અમદાવાદ શહેર પોલીસ કોમ્બીંગ નાઈટમાં દારૂડિયા ઝડપાયા, બુટલેગરો નહીં !
ખાનગી વાહનો ડીટેઈન થયાઃ ઓટો રીક્ષા ચાલકો સામે કોઈ કાર્યવાહી નહી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર પોલીસ ‘દિવસે કરવાના કામ રાત્રે કરી રહી છે’ તેવો માહોલ છેલ્લા આઠ દસ દિવસથી જોવા મળી રહયો છે. શહેરના વાહન ચાલકોના લાયસન્સ, આરસી બુક વગેરેની ચકાસણી દિવસે કરવાના બદલે પોલીસ વિભાગ દ્વારા રાત્રે કરવામાં આવી રહી છે. આ બાબત સામાન્ય નાગરિકની સમજથી બહાર છે.
શહેરમાં સતત વધતી જતી ગુનાખોરીને નિયંત્રણમાં લેવા માટે કે પછી આવી ગુનાખોરી તરફથી નાગરિકોનું ધ્યાન અન્યત્ર ડાયવર્ટ કરવા માટે પોલીસ વિભાગ દ્વારા ર૪ નવેમ્બરથી કોમ્બીંગ નાઈટ શરૂ કરવામાં આવી છે જેમાં માત્ર ને માત્ર નિર્દોષ નાગરિકો જ દંડાઈ રહયા હોય તેવી ચર્ચા પણ શહેરભરમાં ચાલી રહી છે.
અમદાવાદ શહેરમાં મર્ડર, હિટ એન્ડ રન, લૂંટફાટ અને ચોરી, બેરોકટોક વેચાણ થતા દારૂ અને અન્ય પ્રકારના માદક દ્રવ્યો વગેરેના નિયંત્રણમાં લેવાના કારણો દર્શાવી પોલીસ વિભાગ તરફથી કોમ્બીંગ નાઈટ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ કોમ્બીંગ નાઈટ માત્ર ખાનગી વાહનચાલકો માટે જ શરૂ કરવામાં આવી હોય તેવો માહોલ જોવા મળી રહયો છે.
પોલીસ વિભાગ દ્વારા સાંજના ૭ વાગ્યાથી મોડી રાત સુધી દ્વિચક્રી ગાડી એન સ્કુટર જેવા વાહનોને તેમના ડોકયુમેન્ટની ચકાસણી માટે રોકવામાં આવે છે અને જો કોઈ એકાદ ડોકયુમેન્ટ ઓછુ હોય તેવા સંજોગોમાં વાહનને ડીટેઈન કરવામાં આવે છે. જેને છોડાવવામાં વાહન માલિકને બીજો દિવસ માત્ર લાઈનમાં જ પૂર્ણ થઈ જાય છે.
અહીં પ્રશ્ન એ થાય છે કે શું ગુનેગારો માત્ર સ્કુટર, બાઈક કે ગાડી લઈને જ આવતા હશે. કોમ્બીંગ નાઈટ દરમિયાન કેટલી ઓટો રીક્ષાના ડોકયુમેન્ટની ચકાસણી થઈ અને કેટલી ઓટો રીક્ષા ડીટેઈન કરવામાં આવી તેના આંકડા પણ પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે તેવી માંગણી પણ નિર્દોષ નાગરિકો કરી રહયા છે.
શહેર પોલીસ વિભાગની કોમ્બીંગ નાઈટ દરમિયાન દરરોજ ર૦૦ થી ૩૦૦ દારૂડીયા ઝડપાયા હોવાના આંકડા જાહેર થાય છે પરંતુ આ લોકો ક્યાંથી દારૂ લાવીને પીવે છે તેની પુછપરછ કરવાની તસ્દી કદાચ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી નહી હોય. કારણ કે કોમ્બીંગ નાઈટ દરમિયાન માત્ર દારૂડિયાઓજ પકડાયા છે પરંતુ દારૂનું બેરોકટોક વેચાણ કરતા બુટલેગરો સામે હજી સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી.
શરમજનક બાબત એ છે કે ડ્રાય સ્ટેટમાં જ દર વર્ષે રપ થી ૩૧ ડીસેમ્બર દરમિયાન દારૂડીયાઓને પકડવા માટેની ગાડી જેવા બેનર લગાવી પોલીસના વાહનો ફરતા હોય છે. ખરેખર તો કોઈ એક દારૂડીયો ઝડપાય ત્યારે તેણે જયાંથી ખરીદયો હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ અથવા જો બહારના રાજયમાંથી દારૂ લઈને આવ્યો હોય તો તે જે વિસ્તારમાંથી પસાર થયો હોય ત્યાંના પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી લાગણી પણ ગભરૂ નાગરિકો કરી રહયા છે.
શહેર પોલીસ વિભાગની કોમ્બીંગ નાઈટ ઝુંબેશ ખરેખર જોવા જઈએ તો પોલીસ વિભાગની નિષ્ફળતા જ ઉજાગર કરી રહી છે. ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓ અને ટીઆરબી જવાનો દિવસ દરમિયાન ટ્રાફિકનું યોગ્ય રીતે સંકલન કરી શકતા નથી અને નાગરિકોને ગંભીર ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો અપાવી શકતા નથી તેમ છતાં છેલ્લા ૧૦ દિવસથી રોજ કોમ્બીંગ નાઈટના નામે ખાનગી વાહન ચાલકો પર જોહુકમી કરી રહયા હોય તેવો અહેસાસ નાગરિકોને થઈ રહયો છે.
જો ટ્રાફિક કર્મચારીઓ અને ટીઆરબી જવાનો દિવસ દરમિયાન હેલ્મેટ, લાયસન્સ વિગેરે બાબતે યોગ્ય ચકાસણી કરતા હોય તો આવી કોમ્બીંગ નાઈટની જરૂરિયાત રહે નહી અને કોમ્બીંગ નાઈટમાં લાયસન્સ, પીયુસી કે આરસી બુકની ચકાસણી કરવાથી જ ગુનગારો ઝડપાઈ જતા હોય તેવા કિસ્સા જ્વલ્લે જ જોવા મળે છે. ખરેખર તો દિવા નીચે અંધારુ કહેવત પોલીસ વિભાગને લાગુ પડી રહી છે.
થોડા દિવસ પહેલા કોમ્બીંગ નાઈટ દરમિયાન અમદાવાદમાંથી જ પસાર થઈ દારૂ ભરેલી ગાડી ચોટીલા સુધી પહોચી ગઈ હતી જેને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પકડવામાં આવી હતી.