Western Times News

Gujarati News

વૈચારિક પરિપકવતા એટલે વિચારશક્તિને અપાયેલો યોગ્ય દિશાનિર્દેશ

વિચારોનું બળ સંસારનું સર્વશ્રેષ્ઠ બળ છે. વિચાર એ વ્યક્તિની માનસિક જાગૃત શક્તિનું સૂચક છે. મોટાભાગે પશુઓ વિચારશક્તિ વગરનાં હોય છે, એટલા માટે તેઓ પરસ્પર તેમની ભાવનાઓનું આદાનપ્રદાન માનવી જેટલું નથી કરી શકતાં. તેમની કોઈ પ્રમાણભૂત લિપિ નથી કે ભાષા પણ નથી. તેમની વાચા એ પરસ્પર ની લાગણીઓ સાથે જોડાયેલી હોય છે,તેથી જ કોઈ પ્રકારે સંગઠન બનાવીને તેમના પ્રત્યે થતા અત્યાચારોનો તેઓ વિરોધ કરી શકતા નથી.

તેઓને અપાતી પીડા તમામ હદ વટાવી જાય તોય તેઓ તેનો વિરોધ નથી કરી શકતા.શારીરિક રીતે મનુષ્યથી વધુ તેઓ મજબૂત અને બળવાન હોવા છતાં પણ પરાધીન છે.સર્ક્સમાં કામ કરતાં હિંસક પ્રાણીઓ એક રિંગ માસ્ટર ના ઈશારે કરતબ કરતાં જોવા મળે છે. હાથી કે હિપોપોટેમસના વજન અને ક્ષમતા વિષે કોણ અજાણ છે?
પણ, વિચારશક્તિના અભાવને લીધે તેમનો જીવનક્રમ એક બહુ નાની સીમામાં બંધાયેલો રહે છે.

મનુષ્યના ઈશારે કામ કરનારા પશુઓ બોલી નથી શકતા એ તેઓની સૌથી મોટી કમી છે. ખોરાક જયારે સરળતાથી મળી જાય ત્યારે, તેઓની શરણગતિ સ્વીકારવાની વૃત્તિ એમને સંપૂર્ણપણે પરવશ બનાવી દે છે. તેઓ ખોરાકની કિંમત કરતબ બતાવીને ચૂકવે છે.

જયારે,વાંકીચૂકી, ઉબડ-ખાબડ ધરતીને વ્યવસ્થિત અને સુસજ્જિત રૂપ આપવાનું શ્રેય મનુષ્યને છે. ઘર, ગામ, શહેર, દેશ વગેરેની રચના સુવિધા અને વ્યવસ્થાની દૃષ્ટિએ કેટલી અનુકૂળ છે.

આપણી ઇચ્છાઓ અને ભાવનાઓ બીજા સામે પ્રગટ કરવા માટે ભાષા, સાહિત્ય અને લિપિનું મહત્ત્વ કોઈનાથી છૂપું નથી. આધ્યાત્મિક અભિવ્યક્તિ અને સાંસારિક આનંદ પ્રાપ્ત કરવા માટે કલા, કૌશલ, લેખન, પ્રકાશનની કેટલીય સુવિધાઓ આજે ઉપલબ્ધ છે.

આ બધું મનુષ્યની વિચારશક્તિનું પરિણામ છે. મનુષ્યને જ્ઞાન ન મળ્યું હોત તો તે પણ રીંછ અને વાનરની જેમ જંગલમાં ઘૂમતો હોત.

જેના જીવનમાં ઉદેશ્ય નથી તેનામાં અને પશુમાં કોઈ તફાવત નથી.માનવીને સૃષ્ટિ તરફથી અનોખી ક્ષમતા અને શ્રેષ્ઠતા મળી છે. મનુષ્યની વિચારશક્તિ સૌથી મજબૂત ઈશ્વરીય વરદાન છે. વિચારોનો ઉપયોગ નિઃસંદેહ અનુપમ છે.

વિચારશક્તિને સાચી દિશામાં કેવી રીતે વાળવી એ સમજણ કેળવવી જરૂર અઘરી છે. વિચારશક્તિ ની સાથે સાથે માનવીને જીવવા માટે પ્રેમ અને સદ્દભાવ પણ એટલાજ અગત્યના છે.એનું યોગ્ય સંયોજન બહુ ઓછા લોકો કરી શકે છે.

મનુષ્ય પોતે વિચારોની વિશિષ્ટ શક્તિનો સ્વામી હોવા છતાં પણ તેનું જીવન ઉદ્દેશ્ય વગરનું જોવા મળે તો તેને દુર્ભાગ્ય જ કહેવામાં આવશે. જે કાર્યોમાં સૂઝ ન હોય, વિશિષ્ટ આધાર ન હોય તે જીવનને પશુ- જીવન કહીએ તો તેમાં અતિશયોક્તિ ક્યાં છે ? “ઉદ્દેશય હીન પશુભિઃ સમાનાઃ”એમાંય જો માનવીનો ઉદ્દેશય સમાજકલ્યાણનો હોય તો,તો… પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધ બન્ને મળે છે.

