Western Times News

Gujarati News

અસ્પૃશ્ય ગણાતી મહાર જાતીના ડો. બાબા આંબેડકરે લંડનથી કાયદા અને અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટ ડિગ્રી મેળવી હતી

૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયા પછી બાબા આંબેડકરને બંધારણ સભાના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા હતા

PM મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ પાઠવી -સામાજિક ન્યાય, શિક્ષણ અને સમાનતાના ક્ષેત્રમાં તેમણે જે ક્રાંતિ શરૂ કરી છે તે હંમેશા પ્રાસંગિક રહેશે

નવી દિલ્હી,  સંસદ ભવનના પરિસરમાં શુક્રવારે ૬૯મા મહાપરિનિર્વાણ દિવસના અવસરે ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કોંગ્રેસ અધ્યક્ષ મÂલ્લકાર્જુન ખડગે, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ એકબીજાને અનોખા અંદાજમાં આવકાર્યા હતા. બંનેએ એકબીજા સાથે હાથ મિલાવ્યા અને જોર જોરથી હસતા જોવા મળ્યા હતા.

બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની આજે પુણ્યતિથિ રહેલી છે. તેમની યાદમાં આજના દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભીમરાવ આંબેડકરનો વારસો આજે પણ સમગ્ર દેશમાં પ્રેરણાનો સ્ત્રોત છે. સામાજિક ન્યાય, શિક્ષણ અને સમાનતાના ક્ષેત્રમાં તેમણે જે ક્રાંતિ શરૂ કરી છે તે હંમેશા પ્રાસંગિક રહેશે. તેમના વિચારો અને યોગદાન વંચિતોના સશક્તિકરણમાં સીમાચિહ્નરૂપ સાબિત થયા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે દેશ ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાનને યાદ કરે છે, ત્યારે તેઓ ફરી એકવાર તેમના વિઝનને સાકાર કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. મહાપરિનિર્વાણ દિવસ પર, અમે આપણા બંધારણના નિર્માતા અને સામાજિક ન્યાયના પ્રતિક એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરને નમન કરીએ છીએ, જય ભીમ’.

ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ના રોજ મધ્ય પ્રદેશના મહુમાં થયો હતો. તેઓ મહાર જાતિના હતા, જે તે સમયે અસ્પૃશ્ય ગણાતા હતા. આંબેડકરે તેમના જીવનના શરૂઆતના દિવસોમાં જાતિગત ભેદભાવ અને સામાજિક અસમાનતાનો સામનો કર્યો હતો. પરંતુ તેમના પિતા રામજી માલોજી સકપાલે તેમને શિક્ષણ તરફ પ્રેરિત કર્યા.

આંબેડકરે તેમના શિક્ષણ દ્વારા સમાજમાં પરિવર્તન લાવવાનું નક્કી કર્યું. તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સ્નાતક થયા અને બાદમાં કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમણે કાયદા અને અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટ ડિગ્રી મેળવી. તેમના શિક્ષણે તેમને માત્ર એક કુશળ વિદ્વાન જ નહીં પણ એક સમાજ સુધારક બનવાની પ્રેરણા આપી.

ડૉ. આંબેડકરે ભારતીય રાજકારણમાં પ્રવેશ કર્યો અને દલિત સમુદાયના અધિકારો માટે લડ્યા. ૧૯૩૦ના દાયકામાં, તેમણે પૂના કરાર દ્વારા દલિતો માટે અલગ મતદાર મંડળની માંગ કરી. તેઓ ભારતીય સમાજમાં સમાનતા અને ન્યાયના પ્રબળ સમર્થક હતા. તેમના પ્રયાસોને કારણે ભારતમાં દલિતોના અધિકારોને બંધારણીય રક્ષણ મળ્યું.

૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયા પછી, આંબેડકરને બંધારણ સભાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમણે ભારતનું બંધારણ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું બંધારણ વિશ્વની સૌથી મોટી લોકશાહી માટે પાયાનો પથ્થર બની ગયું. જેમાં તમામ નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયનો અધિકાર સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો.

ડૉ. ભીમરાવ આંબેડકરે ૧૯૫૬માં દલિત સમુદાય સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. તેઓ માનતા હતા કે, બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો સામાજિક સમાનતા અને બંધુત્વને પ્રોત્સાહન આપે છે. ૬ ડિસેમ્બર ૧૯૫૬ના રોજ લાંબા સમયથી બીમાર રહેલા ડૉ.બાબાસાહેબ આંબેડકરનું નવી દિલ્હીમાં અવસાન થયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.