મ્યુનિ.કમિશનરે જાહેર કરેલાં રૂ. 5500 કરોડના કામો સામે હજી સુધી માત્ર રૂ.૨૮૦૦ કરોડના કામો થયા
૨૦૨૪-૨૫ના બજેટને ૧૫થી ૧૮ ટકા રિવાઈઝ કરવું પડે તેવી સ્થિતિ ઃ રેવન્યુ અને કેપિટલ આવકમાં પણ મોટા ખાડા પડે તેવી શક્યતા
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનનું નાણાંકીય ૨૦૨૪-૨૫ માટે મ્યુનિ.કમિશ્નરે ૧૦૮૦૧ કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું. વિકાસના કાર્યાે માટે રૂ.૫૫૦૦ કરોડની ફાળવણી કરી હતી પરંતુ વર્ષ પૂર્ણ થવામાં ગણતરીના મહિના જ બાકી હોવા છતાં હજી સુધી વિકાસના કાર્યાેમાં કોઈ ઝડપ જોવા મળતી નથી.
જ્યારે કમિશ્નરે રૂ.૭૬૫૦ કરોડની રેવન્યુ આવક થવાનો અંદાજ મૂક્યો હતો પરંતુ એમાં પણ મોટો ખાડો પડે એવું લાગી રહ્યું છે જેના કારણે ૨૦૨૩-૨૪માં કમિશનરે રિવાઈઝ બજેટમાં ૨૫ ટકા સુધીનો જે વધારો સૂચવ્યો હતો તે ૨૦૨૫-૨૬માં ઘટાડવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળે છે.
મ્યુનિ.કમિશ્નર દ્વારા ૨૦૨૪-૨૫ માટે જાહેર કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટમાં રેવન્યુ આવકપેટે મ્યુનિ.તિજોરીને રૂ.૭૬૫૦ કરોડ જમા થવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. પરંતુ નવેમ્બર મહિનો પૂર્ણ થયો ત્યાં સુધી મ્યુનિ.તિજોરીમાં રેવન્યુ આવકપેટે માત્ર રૂ.૪૬૦૯ કરોડ જ જમા થયા છે. જ્યારે હજી રૂ.૩૦૪૧ કરોડ આવકની ઘટ છે. જે આાગમી ચાર મહિનામાં થાય તેવી કોઈ શક્યતા જોવા મળતી નથી.
મ્યુનિ.કોર્પાેરેશનને આગામી ૪ મહિનામાં ઓક્ટ્રોય અવેજી ગ્રાન્ટ પેટે વધુમાં વધુ ૪૨૫ કરોડ હોઈ શકે તેમ છે. જ્યારે પ્રોપર્ટી ટેક્સ પેટે અત્યાર સુધી રૂ.૧૫૨૪.૫૮ કરોડની આવક થઈ છે. જેમાં વધુમાં વધુ ૬૦૦થી ૭૦૦ કરોડનો વધારો થઈ શકે છે. તેવી જ રીતે નોન ટેક્સ રેવન્યુ આવકમાં પણ કમિશ્નરે રૂ.૨૨૩૩ કરોડનો અંદાજ કર્યાે છે જે હજી સુધી માત્ર રૂ.૧૦૧૪ કરોડ જ થઈ છે. આમ રેવન્યુ આવકની પૂરાંત કેપિટલમાં ટ્રાન્સફર કરવાની જાહેરાતો થાય છે.
તે આ વર્ષે પોકળ સાબિત થાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. ૨૦૨૩-૨૪માં કમિશ્નરે ટેક્સની આવકનો અંદાજ વધારી રૂ.૨૪૭૩ કરોડ કર્યાે હતો તથા તેની પૂરાંત કેપિટલમાં લઈ જવાની ગણતરી હતી. પરંતુ ૨૦૨૩-૨૪માં ખરેખર આવક રૂ.૨૧૩૩ .૯૮ કરોડ જ થઈ છે. આમ જે પૂરાંત ટ્રાન્સફર કરવાની ગણતરી હતી તેમાં રૂ.૩૩૯ કરોડનો ખાડો પડ્યો છે જેનું નુકસાન આ વર્ષે પણ જોવા મળી શકે છે.
