બિલ્ડરની કારમાંથી રૂ.૧ કરોડની રોકડ અને દારૂની બોટલ જપ્તઃ ધરપકડ કરાઈ
ઈસનપુરમાંથી દારુ પીને ગાડી ચલાવતો બિલ્ડર ઝડપાયો
(એજન્સી)અમદાવાદ, ઇસનપુરની સૂર્યાનગર પોલીસ ચોકી નજીક વાહનચેકિંગ દરમિયાન બિલ્ડર ધનરાજ પટેલ નશાની હાલતમાં ઝડપાયો હતો છેલ્લા કેટલાક સમયથી દારૂ પીને અકસ્માત સર્જવાની એક પછી એક ઘટનાઓ સામે આવ્યા બાદ પોલીસ તંત્રએ દારૂ પીને ગાડી ચલાવનારાઓ વિરુદ્ધ કડક અભિયાન હાથ ધર્યુ છે..
જે અંતર્ગત પોલીસ અલગ-અલગ રસ્તાઓ પર દિવસ-રાત ચેકિંગની કામગીરી કરી રહી છે.. આ દરમ્યાન દારુ પીને ડ્રાઇવ કરનાર એક બિલ્ડર ઝડપાયો છે. જેની કારમાંથી દારૂની બોટલ ઉપરાંત ૧ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે.
અમદાવાદના ઈસનપુરમાંથી દારુ પીને ગાડી ચલાવતા બિલ્ડરની ધરપકડ કરાઇ છે. ઇસનપુરની સૂર્યાનગર પોલીસ ચોકી નજીક વાહનચેકિંગ દરમિયાન બિલ્ડર ધનરાજ પટેલ નશાની હાલતમાં ઝડપાયો હતો.. બિલ્ડરની કારમાં તપાસ કરતા કારમાંથી ૧ કરોડ રૂપિયાની રોકડ અને એક દારૂની બોટલ મળી આવી હતી.
બિલ્ડર ધનરાજ પટેલે આ પૈસા સાઇટ બુકિંગના હોવાનું જણાવ્યું હતું. પોલીસે બિલ્ડર વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધ્યો છે. બિલ્ડર પાસે આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી તેને લઇને પણ પોલીસે તપાસ હાથ ધરી છે.