હવે અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને સીધા રણોત્સવ પહોંચી શકાશે
(એજન્સી)કચ્છ, કચ્છ રણોત્સવની શરૂઆત થઈ છે. પ્રવાસીઓનું કચ્છના સફેદ રણ ખાતે આગમન થઈ રહ્યું છે. ત્યારે રણોત્સવ સુધી પહોંચવા માટે હવે ગુજરાત સરકાર દ્વારા નવી બસ સુવિધા શરૂ કરવામા આવી છે. હવે અમદાવાદ એરપોર્ટથી સીધા રણોત્સવ સુધી પહોંચી શકશે.
જીએસઆરટીસી અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે નવી વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાયો છે. અમદાવાદ એરપોર્ટથી ધોરડો માટે નવી વોલ્વો બસ સેવા દૈનિક ધોરણે સંચાલિત થશે.
કચ્છના આકર્ષક પ્રવાસન સ્થળોની મુલાકાત માટે જીએસઆરટીસી અને પ્રવાસન વિભાગ દ્વારા રણોત્સવ, ધોરડો ખાતે ‘ટૂરિસ્ટ સર્કીટ બસ” સેવાનો પણ પ્રારંભ કરાયો છે. વધુમાં રણોત્સવ ખાતે સબરસ પાર્કિંગ થી વોચ ટાવર સુધી જવા માટે પ્રવાસન વિભાગ અને ય્જીઇ્ઝ્ર ન સંયુક્ત ઉપક્રમે “હોપ ઓન હોપ ઓફ બસ” સેવાનો પ્રારંભ થઇ ચૂકેલ છે જેને પ્રવાસીઓ દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
દેશ વિદેશના પ્રવાસીઓના ફેવરિટ ગણાતા રણોત્સવની શરૂઆત થઇ ગઇ છે. રણોત્સવની મુલાકાત દરમ્યાન પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ યોજવામાં આવે છે. રણોત્સવ ૨૦૨૪-૨૫માં એડ્વેન્ચર ઝોન (૨૦ અલગ-અલગ એડ્વેન્ચર પ્રવૃત્તિઓ જેવી કે પેરા મોટરિંગ, એ.ટી.વી રાઈડ વગેરે),
ચિલ્ડ્રન એક્ટિવિટી વિથ ફન/નોલેજ પાર્ક (૧૦ અલગ-અલગ પ્રવૃત્તિઓ જેમ કે, ન્યુટ્રિશનની સમજ આપતી ગેમ અને એક્ટિવિટી, વી. આર ગેમ ઝોન વગેરે)નું આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે.
પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન તા. ૨૬ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર ૨૦૨૪ સુધી વીસ દિવસના સમયગાળામાં, રાજ્યના ૧૬ પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની ૬૧ લાખ ૭૦ હજાર ૭૧૬ લોકોએ મુલાકાત લીધી હતી.