Western Times News

Gujarati News

હિન્દુસ્તાનના પ્રથમ શહીદ મણીરામ એક સમયે અંગ્રેજોને સહકાર આપતાઃ પછી દેશ માટે ફાંસીએ ચડી ગયા

દીવાન મણીરામ બરુઆ અંગ્રેજોને ખટક્યા તો ફાંસીએ ચડાવી દીધા-હિન્દુસ્તાનમાં ચાના બગીચા પહેલીવાર તેમણે ઉભા કર્યા હતા

અંગ્રેજોની ચુંગાલમાંથી હિન્દુસ્તાનને છોડાવવા સેંકડો યુવાનો માતૃભૂમિને સમર્પિત થઈ ગયા. દેશના દરેક ભાગમાં દેશભક્તો ખુલ્લેઆમ લડતા હતા. અત્યારનું પૂર્વોત્તર ભારત એ સમયે અલગ નકશો ધરાવતું હતું. પૂર્વોત્તરમાં પણ ચીનગારી ભડકો થઈ ગઈ હતી. એક સમયે અંગ્રેજોને સહયોગ કરનાર પછી દેશ માટે ફાંસીએ ચડી ગયા અને પૂર્વોત્તર હિન્દુસ્તાનના પ્રથમ શહીદ કહેવાય. આ વ્યક્તિનું નામ, મણીરામ દત્તા બરુઆ હતું.

આમ તો અંગ્રેજો હિન્દુસ્તાનમાં આવ્યા પછી જ દેશમાં ચાનો વ્યાપ વધ્યો. અંગ્રેજોના આગમન પહેલા હિન્દુસ્તાનમાં ચા અજાણ પીણું હતું. મણીરામ દત્તા બરુઆ એ વ્યક્તિ હતા. જેમણે હિન્દુસ્તાનની ધરતી ઉપર પ્રથમવાર ચાના બગીચા લગાવ્યા હતા.

૧૭ એપ્રિલ, ૧૮૦૬માં આસામના જોરહટ જિલ્લામાં તેમનો જન્મ થયો અને ર૬ ફેબ્રુઆરી, ૧૮પ૮ના રોજ અંગ્રેજોએ તેમને ફાંસીએ ચડાવી દીધા. મણીરામના પિતા શ્રીરામ દત્તા બરુઆ અસામના એ સમયના અહોમ રાજા કમલેશ્વરસિંહના દરબારી હતા. પુત્ર મણીરામને તેમણે ઉત્તમ કેળવણી આપી તેથી મણીરામ અંગ્રેજી અને ફારસીમાં પણ પારંગત થઈ ગયા હતા.

કહેવાય છે કે, ઠોકર ખાવાથી અક્કલ આવે છે, તેવું જ મણીરામ સાથે થયું હતું. અસામના અહોમ રાજયને એ સમયના બર્માના રાજાએ પોતાના કબજામાં લઈ લીધું. મણીરામ અને તેમના પરિવાર ઉપર ભારે જોખમ આવી ગયું હતું. આ સમયે જ અંગ્રેજો અસામાને પોતાના કબજામાં લેવા કાવાદાવા કરતા હતા. એ મોકો જોઈ મણીરામે અંગ્રેજોને સહયોગ આપ્યો. અંગ્રેજોએ મણીરામને યુવાન વયે જ હોદ્દેદાર બનાવી દીધા.

અંગ્રેજો એ અસામના રાજા પુરેન્દ્રસિંહનો સ્વીકાર કરી લેતા ૧૮૩૩થી ૧૮૩૮ સુધી મણીરામ ત્યાં દીવાન તરીકે નિયુકત થયા હતા. આ સમયે જ અંગ્રેજો ચા માટે તડપતા હતા. મણીરામે સ્થિતિ જોઈ ૧૮૪૩માં અસામ કંપનીની નોકરી ત્યજી ચાના બગીચા બનાવવાની તૈયારી શરૂ કરી. અંગ્રેજોએ મણીરામની આ પ્રવૃત્તિને તેમના તરફી વફાદારી ન રહ્યાના સ્વરૂપે જોઈ. મણીરામ ચાના બગીચા લગાવતા હતા એ અંગ્રેજોને જરા પણ પસંદ ન પડ્યું.

આમ છતાં મણીરામે ૧૮૪પમાં જોરહટ પાસે ચાનો પહેલો બગીચો બનાવી જ લીધો. આમ તેઓ ચા બનાવનાર પહેલા ભારતીય બની ગયા. આ માટે તેમણે ચીનના તજજ્ઞોની પણ સહાય લીધી હતી. ચીનના લોકોની હાજરીના કારણે ચાના આ બગીચા સિન્નામારા કહેવાયા જે અત્યારે ચિન્નામારા તરીકે ઓળખાય છે.

મણીરામ કુશાગ્ર બુદ્ધિના હતા. તેમણે વિચક્ષણતાથી માત્ર ચા જ નહી મીઠું, લોખંડ સહિતના ઉદ્યોગો શરૂ કરી દીધા. મણીરામના વેપાર-ઉદ્યોગ અંગ્રેજોને નુકસાનકર્તા બની ગયા હતા. મણીરામની આ દેશભક્તિ તેમને ખટકવા લાગી હતી. મણીરામ તો આગ ળવધતા જ જતા હતા. તેમણે ઈંટ અને સિરેમિક ઉદ્યોગ પણ શરૂ કરી દીધા. અંગ્રેજોએ મણીરામને આગળ વધતા રોકયા ૧૮પ૧માં તેમના વેપાર ઉદ્યોગ ઉપર કબજો કરી લીધો. મણીરામ આ સમયે અદાલતમાં ગયા પણ કોર્ટ અંગ્રેજો તરફી જ હોવાથી ન્યાય ન મળ્યો.

આ દરમિયાન મુખ્યત્વે ઉત્તર ભારતની ક્રાંતિકારીઓએ જાગૃતિ ફેલાવી અને ચોમેર ફેલાઈ રહી હતી. મણીરામે પૂર્વોત્તરમાં અંગ્રેજો વિરૂદ્ધ લડવા રણશીંગુ ફૂંકી દીધું.
અહોમ રાજા અને સૈનિકો તેમજ જનજાતિના લોકોએ તેમને સહયોગ આપી દીધો. મણીરામ દીવાન અંગ્રેજો સામે લડવા સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધી રહ્યા હતા તેની જાણ થઈ જતા અંગ્રેજોએ તેમને પકડી લીધા.

૧૮પ૭માં દેશભરમાં ક્રાંતિની આગ ફેલાઈ ચૂકી હતી. પૂર્વોત્તરમાં મોટી ઘટનાઓ બને એ પહેલા મણીરામને કેદ કરી લીધા. તાબડતોબ કેસ ચલાવી ર૮ ફેબ્રુઆરી, ૧૮પ૮ના રોજ ફાંસીએ ચડાવી દેવાય. આમ ૧૮પ૭ની જવાળામાં મણીરામ પૂર્વોત્તરના પ્રથમ શહીદનું નામ પામ્યા. જોરહટમાં આજે પણ તેમના નામે ચોક છે જે અત્યારે બરુઆ ચારીઆલી કહેવાય છે તેમની પ્રતિમા પણ યુવાનોને પ્રેરણા આપતી ઉભી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.