પોલીસે ટીયર ગેસ છોડતાં ખેડૂતોએ દિલ્હીકૂચ સ્થગિત કરી દીધી
નવી દિલ્હી, પંજાબ-હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડર પરથી રવિવારે દિલ્હી કૂચ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોને હરિયાણા પોલીસે ટીયર ગેસ અને વોટરકેનનનો મારો ચલાવીને અટકાવી દીધાં હતાં. પોલીસની કાર્યવાહીથી કેટલાંક ખેડૂતો ઘાયલ થયાં પછી ખેડૂતોએ પોતાની દિલ્હી કૂચ સ્થગિત કરી હતી.
પંજાબના ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા આઠ ખેડૂતો ઘાયલ થયાં હતાં અને તેમાંથી એકને ચંડીગઢની પોસ્ટ-ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ માં દાખલ કરાયો હતો. અમે ૧૦૧ ખેડૂતોના જૂથને પાછું બોલવી લીધું હતું. હવે ખેડૂતો સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાની બેઠક પછી તેમની ભાવિ પગલાં નક્કી કરશે.
૧૦૧ ખેડૂતોના જૂથે આંદોલન સ્થળ શંભુ પરથી પગપાળા કૂચ ફરી શરૂ કરી હતી. સૌપ્રથમ તો પોલીસે ખેડૂતોને સમજાવ્યા હતા અને તેમના પર પુષ્પવર્ષા કરી હતી અને પાછા વળવા કહ્યું હતું. પરંતુ તેઓ માન્યા ન હતા. ત્યારબાદ પોલીસે ઊભા કરેલા બેરિકેડિંગની નજીક ખેડૂતો પહોંચ્યા પછી પોલીસે ટીયર ગેસના શેલ અને વોટર કેનનો મારો ચલાવ્યો હતો.
પોલીસે અગાઉથી બોર્ડર નજીક લોખંડી બેરિકેડ ઊભા કર્યા છે. અંબાલા પોલીસે અગાઉ કહ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાની વહીવટીતંત્રની પરવાનગી લીધા પછી જ ખેડૂતોના સંગઠનો દિલ્હી તરફ કૂચ કરી શકે છે. શુક્રવારે પણ ૧૦૧ ખેડૂતોએ કૂચનો પ્રયાસ કર્યાે હતો.
પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતો રવિવારે તેમની ‘દિલ્હી ચલો’ કૂચ માટે આગળ વધી રહ્યા હતા ત્યારે પોલીસે ખેડૂતો પર પુષ્પવર્ષા કરી હતી અને તેમને આગળ ન વધવા માટે સમજાવ્યા હતા અને વિનંતી કરી હતી. જોકે ખેડૂતો માન્યા ન હતા અને બેરિકેડ તોડીને આગળ વધવા પ્રયાસ કરી રહ્યા હતા. આથી પછી પોલીસ આક્રમક બની હતી અને ટીયર ગેસ છોડ્યો હતો.SS1MS