Western Times News

Gujarati News

એક જ દિવસમાં ૫ લાખથી વધુ લોકોએ કરી હવાઈ મુસાફરીઃ ૩,૧૭૩ ફ્લાઇટ્‌સનું સંચાલન

નવી દિલ્હી, ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા ૧૭ નવેમ્બરને રવિવારે એક દિવસમાં પ્રથમ વખત પાંચ લાખના આંકને વટાવી ગઈ છે, જે એક નવો રેકોર્ડ છે. આ તહેવારો અને લગ્નની ઉજવણી વચ્ચે મુસાફરીની મજબૂત માંગ છે. ત્યારે એક જ દિવસમાં ૫ લાખથી વધુ લોકોએ હવાઈ મુસાફરી કરી રેકોર્ડ બનાવ્યો છેેે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે સાંજે એક્સ પર પોસ્ટ કર્યું હતું કે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે ૧૭ નવેમ્બરના રોજ ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પાર કર્યું હતું, જ્યારે એક જ દિવસમાં ૫,૦૫,૪૧૨ સ્થાનિક મુસાફરોએ પ્રસ્થાન કર્યું હતું.

મંત્રાલયના ડેટા અનુસાર, એરલાઇન કંપનીઓએ રવિવારે (૧૭ નવેમ્બર) ૩,૧૭૩ ફ્લાઇટ્‌સનું સંચાલન કર્યું હતું અને આ ફ્લાઇટ્‌સ દ્વારા ૫,૦૫,૪૧૨ મુસાફરોએ મુસાફરી કરી હતી. આ પહેલીવાર છે જ્યારે એક જ દિવસમાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા પાંચ લાખને પાર કરી ગઈ છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ કહ્યું કે આ આંકડા દર્શાવે છે કે હવાઈ મુસાફરી હવે વધુ લોકોની પહોંચમાં છે. તેમણે કહ્યું કે ઉડે દેશ કા આમ નાગરિક (ઉડાન) જેવી યોજનાઓને કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. પ્રાદેશિક હવાઈ જોડાણ યોજના ઓક્ટોબર ૨૦૧૬ માં શરૂ કરવામાં આવી હતી.

ટ્રાવેલ પ્લેટફોર્મ ક્લિયરટ્રિપના વાઇસ પ્રેસિડેન્ટ (એર કેટેગરી) ગૌરવ પટવારીએ જણાવ્યું હતું કે, “યાત્રીઓની સંખ્યામાં વધારો થવાનું મુખ્ય કારણ તહેવારોની માંગ અને લગ્નની શરૂઆત છે. અમને આશા છે કે શિયાળામાં પણ માંગ મજબૂત રહેશે. જો કે, તાજેતરના સમયમાં, એરલાઇન્સના ઓન-ટાઇમ ડિલિવરી રેકોર્ડને વિવિધ કારણોસર અસર થઈ છે.

રવિવારે ઈન્ડિગોનો ઓટીપી ૭૪.૨ ટકા હતો. આ પછી એલાયન્સ એર પાસે ૭૧ ટકા અને અકાસા એર પાસે ૬૭.૬ ટકા છે. અન્ય એરલાઈન્સમાં સ્પાઈસજેટ અને એર ઈન્ડિયાનો ઓટીપી અનુક્રમે ૬૬.૧ ટકા અને ૫૭.૧ ટકા હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ઓક્ટોબરમાં કહ્યું હતું કે ભારતીય એરલાઇન્સ ૨૭ ઓક્ટોબરથી શરૂ થતી શિયાળાની સિઝનમાં ૧૨૪ એરપોર્ટ પરથી દર અઠવાડિયે ૨૫,૦૦૭ ફ્લાઇટ્‌સનું સંચાલન કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.