વેચાણમાં વૃધ્ધિનો પૂરાવો: GST કલેક્શન 1.80લાખ કરોડને પાર
નવી દિલ્હી, જીએસટી આવક મામલે નવેમ્બરનો મહિનો પણ સરકાર માટે સારો રહ્યો છે કારણ કે કલેક્શન જરા પણ ઓછું થયું નથી ઉલટાનું વધ્યું છે. તહેવારોની મોસમમાં માગમાં વધારો અને વધુ આવકને કારણે નવેમ્બરમાં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન ૮.૫ ટકા વધીને રૂ. ૧.૮૨ લાખ કરોડથી વધુ થયું છે
ગત વર્ષના નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન ૧.૬૭ લાખ કરોડ હતું. ઓક્ટોબર ૨૦૨૪માં સરકારને જીએસટી કલેક્શનમાંથી મોટી રકમ મળી હતી અને આ રેકોર્ડ ૧.૮૭ લાખ કરોડ રૂપિયા હતો. જ્યારે સપ્ટેમ્બર ૨૦૨૪માં આ આંકડો ૧.૬૨ લાખ કરોડ રૂપિયા હતો. ઉલ્લેખનીય છે કે વર્ષની તુલનાએ જીએસટી કલેક્શનમાં ૮.૫ ટકાનો વધારો આવ્યો છે.
અલબત્ત ઓક્ટોબર ૨૦૨૪ એટલે કે ગત મહિનાની જીએસટી આવક ૧.૮૭ લાખ કરોડ હતી. ઓક્ટોબરમાં રૂ. ૧.૮૭ લાખ કરોડનું જીએસટી કલેક્શન નવ ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે બીજા નંબરનું શ્રેષ્ઠ જીએસટી કલેક્શન હતું. અત્યાર સુધીમાં સૌથી વધુ કલેક્શન એપ્રિલ, ૨૦૨૪માં રૂ. ૨.૧૦ લાખ કરોડથી વધુ હતું.
છેલ્લા મહિનામાં એટલે કે ઓક્ટોબર ૨૦૨૪માં પણ જીએસટી કલેક્શનમાં ૯%નો વધારો નોંધાયો હતો. ઓક્ટોબર માટે કુલ કલેક્શન રૂ. ૧.૮૭ લાખ કરોડ હતું, જે અત્યાર સુધીનું બીજું સૌથી મોટું કલેક્શન હતું.
સ્થાનિક વેચાણમાં વધારો અને વધુ સારા અનુપાલનનો આમાં મહત્વનો ફાળો હતો. સેન્ટ્રલ જીએસટીનું ૩૩,૮૨૧ કરોડ,સ્ટેટ જીએસટીનું ૪૧,૮૬૪ કરોડ, ઇન્ટિગ્રેટેડ જીએસટીનું ૯૯,૧૧૧ કરોડ અને સેસ તરીકે ૧૨,૫૫૦ કરોડનું કલેક્શન થયાનુંજાણવા મળે છે.
જીએસટી કલેક્શનમાં વધારો થવાથી સરકારને વિકાસ કાર્યોમાં વધુ રોકાણ કરવાની તક મળે છે. આનાથી રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સેવાઓમાં સુધારો કરવામાં મદદ મળી શકે છે.
વધુમાં, હાઈ જીએસટી કલેક્શન દર્શાવે છે કે અર્થતંત્રમાં માંગ અને વપરાશ વધી રહ્યો છે. આ પણ કંપનીઓના વેચાણ અને સેવાઓમાં વૃદ્ધિનો પુરાવો છે. જો કે, જીએસટી કલેક્શનમાં વધારો એ મોંઘવારીનો સંકેત પણ હોઈ શકે છે. ઘણી વખત કંપનીઓ ટેક્સનો બોજ ગ્રાહકો પર નાખે છે, જેનાથી ભાવ વધે છે.