ઈન્દિરા ગાંધી માટે સંજય રાઉતની ટિપ્પણીથી કોંગ્રેસ ખફા
નવીદિલ્હી: સંજય રાઉતે અંડરવર્લ્ડના ડોન કરીમ લાલા અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની મુલાકાત અંગે નિવેદન આપતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના નેતાઓએ પણ આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા હવે સંજય રાઉતે આખરે માફી માંગવી પડી. સંજય રાઉતે કહ્યું કે ઈન્દિરા ગાંધીનું અંડરવર્લ્ડ ડોન કરીમ લાલા સાથ મળવાની વાતથી અમારા મિત્ર કોંગ્રેસે દુઃખી થવાની જરૂર નથી. જો કોઈને એમ લાગતુ હોય કે મારા નિવેદનથી ઈન્દિરા ગાંધીની છબીને ધક્કો લાગ્યો છે કે પછી કોઈની ભાવનાને ઠેસ પહોંચી છે તો હું મારું નિવેદન પાછું ખેચું છું.
આ અગાઉ પણ સંજય રાઉતે પોતાના નિવેદન અંગે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમણે આ વાતો ગાંધી પરિવારની છબી બગાડવા માટે નહતી કરી. તેમણે કહ્યું કે વિપક્ષમાં રહીને પણ મેં ઈન્દિરા ગાંધી, પંડિત નહેરુ, રાજીવ ગાંધી અને ગાંધી પરિવાર પ્રત્યે સન્માન જતાવ્યું છે. જ્યારે પણ લોકોએ ઈન્દિરા ગાંધી પર નિશાન સાધ્યું ત્યારે હું તેમના માટે ઊભો રહ્યો છું.
અત્રે જણાવવાનું કે મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમ અને મિલિન્દ દેવડાએ રાઉતને નિવેદન પાછું ખેંચવાની માગણી કરી હતી. સંજય રાઉતે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે નહેરુ અને ઈન્દિરા ગાંધી માટે હંમેશાથી મારા મનમાં સન્માન છે. તેમણે વધુમાં કહ્યું કે કરીમ લાલા સાથે અનેક નેતાઓ મુલાકાત કરતા હતાં. તેઓ પઠાણ સમુદાયના નેતા હતા, અફઘાનિસ્તાનથી આવ્યાં હતાં. આથી લોકો પઠાણ સમુદાયની સમસ્યાઓ જાણવા માટે તેમને મળતા હતાં. શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે બુધવારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને લઈને મોટો ખુલાસો કર્યો હતો. પોતાના એક નિવેદનમાં તેમણે દાવો કર્યો છે કે ઈન્દિરા ગાંધી અંડરવર્લ્ડ ડોન કરીમ લાલાને મળવા માટે મુંબઈ આવતા હતાં.
રાઉતે મુંબઈમાં અંડરવર્લ્ડના સમય અંગેની વાત કરતા કહ્યું કે “એક સમય હતો જ્યારે દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ અને શરદ શેટ્ટી એ નક્કી કરતા હતાં કે મુંબઈમાં પોલીસ કમિશનર કોણ હશે અને સરકારના કયા મંત્રાલયમાં કોણ બેસશે? અમે અંડરવર્લ્ડનો એ સમય જોયો છે, પરંતુ હવે તેઓ અહીં ફક્ત ચિલ્લર છે.”
રાઉતે મુંબઈના તે સમયને યાદ કરતા કહ્યું કે “જ્યારે હાજી મસ્તાન મંત્રાલય આવતો હતો, ત્યારે મંત્રાલયના સમગ્ર કર્મચારીઓ તેને જોવા માટે નીચે આવતા હતાં.” સંજય રાઉતે પુણેમાં એક પુરસ્કાર સમારોહ દરમિયાન એક મીડિયાના સમૂહને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ઈન્દિરા ગાંધી પાઈધોની (દક્ષિણ મુંબઈમાં) કરીમ લાલાને મળવા માટે આવતા હતાં. શિવસેના સાંસદ રાઉતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ગેંગસ્ટર એજાઝ લાકડાવાલાએ મુંબઈ પોલીસની પૂછપરછમાં ડી કંપની અંગે મોટો ખુલાસો કર્યો છે.