ત્રણ શખ્સોએ ધમકી આપતા યુવકે સ્મશાનમાં જઇને આપઘાતનો પ્રયાસ કર્યાે
અમદાવાદ, અમદાવાદ ગ્રામ્યના બાવળામાં રહેતા યુવકે થોડા સમય પહેલા બે લોકો પાસેથી ઉછીના નાણાં લીધા હતા. બાદમાં તે આર્થિક ભીંસમાં આવી જતા નાણાં ચૂકવી શક્યો નહોતો. બીજીબાજુ નાણાં આપનારા શખ્સો તેની પાસે ઉઘરાણી કરી ધમકીઓ આપતા હતા.
જેથી કંટાળીને યુવકે સ્મશાનમાં જઇને અનાજમાં નાખવાની ગોળી ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યાે હતો. આ મામલે બાવળા પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાવળામાં રહેતા બિપીનભાઇ સથવારાએ થોડા સમય પહેલા જામભા નામના વ્યક્તિ પાસે ૧૪ હજાર, કરણસિંહ પાસે ૨૫ હજાર ઉછીના લીધા હતા.
જામભા અને કરણસિંહ અવાર નવાર બિપીનભાઇ પાસે નાણાંની ઉઘરાણી કરતા હતા. બિપીનભાઇએ સગવડ થશે ત્યારે નાણાં પરત આપવાનું કહેતા આ બંને શખ્સો જાનથી પતાવી દેવાની ધમકી આપતા હતા. આટલું જ નહિ કરણસિંહ નામના શખ્સે ઘરમાં પડેલો સામાન લઇ જવાની ધમકી આપી હતી.
જ્યારે બિપીનભાઇ જામભાના ફોન ન ઉપાડે ત્યારે સગુ નામનો શખ્સ લોકેશન આપીને મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી કંટાળીને બિપીનભાઇ બાવળા રાશમ રોડ પર આવેલા સ્મશાનમાં ગયા હતા. ત્યાં તેમણે અનાજમાં નાખવાની ગોળી ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યાે હતો. બિપીનભાઇની તબિયત લથડતા તેમને સારવાર માટે ખસેડ્યા હતા. બીજી બાજુ પોલીસને જાણ કરાતા બાવળા પોલીસે જામભા, કરણસિંહ અને સગુ સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.SS1MS