Western Times News

Gujarati News

અંક્લેશ્વર હાઈવે પર ખાનગી લક્ઝરી બસ અને એસ.ટી વચ્ચે અકસ્માતઃ ૧૬થી વધુને ઈજા

Oplus_131072

ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયાઃ મોટી દુર્ઘટના ટળી

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પર એસ.ટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં લક્ઝરી બસ પલટી જતા ૧૬ થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા.

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલાખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલ્ટી ગઈ હતી તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી.ખાનગી બસ પલ્ટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા.

આસપાસના સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતમાં ૧૬ જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

બંને બસ સુરતથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાઈ હતી.અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર ૪૮ પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું.ક્રેનની મદદથી પલટી મારી ગયેલી લકઝરી બસને ઉઠાવી સાઈડ પર કરવા સાથે વાહન વ્યવહાર ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જોકે કોઈપણ જાનહાનિ નહિ નોંધાતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.