હવાઈ જહાજ નિરાધાર આકાશમાં ઊડે છે. તેને નક્કી સ્થાને પહોંચવાનો નિર્દેશ ન મળે તો તે ક્યાંથી ક્યાં ભટકી જશે. હોકાયંત્રની સોય વિમાનચાલકને જણાવ્યા કરે છે કે તેને કઈ દિશામાં જવાનું છે. આ નિર્દેશને આધારે જ તે સેંકડો માઈલનો રસ્તો પાર કરી લે છે. વિચારને સાચી ગતિ ત્યારે જ મળે છે જયારે એને યોગ્ય માર્ગદર્શન મળે. વ્યક્તિએ પોતાની શ્રેષ્ઠતાને કાયમ રાખવા વિચારોમાં શક્તિનો સંચાર કરવો જોઈએ જેથી કરીને કાર્ય, લક્ષ્ય કે ઉદ્દેશની વિશિષ્ટ સૂક્ષ્મતાઓ સમજવામાં સરળતા રહે,આ અવસ્થા વ્યક્તિની વૈચારિક પરિપકવતાની નિશાની છે.

કુદરતની વાત કરીયે તો,પ્રત્યેક કુદરતી પદાર્થ કોઈ ઉદ્દેશ્યથી પૃથ્વી પર નિર્મિત કરાયેલો છે. સૂર્ય રોજ આકાશમાં ઉગે છે અને લોકોને પ્રકાશ, ગરમી અને ‘જીવન આપવાનું પોતાનું લક્ષ્ય પૂરું કરે છે. વૃક્ષ, વનસ્પતિ, વાયુ, જળ, સમુદ્ર, નદીઓ બધું જ કોઈને કોઈ લક્ષ્યને લઈને આગળ ધપી રહ્યું છે. આ સંસારમાં આ વ્યવસ્થા છે ત્યાં સુધી દરેક વસ્તુ દરેક પદાર્થ પોતાની અવસ્થા પ્રમાણે પોતાના કર્તવ્ય કર્મ પર સ્થિર થયા કરે છે.

માનવજીવનને સરળ અને સુખમય બનાવવા ઈશ્વરીય શક્તિ પ્રયાસ કરતી હોય એવા પ્રસંગો આપણે વારંવાર નિહાળીયે જ છીએ. બીજી તરફ મનુષ્યની વધારે પડતી કુદરત જોડેની કરાયેલી અક્ષમ્ય છેડછાડનો પણ મજબૂત જવાબ પણ ઈશ્વરીય શક્તિ સમયાંતરે આપી જ દે છે.ચેતવણી ગણો કે નારાજગી ગણો કુદરત મનુષ્યને શબ્દો વગર પણ જણાવી દે છે કે, હવે બંધ કરો નહીંતો વિનાશ નિશ્ચિત છે.

જયારે આપણો ઉદ્દેશ્ય જીવનમાંથી કાંઈક મેળવવાનો હોય , તો અત્યારથી જ તેની પૂર્તિમાં લાગી જવું જોઈએ.. એકવાર લક્ષ્ય નક્કી કર્યા પછી આપણા બધા પ્રયત્નો તેમાં લગાવી દઈએ. આપણા ધૈર્યથી વિચલિત ન બનીએ, જે રસ્તો પકડ્‌યો છે તેની પર દૃઢતાથી ચાલતા રહીએ.

જો એ વિચાર કરી લીધો કે આપણો ઉદ્દેશ્ય શુભતાભર્યો છે,તો અત્યારથી જ તમામ પાસાઓ વિષે વિચારવા લાગી જઈએ. એકવાર લક્ષ્ય નક્કી કર્યા પછી આપની વિચારશક્તિની ધાર કાઢી,દરેક કોશિશમાં પ્રાણ પુરી દઈએ. આપણા ધૈર્યથી ક્યારેય ડગી ન જઈએ, જે રસ્તો પકડ્‌યો છે તેની પર દૃઢતાથી ચાલતા રહીએ. ત્યારે જોજો કે તમે કેટલી ઝડપથી પોતાનું જીવનલક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો.

“ન નિશ્ચિન્તાથાં વિ૨મન્તિ ધી૨” અર્થાત્ મહાપુરુષોનું એ મુખ્ય લક્ષણ છે, કે તે પોતાના જીવન-ઉદ્દેશ્યથી કદી ડગતા નથી. મહાપુરુષોના જીવનમાં ઉદ્દેશ્યની એકતા અને તલ્લીનતા, લગન અવિરત પણે હાજરી પુરાવ્યા કરે છે…તેને કઈ દિશામાં કેટલે સુધી અને ક્યારે જવાનું છે? આ નિર્દેશને આધારે જ તે સેંકડો માઈલનો રસ્તો પાર કરી લે છે.

માનવી હોય કે પછી કુદરત, કોઈને કોઈ લક્ષ્યને પૂર્ણ કરવા અસ્તિત્વ ધરાવે છે.આ સંસારમાં આ વ્યવસ્થા છે ત્યાં સુધી દરેક વસ્તુ દરેક પદાર્થ પોતાની અવસ્થા પ્રમાણે પોતાના કર્તવ્ય કર્મ પર સ્થિર છે. વ્યક્તિનો નૈતિક વિકાસ અને ચારિત્ર્યનું ઘડતર ઉદેશ્યના અગ્નિ પર તપાવીને આકાર ધારણ કરે છે. બસ, આજ છે વ્યક્તિની વૈચારિક પરિપકવતા… જેને સૌ કોઈએ કેળવવી રહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.