મ્યુનિ.કમિશ્નર દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૫૫૦૧ કરોડના વિકાસકામોની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજી સુધી જોવામાં આવે તો કોર્પાેરેશનના ફંડમાંથી પ્રોજેક્ટ વિભાગમાં માત્ર રૂ.૩૮૫.૫૬ કરોડના જ કામ થયા છે. જ્યારે એન્જિનિયર વિભાગમાં કોર્પાેરેશન ફંડમાંથી માત્ર રૂ.૫૫૭.૪૪ કરોડના કામ થયાં છે. તેવી જ રીતે, ઝોનલ બજેટમાં પણ માત્ર ૨૦થી ૩૦ ટકા જ રકમ ખર્ચ થઈ છે.
મ્યુનિ.કમિશનરે ૨૦૨૪-૨૫ માટે તમામ ઝોન માટે રૂ.૬૫૦ કરોડના બજેટની ફાળવણી કરી હતી. જેની સામે નવેમ્બર મહિનાના અંત સુધીમાં માત્ર રૂ.૧૭૧.૮૮ કરોડનો જ ખર્ચ થયો છે. જેનો સીધો મતલબ એ થાય છે કે, ઝોન લેવલે પ્રાથમિક સુવિધાના નાના-મોટા કામ થતાં નથી. મ્યુનિ.કમિશનર દ્વારા સ્વર્ણિમ જયંતિની ગ્રાન્ટમાંથી રૂ.૧૮૧૫.૧૫ કરોડના વિકાસકામો થવાનો અંદાજ જાહેર કરવામાં આવ્યો હતો. જે પૈકી હજીસુધી રૂ.૮૫૩.૧૫ કરોડના જ કામ થયાં છે.
મતલબ કે સ્વર્ણિમ જયંતિ ગ્રાન્ટમાંથી પણ રૂ.૧ હજાર કરોડના કામ ચાર મહિનામાં કરવાના છે. જેની શક્યતા બિલકુલ ઓછી લાગે છે. સ્વર્ણિમ જયંતિ ગ્રાન્ટમાંથી નવેમ્બર મહિનાના અંત સુધીમાં રોડ પ્રોજેક્ટ વિભાગમાં રૂ.૩૮૫ કરોડ, બ્રિજ માટે રૂ.૧૦૧ કરોડ, પાણી માટે રૂ.૧૦૧ કરોડ, ડ્રેનેજ માટે રૂ.૬૩ કરોડ, બિલ્ડિંગ માટે રૂ.૧૦૭ કરોડ, સ્ટ્રીટ લાઈટ માટે માત્ર રૂ.૮૮ લાખ, મેડિકલ અને ફાયર માટે રૂ.૧૯.૯૩ કરોડના કામો થયાં છે.
કેપિટલ આવકમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનામાંથી રૂ.૪૨૫ કરોડ કોર્પાેરેશનને મળી ચૂક્યાં છે તેથી હવે વધુ રકમ તેમાં મળે તેવી કોઈ શક્યતા જોવા મળતી નથી. જ્યારે અન્ય આવકો માટે જે અંદાજ જાહેર કર્યા છે. તે પણ ખોટા સાબિત થાય તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે.
આમ, એકંદરે જોવામાં આવે તો મ્યુનિ.કમિશ્નર દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવ્યું તેમાં લગભગ ૧૫થી ૧૮ ટકા જેટલો ઘટાડો કરવામાં આવી શકે તેવી પરિસ્થિતિ હાલ જોવામાં આવી રહી છે. કમિશ્નરે રૂ.૫૩૦૦ કરોડના રેવન્યુ ખર્ચ માટેનો અંદાજ મૂકવામાં આવ્યો હતો જેની સામે રૂ.૩૮૨૪ કરોડ ખર્ચ થયો છે.
જ્યારે ૫૫૦૧ કરોડના વિકાસકામો સામે રૂ.૨૮૬૩ કરોડ ખર્ચ થયાં છે આમ કમિશનરે જે આવક-જાવકના પગલાં પલડાં જાહેર કર્યા હતા તે પૈકી માત્ર ૫૦ ટકા જ કામ થયાં છે અને બાકીના કામ ચાર મહિનામાં પૂર્ણ કરવા અશક્ય લાગી રહ્યું છે.