કેક શોપના માલિકે વરઘોડામાં 3 રાઉન્ડ ફાયરીંગ કર્યાઃ બે લોકો ગંભીર
વરઘોડામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાતા અફરાતફરી સર્જાઇ-ભાગદોડમાં કેટલાક લોકોને ઇજા પંહોચી હોવાનું સામે આવ્યું ફાયરિંગ દુર્ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે
સુરત, સુરતમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ડિંડોલીના વરઘોડામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ડરના માર્યા લોકો નાસભાગ કરવા લાગ્યા. આ ભાગદોડમાં કેટલાક લોકોને ઇજા પંહોચી હોવાનું સામે આવ્યું. ફાયરિંગ દુર્ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સુરતના ડિંડોલીમાં એક લગ્નના વરઘોડો જઈ રહ્યો હતો ત્યારે ફાયરિંગની ઘટના બની. વરઘોડા દરમ્યાન ત્રણ રાઉન્ડ ફાયરિંગ થતા લોકોમાં દોડધામ મચી હતી. આ ફાયરિંગમાં બે લોકોને ગંભીર ઇજા પંહોચી હતી. પોલીસે આ દુર્ઘટનાને લઈને આસપાસ વિસ્તારના સીસીટીવી ચેક કર્યા.
જેમાં સામે આવ્યું કે કેક શોપના માલિક ઉમેશ તિવારી દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું. જો કે ઉમેશ તિવારીએ લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. પરંતુ જ્યારે લગ્નનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો ત્યારે કેક શોપના માલિક દ્વારા અચાનક ફાયરિંગ કરાતા બે લોકોને ગંભીર ઇજા પંહોચી હતી.
આ ઘટનાની તપાસમાં પોલીસને માહિતી મળી કે લગ્ન પ્રસંગની ધામધૂમથી ઉજવણી થઈ રહી હતી. આ પ્રસંગમાં સામેલ કેક શોપના માલિક ઉમેશ તિવારીએ ખુશ થઈ પોતાની લાયસન્સવાળી બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું હતું. પરંતુ આ દરમ્યાન તેમના હાથનું બેલેન્સ ખસી ગયું અને મિસ ફાયર થયું.
પોલીસે આ ઘટનાને લઈને હાલમાં પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જો કે કેક શોપના માલિક ઉમેશ તિવારીનું લાયસન્સ રદ થશે કે પછી તેમની ધરપકડ કરાશે. આ મામલે પોલીસ કેવો અભિગમ અપનાવશે તે જોવાનું રહેશે.