Western Times News

Gujarati News

પતિએ અભયમ હેલ્પલાઈન પર કોલ કરીને મદદ માંગી, પરંતું બાદમાં પતિનો જ ભાંડો ફૂટ્યો

અભયમની ટીમ પહોંચી તો પતિનો ભાંડો ફૂટ્યો

અભયમ હેલ્પલાઈન પર પતિએ ફોન કરીને ખોટી માહિતી આપી, ટીમે કાઉન્સેલિંગ કરતા ઘરેલુ હિંસાનો કેસ સામે આવ્યો

અમદાવાદ,
અભયમ હેલ્પલાઈન પર રોજ ગુજરાતની અનેક બહેન-દીકરી અને માતા મદદ માંગે છે અને તેમને તાત્કાલિક મદદ મળે છે. તેમની પારિવારિક કે અન્ય સમસ્યાઓને દૂર કરવાનો પ્રયાસ કરાય છે. ત્યારે વધુ એક પતિએ અભયમ પાસે મદદ માંગી હતી, પરંતું બાદમાં પતિનો જ ભાંડો ફૂટ્યો હતો.
૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર એક ભાઈનો કોલ આવ્યો હતો કે, મારી પત્નીને મારા માસીના દીકરા સાથે અફેર છે. મારો માસીના દીકરાએ મારા ઘરે આવીને મારી પત્ની સાથે દુષ્કર્મ કર્યુ હતું અને તેના પર જીવલેણ મારપીટ કરીને ભાગી ગયો હતો. હું હાલ મારી પત્નીને હોસ્પિટલ લઈને આવેલ છું તમે મદદ માટે આવો. અભયમ ટીમ સ્થળ પર પહોંચતા પીડિત મહિલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, તેમની સાથે દુશ્કર્મ નથી થયું અને તેમનું ક્યાંય પણ અફેર નથી.

મહિલાએ અભયમને જણાવ્યું કે, તેમના લગ્નને આઠ વર્ષ થયા છે અને લવ મેરેજ કર્યા છે. સાત વર્ષની દીકરી અને દોઢ વર્ષનો દીકરો પણ છે. તેમના પતિને છેલ્લા છ મહિનાથી પાડોશીમાં રહેતી મહિલા સાથે અફેર છે અને તેઓ બંને સાથે રહે છે. હું મારા બંને બાળકો અને સાસુ સાથે એકલી રહું છું. મારા પતિ છેલ્લા છ મહિનાથી મને મળવા આવતા નથી અને તારી કંઈ જરૂર નથી હું તારી સાથે રહેવા માંગતો નથી તેવું જ કહે છે. આથી આજે બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. પરંતુ કોર્ટમાં જઈને એવું જાણવા મળેલ કે દસ દિવસ પછી છૂટાછેડા થશે.

આથી અમે બંને સાથે ઘરે આવ્યા હતા અને ઘરે આવ્યા બાદ અમારી વચ્ચે ઝઘડો થયો હતો.પીડિતાના પતિએ લોખંડના પાઈપ વડે પીડિતાના માથા પર પ્રહાર કરીને લોહી લુહાણ કરી હતી તથા કમરના ભાગે હાથના ભાગે અને પગના ભાગે અઢળક માર માર્યો હતો. ધમકી આપી હતી કે, જો તું એમ કહીશ કે મારા પતિએ મને મારી છે, તો હું તને ખતમ કરી નાંખીશ અને તારા માતા પિતાને પણ ખતમ કરી નાંખીશ. ભાઈ બહેનને પણ સારી રીતે જીવવા નહીં દઉં આમ કહીને બે કલાક ઘરમાં પૂરી રાખી હતી.

ત્યાર બાદ પીડીતાને ડર લાગ્યો હતો કે તેના માતા પિતા અને નાના ભાઈ-બેનનું શું થશે.એટલું જ નહિ, પીડીતાથી માર સહન ના થતા તેણે પતિને હા પાડી હતી કે હું આ આરોપ બીજા ઉપર નાખી દઈશ. બાદમાં તેમણે પોતે જ હોસ્પિટલ લાવીને અભયમની મદદ લીધી હતી. અભયમ ટીમે પીડિત મહિલાનું કાઉન્સિલિંગ કર્યું હતું. તેમના માતા પિતાને ત્યાં બોલાવીને સમજાવ્યું કે તેમની દીકરી સાવ નિર્દોષ છે અને તેના પર જીવલણ હુમલો તેમના પતિએ જ કર્યો છે અને જેનો આરોપ પણ બીજા પર નાખવા માંગે છે.

આ અગાઉ પણ તેમણે ઘણી વખત પીડિતા પર મારપીટ કરાઈ હતી. પરંતુ ઘરસંસાર બચાવવાના લીધે પીડીતાએ હંમેશા સહન જ કર્યું હતું. જો આજે ગુનો દાખલ નહીં કરો તો ભવિષ્યમાં પણ તે આ પ્રકારની મારપીટ શરૂ જ રાખશે. આથી પીડિત મહિલાએ હા પાડતા નજીકના પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.