રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીએ દાંતીવાડાથી કરાવ્યો
દ્વિ દિવસીય રવી કૃષિ મહોત્સવ રાજ્યના ૨૪૬ તાલુકાઓમાં યોજાયો:- અંદાજે ૨.૫૦ લાખથી વધુ ધરતી પુત્રો સહભાગી થશે
મુખ્યમંત્રીશ્રી-કૃષિ મંત્રીશ્રીના હસ્તે ૧૨ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અને શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અર્પણ – વિવિધ લાભોનું વિતરણ કરાયું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના દાંતીવાડાથી શુક્રવાર, ૬ ડિસેમ્બરે સવારે ૧૦:૦૦ કલાકે રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો. આ રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪ તા. ૬ અને ૭ ડિસેમ્બર દરમિયાન ૨૪૬ તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાવાનો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમયાનુરૂપ ટેકનોલોજીના ઉપયોગથી ખેતી દ્વારા ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના ઉદાત અભિગમ સાથે કૃષિ મહોત્સવની નવતર પરંપરાની શરૂઆત ૨૦૦૫થી કરાવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ‘રવિ કૃષિ મહોત્સવ-2024’નો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, બનાસકાંઠાથી રાજ્યવ્યાપી શુભારંભ. https://t.co/wA5hiTGwXd
— CMO Gujarat (@CMOGuj) December 6, 2024
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં એ પરંપરાને આગળ ધપાવતાં રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ વર્ષે રવી કૃષિ મહોત્સવનું બહુ આયામી આયોજન કરવામાં આવ્યું છે.
આ બે દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેક્નીકલ માર્ગદર્શન સેમીનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન-પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો-સાથ રાજ્યના પ્રગતીશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યકક્ષાના રવી કૃષિ મહોત્સવમાં દાંતીવાડા ખાતે ૧૨ જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કરશે ઉપરાંત શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અને વિવિધ લાભ સહાયનું વિતરણ પણ થવાનું છે.
રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪માં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક અને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, પ્રિસીઝન ફાર્મિંગ, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા વિશે માર્ગદર્શન, મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, સફળ પશુપાલન જેવા વિવિધ વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. આ દ્વિ દિવસીય રવી કૃષિ મહોત્સવના રાજ્યવ્યાપી આયોજનનો લાભ અંદાજે ૨.૫૦ લાખ ધરતીપુત્રો મહોત્સવમાં સહભાગી થઈને લેશે.