પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે ગુનેગારોને ઝડપી લેવા માટે હવે પેટર્ન બદલી
દારૂડિયાઓને પકડી પાડવા અભિયાન શરૂ કરાશે
અમદાવાદ, દારૂ પાર્ટી કર્યા પછી નોન વેજ, ઈંડા સહિતના ફૂડ ખાવા માટે દારૂડિયા દોટ મૂકતા હોય છે જેમને પકડવા માટે પોલીસ ઓપરેશન તવા ફ્રાય શરૂ કર્યું છે. જો કોઈ પણ દારૂડિયા દારૂ ઢીંચીને જમવા માટે ગયા તો પોલીસ તેમને સીધા લોકઅપ ભેગા કરી દેશે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય ઠેર-ઠેર દારૂ વેચાય છે અને પીવાય પણ છે. દારૂ ઢીંચી લીધા બાદ હત્યા, મારામારી, અકસ્માત જેવા સંખ્યાબંધ ગુના બની રહ્યા છે
જેમને રોકવા માટે પોલીસ દ્વારા સ્પેશિયલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં ખાણી-પીણીની જગ્યાઓ હશે ત્યાં જઈને પોલીસ દ્વારા સ્પેશિયલ ચેકિંગ કરશે અને જો કોઈ દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ જશે તો તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. આવનારા દિવસોમાં પોલીસ આ મામલે સ્પેશિયલ ડ્રાઈવ યોજે તેવી માહિતી પણ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી છે.
ગાંધીનગર શહેરમાં રાતના સમયે ચાલતી નોન વેજની હાટકીઓ ઉપર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કોÂમ્બંગ કરવામાં આવ્યું હતું. રાતના સમયે મોટાભાગની નોન વેજની લારીઓ ઉપર પીધેલા લોકો જમવા માટે આવતા હોય છે. ત્યારબાદ ઘર્ષણના બનાવો પણ બનતા હોય છે જેથી પોલીસ તમામ નોન વેજની લારીઓ અને હોટલ ઉપર બ્રેથ એનેલાઈઝર ટીમ સાથે ત્રાટકી હતી જેથી નશો કરીને નાસ્તો કરવા જતા નશેડીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
ગાંધીનગર પોલીસે કરેલી કામગીરી બાદ હવે અમદાવાદ પોલીસ પણ સફાળી જાગી છે અને ઓપરેશન તવા ફ્રાય શરૂ કરવાનું પ્લાનિંગ કરી લીધું છે. અમદાવાદની તમામ નોન વેજની હાટડીઓ, હોટલો તેમજ ઈંડાની હોટલો અને કાઠિયાવાડી તેમજ રોડ પણ ખાણી-પીણીનો ધંધો કરતી ફાસ્ટ ફૂડની હાટડીઓ પર પોલીસ ત્રાટકે તેવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
પોલીસ ખાસ કરીને નોન વેજની હાટકીઓને વધુ ટાર્ગેટ કરશે કારણ કે પીધા પછી દારૂડિયાઓ નોન વેજ ખાવાનું પસંદ કરતા હોય છે. જ્યાં પણ દારૂનો અડ્ડો હોય છે તેની આસપાસ નોન વેજની સંખ્યાબંધ હાટડીઓ હોય છે. દારૂ પીધા બાદ દારૂડિયાઓ પોતાની જાતને કંઈક અલગ પ્રકારની હસ્તી માનતા હોય છે. જેના કારણે અજાણી વ્યક્તિ ઓ સાથે માથાકૂટના બનાવો પણ બની જાય છે.
થોડા દિવસ પહેલાં શાહપુરમાં દારૂ પીવાના રૂપિયા નહીં આપતા એક યુવક પર તેના જ મિત્રએ છરી વડે હુમલો કર્યો હતો. બપોરે મિત્રએ રૂપિયા માંગ્યા હતા જેથી યુવકે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ રાત્રે મિત્રએ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં આવ્યો હતો અને યુવકને છરીના આડેધડ ઘા મારી દીધા હતા. આ ઘટના પહેલાં પણ બોપલમાં કોલેજિયન યુવકની હત્યા કેસમાં સંડોવાયેલા પોલીસ કર્મચારીએ દારૂના નશામાં હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે.
