અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ થતાં ૪ કામદારોના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/detoxindia.jpg)
ભરૂચ, અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે.અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારનાં મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય કામદારો ઈજાગ્રસ્ત થયા છે.બ્લાસ્ટના પગલે સેફટી એન્ડ હેલ્થ વિભાગ,જીપીસીબી અને પોલીસ સહિતની વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. Detox India Ankleshwar GIDC
કંપની ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટના નિકાલનું કામ કરતી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે પ્રોસેસ દરમ્યાન એમ ઈ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઈપ ફાટતાં બ્લાસ્ટની ઘટના બનતાં દોડધામ મચી જવા પામી હતી.પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં કંપનીના પ્લાન્ટમાં ફિડ ટેન્ક પર રેલીંગ લગાવવાની કામગીરી ચાલી રહી હતી.
જેમાં રેલીંગ માટે કામદારો વેલ્ડિંગ કરી રહ્યા હતા તે દરમ્યાન અચાનક બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરતા ચાર કામદારનાં મોત નીપજ્યા હતા. અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ધટના બાદ એક કામદારનું મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો હતો.બલાસ્ટમાં મૃતદેહ ફંગોળાયો હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે.આ દુર્ઘટના બાદ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામા મચવ્યો હતો.
આ દુર્ઘટનાને લઈ એક કામદારે જણાવ્યું હતું કે, ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયું હતું.જેમાં ૧૦થી ૧૨ લોકો મળી રહ્યાં નથી.જેમાં અંદરથી એવા સમાચાર મળી રહ્યાં છે કે બોડી મળી નથી રહી અને તેઓનું મૃત્યુ થયું છે. મેનેજમેન્ટ જોકે સવારની ઘટના ઘટી હતી પરંતુ હજુ સુધી તેમની ગણતરી જ ચાલી રહી છે અને તેઓ ક્યાં ગયા તે બતાવી પણ રહ્યાં નથી.
ધીરે ધીરે તેઓ બોડી બહાર કાઢે છે.એક બોડી જંગલમાંથી મળી છે જે અત્યારે મળી છે. બ્લાસ્ટ થયું અને જ્યાંથી બોડી મળી છે તે બંને વચ્ચે અંદાજે ૧૦૦ મીટર જેટલું અંતર છે તો આટલી દૂર બોડી કેવી રીતે પહોંચી અને એક જ લાશ કેમ ગઈ, બાકીના ૧૦-૧૨ લોકો ક્યાં છે? તેઓનું કંઈ જ અતોપતો નથી. આ કંપની તેઓને છુપાવવાની કોશિશ કરી રહી છે. કોઈ કંઈ જ બતાવી રહ્યું નથી.
કામદારે એવો આક્ષેપ પણ લગાવ્યો હતો કે કંપની ધીરે ધીરે ૩-૪ લોકોની લાશને બાયપાસ કરી રહી છે.જેમના સંબધી છે તેઓ આવશે અને જેમના સંબધી નહીં હોય તે શું કરશે.કંપની આવી અને કહે કે શું થયું કેટલા લોકો હતા,કેટલાના મોત થયા.
જે હિસાબે બ્લાસ્ટ થયું તે જોતા તો કોઈ બચ્યું નહીં હોય. કેમ કે કોઈનું હાથ મળી રહ્યું છે, કોઈનું પગ મળી રહ્યું છે, કોઈનું ગળું મળી રહ્યું છે અને કોઈનું કમરની નીચેનું ભાગ મળી રહ્યું છે. બનાવની જાણ થતાંની સાથે જ ફાયર ફાઈટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગ,જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.