ડો. સંજય પટોળિયાએ ફોન ચાલુ કર્યો અને લોકેશનના આધારે પોલીસે ઝડપી લીધો
ખ્યાતિકાંડમાં ડૉ.સંજય પટોળિયાને ઝડપી લેવાયો-સંજય પટોળિયાની હાજર થવાની ઓફર ક્રાઈમ બ્રાન્ચે ઠુકરાવી હતી
(એજન્સી)અમદાવાદ, દેશભરમાં ચકચાર મચાવનાર ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના કાંડમાં સંડોવાયેલા આરોપી ડૉ.સંજય પટોળિયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ડૉ.સંજય પટોળિયા ખ્યાતિકાંડ સામે આવ્યો ત્યારથી જ અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો અને તેને ઝડપી લેવા માટે ક્રાઈમ બ્રાન્ચે કમર કસી હતી. ધરપકડથી બચવા માટે સંજય પટોળિયાએ આગોતરા જામીન અરજી પણ કરી હતી, જે ગઈ કાલે રદ થઈ હતી.
સંજય પટોળિયાએ ગઈકાલે તેનો ફોન ચાલુ કર્યો હતો જ્યાં ક્રાઈમ બ્રાન્ચે તેને ટ્રેસ કરીને સોલાથી ઝડપી લીધો છે. જામીન અરજી રદ થયા બાદ સંજય ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ ક્રાઈમ બ્રાન્ચે તેની ઓફર ઠુકરાવી હતી. આજે ક્રાઈમ બ્રાન્ચ સંજય પટોળિયાની સ્પેશિયલ ખાતરદારી કરશે. હજુ આ ચમચારી કાંડના માસ્ટર માઈન્ડ કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી ફરાર છે.
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મૃત્યુ બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદો નોંધાઈ હતી. જેમાં એક ફરિયાદ સરકાર દ્વારા નિમાયેલા ડૉક્ટરે કરી હતી જ્યારે બે ફરિયાદ મૃતકના સગાઓએ કરી હતી. ત્રણેય ફરિયાદોમાં ડૉ.પ્રશાંત વજીરાણી, ચિરાગ રાજપૂત, કાર્તિક પટેલ, ડૉ.સંજય પટોળિયા અને રાજશ્રી કોઠારી આરોપી હતા. આ કેસની તપાસ પહેલાં વસ્ત્રાપુર પોલીસે પહેલાં ડૉ.પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી હતી.
ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, મિલિંદ પટેલ, પ્રતિક અને પંકિલની ધરપકડ કરી હતી. રાહુલ જૈનની ઉદયપુરથી જ્યારે અન્ય ચાર આરોપીને ખેડાના કપડવંજ પાસેના એક ફાર્મમાંથી ઝડપી પાડયા હતા. પોલીસ તેમના સુધી પહોંચી ન શકે એ માટે રશિયન અને ચાઈનીઝ એપની મદદથી વાતચીત કરતાં હોવાનું સામે આવ્યું હતું.
આ દરમિયાન સંજય પટોળિયાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ કેસમાં સરકાર દ્વારા નિમાયેલા સ્પેશિયલ સરકારી વકીલ વિજય બારોટ આગોતરા જામીન મામલે રજૂઆત કરી હતી કે સંજય પટોળિયાએ પહેલાં નામી ડેવલપર લિમિટેડ નામે કંપની ખોલી હતી. ત્યારબાદ તેનો હેતુ અને નામ બદલીને અમદાવાદ બેરિયાટ્રીક આપ્યું હતું.
જેનું નામ એશિયન બેરિયાટ્રીક હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું જેમાં ચિરાગ રાજપૂત, કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી પાર્ટનરશીપમાં આવતા ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરાઈ હતી. ખ્યાતિના ડાયરેકટર તરીકે અરજદારનો ભાગ ૩૦.૮પ ટકા છે જ્યારે તેની પત્નીનો ભાગ ૮.૩૭ ટકા છે. ખ્યાતિ હોસ્પિટલમાં સર્જરીની જરૂરન હોવા છતાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને તેમાં બે દર્દીઓના જીવ ગયા હતા.
પાંચ જ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પીએમ-જય યોજના અંતર્ગત ૩પ૩પ જેટલા કલેમ મૂકવામાં આવ્યા હતા. જેમાંથી ૩પ૧૩ કલેમ દ્વારા ૧૬.૬૪ કરોડ રૂપિયા મેળવ્યા હતા. બન્ને પતિ-પત્નીનો હોસ્પિટલમાં કુલ ૩૯ ટકા જેટલો ભાગ છે.
બન્ને પક્ષની દલીલો સાંભળીને કોર્ટે નોંધ્યું હતું કે, હોસ્પિટલ તંત્ર દ્વારા લોકોને ડરાવીને ખોટી રીતે સર્જરી કરવામાં આવી હતી. તપાસ અત્યારે મહત્ત્વના સ્ટેજ ઉપર છે. પીએમ-જય યોજના સાથે સંકળાયેલા અધિકારીઓની પણ તપાસ થઈરહી છે ત્યારે આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ કરવી જરૂર હોવાથી આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં. કોર્ટે જામીન અરજી રદ કરતાંની સાથે સંજય પટોળિયાએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થવાનું નક્કી કર્યું હતું.
સંજય પટોળિયાએ પોતાના ઓળખીતા મારફતે હાજર થવાની ઓફર આપી હતી પરંતુ ક્રાઈમ બ્રાન્ચે તે ઓફર ઠુકરાવી હતી. સંજય પટોળિયાએ પોતાનો ફોન ચાલુ કર્યો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચે તેને લોકેશનના આધારે ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચે સંજય પટોળિયાની સોલા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આજે સંજય પટોળિયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્પેશિયલ ખાતરદારી પણ કરવામાં આવશે.