દારૂ પીધા પછી દારૂડિયા ભાન ભૂલી જાય છે ત્યાર બાદ નાની-મોટી બબાલ કરતા હોય છે. જેના કારણે ક્રાઈમ રેટ પણ વધી જાય છે. કાગડાપીઠમાં થોડા દિવસ પહેલાં બુટલેગર્સ દ્વારા જે હત્યા કરવામાં આવી હતી તેમાં પણ આરોપીઓ ચિક્કાર દારૂ પીધેલા હતા. દારૂ વિનાશ નોતરે છે તે હકીકત વધી રહેલી ક્રાઈમની ઘટનામાં અનેક વખત સામે આવી છે.
ક્રાઈમ રેટ ઘટાડવા માટે હવે પોલીસ નોન વેજની હાટડીઓ સહિત ખાણી-પીણીની લારીઓ પર સરપ્રાઈઝ ચેકિંગ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ મામલે એકઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, પોલીસ કમિશનરની મંજૂરી બાદ સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવશે. શહેરના તમામ પોલીસ સ્ટેશન બ્રેથ એનેલાઈઝર છે જેનો ઉપયોગ હાલ ભરપૂર કરવામાં આવી રહ્યો છે. પોલીસ જે ઓપરેશન તવા ફ્રાય ચાલુ કરવા જઈ રહી છે તેમાં પણ બ્રેથ એનેલાઈઝર સાથે મેદાનમાં ઉતરશે. જો કોઈ દારૂ ઢીંચીને જમવા માટે બેઠા હશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી થશે.
તથ્ય પટેલ, વિસ્મય શાહ જેવા અનેક નબીરાઓ ઈતિહાસના ચોપડે નોંધાય તેવા અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો છે. આ ઘટનાઓ પાછળ કયાંક દારૂ પીધો હોવાનું કારણ જવાબદાર છે. થોડા દિવસ પહેલાં બોપલમાં થયેલા અકસ્માત કેસમાં નબીરો ચિક્કારદારૂ પીધેલી હાલતમાં હતો.
આ સિવાય એસજી હાઈવે પર સાઈકલિસ્ટને ઉડાવનાર નબીરાએ પણ દારૂ પાર્ટી કરી હતી અને થોડા દિવસ પહેલાં નરોડા-દહેગામ હાઈવે પર ગોપાલ પટેલે કરેલા ખતરનાક અકસ્માતમાં પણ તે દારૂ ઢીંચેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. દારૂ પીધા બાદ નબીરા શહેરના રસ્તાને
રેસિંગ ટ્રેક સમજી બેસે છે જેના કારણે અકસ્માતની ઘટનાઓ વધી જાય છે. આવી ઘટનાઓ અટકે તે માટે પોલીસ ઓપરેશન તવા ફ્રાય શરૂ કર્યું છે. જો કારમાં દારૂ પાર્ટી કરવાનું વિચારી રહ્યા છો તો સમજી લેજો તમને લોકઅપ ભેગા ચોક્કસ કરાશે. આજે મોટા ભાગના યંગસ્ટર્સ પોતાની કારમાં દારૂ પાર્ટી કરતા હોય છે.
વીવીઆઈપી જગ્યાઓ ઉપર જઈને નબીરાઓ કારમાં દારૂ પાર્ટી કરે છે. કારમાં દારૂ પાર્ટીને નબીરાઓ સ્ટેટસ માની રહ્યા છે. પોલીસ હવે વીવીઆઈપી જગ્યાઓ પર થતી દારૂ પાર્ટીઓ પર ફૂલસ્ટોપ મારી દેશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ સિંધુ ભવન રોડ, એસજી હાઈવે, એસપી રિંગ રોડ, કાફે બહાર પાર્ક કરેલી કારમાં બિનજરૂરી બેસી રહેલા નબીરાઓનું ચેકિંગ કરશે. જો તે દારૂ પાર્ટી અથવા તો ડ્રગ્સી પાર્ટી કરતા હશે તો તરત જ તેમના વિરૂધ કાર્યવાહી કરવામાં આવશે.