Western Times News

Gujarati News

વસ્તી વધારા અંગે મોહન ભાગવતના નિવેદનથી રાજકીય પક્ષોમાં ચર્ચા છેડાઇ

નવી દિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના વડા મોહન ભાગવતે રવિવારે ભારતના ઘટી રહેલા પ્રજનન દર અને તેના કારણે ઘટી રહેલી વસ્તીની સંખ્યાને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેના એક દિવસ પછી સોમવારે ભાજપે સોમવારે ભાગવતની ટિપ્પણીનું સ્વાગત કર્યું છે.

જ્યારે વિપક્ષોએ સવાલ કર્યાે છે કે, ‘‘વધી રહેલી વસ્તીની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સંસાધનો કયાંથી આવશે. ખાદ્ય સામગ્રીની કિંમતો ઉચ્ચસ્તર પર છે, અને સરકાર લોકો માટે રોજગારીની તકો પેદા કરવામાં નિષ્ફળ રહી છે.’’

રવિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં મોહન ભાગવતે પરિવારોની મહત્વપૂર્ણ ભૂમિકા પર વાત કરીને ચેતવણી આપી કે ‘‘પોપ્યુલેશન સાયન્સ અનુસાર જો કોઈ પણ સમાજનો કુલ પ્રજનન દર ૨.૧ ટકાથી નીચે આવે છે, તો એ સમાજ લુપ્ત થઈ જાય છે. એટલા માટે જ્યારે અમે ૨.૧ કહીએ છીએ, તો તેનો અર્થ છે કે આ દર વધુ હોવો જોઈએ, ઓછામાં ઓછો ત્રણ બાળકો. પોપ્યુલેશન સાયન્સ પણ આજ કહે છે.’’

મોહન ભાગવતની ટિપ્પણી અંગેના પ્રશ્નના જવાબમાં ભાજપના સાંસદ નેતા મનોજ તિવારીએ કહ્યું કે, ‘‘મોહન ભાગવતજીએ કંઇ પણ કહ્યું છે તો એ નિશ્ચિત પણે રાષ્ટ્રીય હિતમાં હશે. એટલા માટે તેમના વાત વિશે હકારાત્મક વિશ્લેષણ કરવું જોઈએ.’’

જ્યારે મેરઠના ભાજપના સાંસદ અરુણ ગોવિલે એમ કહ્યું કે, ‘‘ભાગવત – એક પરિવક્વ વ્યક્તિ છે, જો ભાગવતજીએ નિવેદન આપ્યું છે તો એ દેશના હિતમાં છે અને એ યોગ્ય જ હશે.’’

વિપક્ષના સાંસદોમાંથી કટિહારના કોંગ્રેસના સાંસદ તારિક અનવરે પ્રશ્ન ઉઠાવીને કહ્યું કે, ‘ભાગવતની ટિપ્પણી વસ્તીના મુદ્દા પર ભાજપના નેતાઓની વાતથી વિપરિત છે. ભાગવત જે કહી રહ્યા છે એ વિરોધાભાસી છે, કારણ કે ભાજપના નેતાઓ એમ કહી રહ્યા છે કે વસ્તીનું નિયંત્રણ થવું જોઈએ.’’

આઝાદ સમાજ પાર્ટી(કાંશીરામ)ના સાંસદ ચંદ્રશેખરે કહ્યું કે, ‘‘વધી રહેલી વસ્તીના આધાર આપવા માટે વધારાના સંસાધનો કયાંથી આવશે. આવા નિવેદન રાજકીય એજન્ડા અંતર્ગત આવે છે અને લોકોએ તેની કિંમત ચૂકવવી પડે છે.’’કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીએ જણાવ્યું કે, ‘‘હું મોહન ભાગવતજીનું સન્માન કરું છું, પરંતુ તેમને બાળકોના પાલન-પોષણનો શું અનુભવ છે? લોકોને વધારે બાળકોની જરુરિયાત શું છે?’’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.