધી છે. ડાનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કાશ પટેલની પ્રશંસા કરી હતી તથા અમેરિકામાં ક્રાઈમ રેટ ઓછો થાય એની પણ મોટી જવાબદારી સોંપી હતી. તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે કાશ પટેલ આ જવાબદારીને સારી રીતે નિભાવશે અને તેઓ આ પદ પર રહીને ઘણી ઉપલÂબ્ધઓ પણ હાંસલ કરશે.
ઉલ્લેખનીય છે કે કાશ પટેલે આની પહેલા ટ્રમ્પ સરકારમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સમાં ચીફ ઓફ સ્ટાફ, નેશનલ ઈન્ટેલિજન્સના ડેપ્યુટી ડિરેક્ટર અને નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આની સાથે કાશ પટેલ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં સિનિયર ડિરેક્ટર ઓફ કાઉન્ટર ટેરરિઝમમાં પણ કામ કરી ચૂક્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલને અમેરિકા ફર્સ્ટના વોરિયર તરીકે સંબોધિત કર્યા હતા. એટલું જ નહીં તેમના રૂસ હોક્સના ઈન્વેસ્ટિગેશનમાં અભૂતપૂર્વ યોગદાનની સરાહના પણ કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે (કશ્યપ) કાશ પટેલે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની સાથે ન્યાયની રક્ષા કરવા માટે અને અમેરિકન સિટિઝન્સની સુરક્ષા માટે અભૂતપૂર્વ યોગદાનો આપ્યા છે. કાશ પટેલ એટર્ની જનરલ પામ બોંડીની અંડર કામ કરશે. ટ્રમ્પે તેમને ક્રાઈમ રેટ પર કાબુ મેળવવો, ડ્રગ્સની તસ્કરી સામે કડક પગલા ભરવા સહિતની જવાબદારીઓ સોંપી દીધી છે.
કાશ પટેલની પસંદગી તેમના બીજા કાર્યકાળ માટે તેમની યોજનાઓનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેઓ અમેરિકામાં કાયદો વ્યવસ્થા અને નેશનલ સિક્યોરિટીને વધુ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. તેવામાં કાશ પટેલને આ જવાબદારી સોંપવામાં આવી છે એ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય સાબિત થઈ શકે એમ છે. ૪૪ વર્ષીય કાશ પટેલે ૨૦૧૭માં ટ્રમ્પ પ્રસાશનના છેલ્લા કેટલાક સપ્તાહોમાં અમેરિકાના એક્ટિંગ ડિફેન્સ મિનિસ્ટરના ચીફ ઓફ સ્ટાફના રૂપે પણ કામ કર્યું હતું.
ન્યૂયોર્કમાં જન્મેલા કાશ પટેલ મૂળ ગુજરાતના વતની છે. તેમના માતા ઈસ્ટ આફ્રિકન કંટ્રી તંજાનિયાથી અને પિતા યુગાંડાથી કેનેડા અને પછી અમેરિકા પહોંચ્યા હતા. તેઓ ૧૯૭૦માં કેનેડાથી અમેરિકા શિફ્ટ થઈ ગયા હતા. લા સ્ટડીઝ કરનારા કાશ પટેલે એક ઈન્ટર્વ્યૂમાં પોતાના ગુજરાતી વારસા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું ગર્વ સાથે કહી શકું છું કે હું ગુજરાતી છું.
કાશ પટેલે અયોધ્યામાં રામ મંદિર બનવા મુદ્દે પણ ટિપ્પણી કરી હતી, જેના લીધે ભારતીયોનું ધ્યાન તેમના તરફ દોરાયું હતું. કાશ પટેલે કહ્યું હતું કે વિદેશી મીડિયા અયોધ્યાને ૫૦ વર્ષોની વાત કહી રહી છે પરંતુ રામ મંદિરનો ૫૦૦ વર્ષો જૂનો ઈતિહાસ તેઓ જાણે છે કે નહીં! તેઓ રામ મંદિરના ઐતિહાસિક મૂલ્યને હજુ પ્રદર્શિત નથી કરી શક્યા.